Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

બોગસ બિલિંગ રોકવા માટે જીએસટી વિભાગનો વધુ એક નિર્ણય

GSTR-2બીમાં દર્શાવ્યા વિનાની વધારાની ક્રેડિટ લીધી તો વેપારીઓને નોટિસ મળશે

નવી દિલ્હી, તા.૧પ : બોગસ બિલિંગ અટકાવવા માટે જીએસટી વિભાગે વેપારી વધારાની ક્રેડિટ નહીં લે તે માટે જીએસટીઆર-ર બીની સુવિધા કાર્યરત કરી છે. તેમાં ૩ બી રીટર્ન ભરતા પહેલા એક શીટમાં કેટલા રૂપિયાની ક્રેડિટ વેપારી લઇ શકશે તેની તમામ જાણકારી આપવામાં આવી હશે. તેના કરતા વધારે ક્રિેડિટ વેપારીએ લીધી તો વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવશે.

જીએસટી લાગુ થયા બાદ બોગસ બિલિંગ અટકાવવા માટે અનેક પ્રયાસ કરવામાં આવ્યા હોવા છતાં હજુ પણ બોગસ બિલિંગનું સુવ્યવસ્થિત નેટવર્ક સમગ્ર દેશમાં ચાલી રહ્યું છે. તેમા પણ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જ પ હજાર કરોડથી વધુના બોગસ બિલિંગનો પર્દાફાશ છેલ્લા બે જ વર્ષમાં થયો છે. જેથી બોગસ બિલિંગને અટકાવવા માટે હવે ૩બીની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ સુવિધામાં વપારીએ જે પણ માલનું સમગ્ર માસ દરમિયાન ખરીદ અને વેચાણ કર્યું હશે તેની તમામ વિગત એકસેલ શીટમાં દેખાશે. આ ઉપરાંત વેપારીએ કેટલા રૂપિયાની ક્રેડિટ લેવાની ચાલુ માસ દરમિયાન થાય છે તેનો પણ ઉલ્લેખ તેમાં કરવામાં આવ્યો હશે. જેથી વેપારી ૩બી રીટર્ન ભરતી વખતે જીએસટીઆર-રબીમાં દર્શાવેલી વિગત પ્રમાણે જ ક્રેડિટ લઇ શકશે. તેના કરતા વધારે ક્રેડિટ વેપારીએ લીધી તો જીએસટી સિસ્ટમ જનરેટેડ નોટિસ વેપારીને મળશે. તેમજ વધારાની લીધેલી ક્રેડિટના બદલામાં વ્યાજ અને દંડ સહિતની રકમ ભરપાઇ કરવાની નોબત આવવાની છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ સુવિધા બોગસ બિલિંગ અટકાવવા માટે લાવવામાં આવી હોવાનું જાણકારો કહી રહ્યા છે. કારણ કે વધારાની ક્રેડિટ વેપારીએ લીધી હશે તો જીએસટી દ્વારા વેપારીને નોટિસ મોકલશે, તેનો જવાબ રજુ કરવામાં આવે એટલે જીએસટીના અધિકારીઓએ તેના થકી બોગસ બિલિંગના રેકેટને પકડી શકશે.

(11:30 am IST)