Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

સંસદને લાગ્યુ કોરોનાનું ગ્રહણ : શીયાળુ સત્ર યોજાશે નહિ

જાન્યુઆરીમાં બજેટ સત્ર યોજાશે

નવી દિલ્હી તા. ૧૫ : કોરોના વાયરસનો કહેર આખી દુનિયા  પર જોવા મળી રહ્યો છે. દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા ૧ કરોડના આંકડા તરફ આગળ વધી રહી છે. આ બધાની વચ્ચે સરકારે જાહેરાત કરી દીધી છે કે કોવિડ-૧૯ના લીધે આ વર્ષે સંસદના શિયાળુ સત્રનું આયોજન કરાશે નહીં. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ સોમવારના રોજ આ અંગેની માહિતી આપી અને કહ્યું કે કેટલાંય પક્ષોના નેતાઓ સાથે ચર્ચા કર્યા બાદ સામાન્ય મંતવ્ય બન્યું હતું કે સત્ર બોલાવું જોઇએ નહીં.

તો બીજીબાજુ તાજેતરમાં જ કોંગ્રેસની તરફથી ખેડૂતોના મુદ્દા પર ચર્ચા કરવા માટે સત્રની માંગણી કરી હતી. આ સિવાય વિપક્ષના કેટલાંય અન્ય પક્ષ પણ ખેડૂતોના મુદ્દાને લઇ સત્રની માંગણી કરી રહ્યા હતા. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશી એ કહ્યું કે કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે શિયાળું સત્રના પક્ષમાં કોઇ નહોતું. ત્યારબાદ હવે સીધું જાન્યુઆરીમાં બજેટ સત્ર બોલાવામાં આવશે. આપને જણાવી દઇએ કે ગયા વર્ષે ૩૧મી જાન્યુઆરીથી બજેટ સત્ર શરૂ થયું હતું જયારે ૨૦૧૮માં બજેટ સત્રની શરૂઆત ૨૮ જાન્યુઆરીથી થઇ હતી.

જોશીએ કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીની એક ચિઠ્ઠીનો જવાબ આપ્યો છે. જેમાં અધીર રંજન ચૌધરીની તરફથી એક સત્ર માટે માંગણી કરાઇ હતી, જેમાં મોટાપાયા પર થઇ રહેલા ખેડૂત વિરોધ પ્રદર્શનોને લઇ વિવાદાસ્પદ નવા કૃષિ કાયદા પર ચર્ચા કરવાની માંગણી કરાઇ હતી. જોશી એ જવાબ આપ્યો કે તેમણે તમામ પક્ષોના નેતાઓની સાથે વિચાર-વિમર્શ કર્યો હતો અને સર્વસહમતિથી કોવિડ-૧૯ના લીધે સત્ર ના બોલાવા પર તમામ સહમત થયા હતા.

આપને જણાવી દઇએ કે કેટલાંય ખેડૂત સંગઠન કેન્દ્ર સરકારની તરફથી લાવામાં આવેલા કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોની માંગણી છે કે કેન્દ્ર સરકાર આ નવા કૃષિ કાયદાને પાછો લઇ લે. આ કાયદાના વિરોધ પ્રદર્શનને લઇ હજારોની સંખ્યામાં ખેડૂત દિલ્હી બોર્ડર પર છેલ્લાં ૨૦ દિવસથી ડેરા તંબુ તાણીને બેઠા છે. તો બીજીબાજુ કેન્દ્ર સરકાર પાછળ હટવા રાજી નથી અને ના તો ખેડૂત પાછળ હટી રહ્યા છે. આ બધાની વચ્ચે કોંગ્રેસ સહિતના વિપક્ષી દળો કેન્દ્ર સરકારને ખેડૂત વિરોધી ગણાવી રહ્યા છે.

(2:56 pm IST)