Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

કોરોનાનો કહેર યથાવતઃ રાજકોટમાં ૬નો ભોગ લેવાયોઃ નવા ૨૩ કેસ

શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ૨૦૧૩ બેડ ખાલીઃ શહેરમાં ૧૦૧ અને જીલ્લામાં ૧૭૬ માઇક્રો કન્ટેનમેન્ટઝોન કાર્યરત છે શહેરમાં આજ દિન સુધીમાં કુલ કેસ ૧૨,૩૦૩ નોંધાયા તથા ૧૧,૨૮૪ દર્દીઓએ કોરોના સામે મ્હાત આપીઃ રિકવરી રેટ ૯૧.૮૮ ટકા થયો

રાજકોટ, તા. ૧૫: શહેર અને જીલ્લામાં કોરોના દર્દીઓના મૃત્યુ આંકમાં વધ-ઘટ થઇ રહ્યો છે ત્યારે આજે ૬ દર્દીઓનાં મોત થયા  છે. જયારે શહેરમાં બપોર સુધીમાં ૨૩ કેસ નોંધાયા હતા.

સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ શહેર અને જીલ્લામાં ગઇકાલે  કોરોનાથી   ૪ પૈકી એક પણ મૃત્યુની નોંધ થઇ નથી.

આ અંગે તંત્રની સતાવાર વિગત મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ ગઇકાલ તા.૧૪નાં સવારે ૮ વાગ્યાથી તા.૧૫ને આજ સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લામાં ૬ દર્દીઓએ દમ તોડી દીધા હતો.

કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં  ૨૦૧૩ બેડ ખાલી છે.

શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે.

શહેરમાં ૧૦૧ અને જીલ્લામાં ૧૭૬ માઇક્રો કન્ટેનમેન્ટઝોન કાર્યરત છે.

બપોર સુધીમાં ૨૩ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૨૩ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ   ૧૨,૩૦૩ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૧૧,૨૮૪ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા  ૯૧.૮૮ ટકા રિકવરી રેટ થયો છે.

જયારે આજ દિન સુધીમાં ૪,૮૭,૯૧૩ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૧,૨૮૪ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૫૧ ટકા થયો છે.

(3:34 pm IST)