Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

શરમજનક ! કર્ણાટક વિધાનસભામાં વરવા દ્રશ્યો સર્જાયા

ડેપ્યુટી ચેરમેનને ખુરશી પરથી ખદેડી મૂકયા : છુટ્ટા હાથની મારામારી

નવી દિલ્હી તા. ૧૫ : કર્ણાટક વિધાન પરિષદમાં આજે ભારે હંગામો થયો છે. કોંગ્રેસના વિધાન પરિષદના સભ્યોએ ઉપાધ્યક્ષ અશ્વનાથ નારાયણને અધ્યક્ષ સ્થાનેથી હટાવ્યા. આ પછી વિધાન પરિષદના સભ્યોને માર્શલની મદદથી બહાર ધકેલી દેવામાં આવ્યા. અધ્યક્ષે બાદમાં વિધાન પરિષદને અનિશ્ચિત મુલતવી રાખી હતી.

પાંચ દિવસ પહેલા કર્ણાટક વિધાનસભામાં ગૌ સંરક્ષણ કાયદો પસાર કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ તેનો વિરોધ કરી રહી છે. વિધાન પરિષદમાં આજે ગૌ સંરક્ષણ કાયદો રજૂ થવાનો હતો. કોંગ્રેસે તેની વિરુદ્ઘ મત આપવા માટે એક વ્હીપ જારી કર્યો હતો. વિધાન પરિષદની કાર્યવાહી શરૂ થતાની સાથે જ કોંગ્રેસના સભ્યો ઉપાધ્યક્ષને ખુરશી પર જોઇને નારાજ થયા હતા.

વિધાન પરિષદમાં કોંગ્રેસના નેતા એસ.આર. પાટીલે કહ્યું કે ઉપાધ્યક્ષ કેવી રીતે આવીને ગૃહ ચલાવી શકે છે. આ કાયદાકીય રૂપે યોગ્ય નથી અને અમે આવું થવા દઈશું નહીં. આ પછી કોંગ્રેસના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો અને ડેપ્યુટી ચેરમેન અશ્વનાથ નારાયણને ખુરશીમાંથી હટાવ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસ અને ભાજપના સભ્યોએ જોરદાર લડત ચલાવી હતી.

કોંગ્રેસના એમએલસી પ્રકાશ રાઠોડે કહ્યું હતું કે, ભાજપ અને જેડીએસએ ગેરકાયદેસર રીતે ડેપ્યુટી ચેરમેનને અધ્યક્ષની અધ્યક્ષતા પર બેસાડ્યા હતા, જયારે ગૃહ વ્યવસ્થિત નથી. દુર્ભાગ્યપૂર્ણ છે કે ભાજપ આવા ગેરબંધારણીય ચીલા પાડી રહ્યું છે. કોંગ્રેસે તેમને ખુરશીમાંથી નીચે ઉતરવાનું કહ્યું હતું. અમારે તેમને હાંકી કાઢવા પડ્યા કારણ કે તેઓ ગેરકાયદેસર રીતે ખુરશીમાં બેઠા હતા.કોંગ્રેસના હોબાળો પર કર્ણાટકના ગૃહ પ્રધાન બસવરાજ બોમ્માઇએ કહ્યું કે આજે ગૃહમાં જે કંઇ બન્યું તે સહન કરવા અસમર્થ છે. એક સર્વપક્ષીય બેઠક હતી, જેમાં ઉપાધ્યક્ષ ગૃહ ચલાવવા સંમત થયા હતા. કાયદો પસાર કરવા માટે અમારી પાસે તમામ વિકલ્પો ખુલ્લા છે. અમે કોર્ટમાં જઈશું અને રાજયપાલને મળીશું.

(2:55 pm IST)