Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

ચંદ્ર પર માનવ વસાહત સ્થપાશે ત્યારે કેવો દેખાશે પૃથ્વીનો વ્યુ ? નાસાએ તસ્વીર શેર કરી

ચંદ્ર પર બેસ બનાવ્યા પછી મંગળ ગ્રહની તૈયારીઓ પણ શરૂ થશે

નવી દિલ્હી : નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA) ચંદ્ર પર માનવ વસાહત સ્થાપિત કરવા માટે ગંભીર છે અને ત્યાં કાયમી બેસ બનાવવાની યોજના ઘડી રહ્યું છે. ધ ટાઇમ્સ મુજબ નાસા 2024માં ચંદ્ર પર એક સ્ત્રી અને એક પુરુષ અવકાશયાત્રી મોકલવાની તૈયારી કરી રહ્યું છે અને આ માટે નાસાએ 18 અંતરિક્ષ યાત્રીઓના નામ શેર કર્યા છે જે આ મિશન પર જઈ શકે છે.

નાસાએ તસવીર પણ શેર કરી છે, જે આ મિશન માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ તસવીરમાં જોઈ શકાય છે કે જે અવકાશયાત્રી ચંદ્ર પર રહેશે, તેમને પૃથ્વીનો વ્યૂ કેવો દેખાશે. આ મિશનનો એક મહત્વપૂર્ણ ભાગમાં ચંદ્ર પર કોલોની બનાવવાનો પણ હશે. એન્જિનિયરો ચંદ્ર પરના સંસાધનોનો ઉપયોગ કરવાનું શીખી જશે.

તે સિવાય આ અવકાશયાત્રીઓ ચંદ્ર પરના તે વિસ્તારોનું પણ નિરીક્ષણ કરશે, જેના પર અત્યાર સુધી વધુ ફોકસ કરી શકાયું નથી. આ ઉપરાંત ચંદ્ર પર બેસ બનાવ્યા પછી મંગળ ગ્રહની તૈયારીઓ પણ શરૂ થશે. રિપોર્ટ મુજબ 2030ના પ્રારંભિક વર્ષોમાં નાસા મંગળ પર પણ એક પુરુષ અને મહિલા અવકાશયાત્રીને મોકલવાનું પ્લાન કરી રહ્યું છે.

યુરોપિયન સ્પેસ એજન્સીના સલાહકાર આઇડન કોલી જણાવે છે કે જો આપણે ખરેખર ચંદ્ર અને મંગળ ગ્રહ પર શોધખોળને લઇને ગંભીર છીએ, તો આપણે કેટલીક તકનીકીઓ પર પકડ બનાવવી પડશે. એડનનું માનવું છે કે અવકાશયાત્રીઓ નળાકાર આકારમાં રહેશે, પરંતુ તેમને ચંદ્રની સપાટી પરના રેડિએશનથી સાવધાન રહેવાની જરૂર છે.

વૈજ્ઞાનિકોનું માનવું છે કે એક મીટર ઊંડા રિગોલિથ દિવાલોનો ઉપયોગ ચંદ્ર પર રેડિએશનથી સુરક્ષિત કરવામાં મદદ કરી શકે છે. વૈજ્ઞનિકોના જણાવ્યા અનુસાર અવકાશયાત્રીઓને પ્રથમ કેટલાક વર્ષોમાં ખૂબ જ પડકારજનક પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે પરંતુ થોડા વર્ષો પછી કાયમી બેસ બનવાની સંભાવના ઘણી વધી જશે, કારણ કે સતત સૂર્યપ્રકાશ અને સૌર પેનલ્સ ચંદ્રની દક્ષિણ ધ્રુવ નજીક વીજળી પ્રદાન કરી શકે છે. આ સિવાય ક્રેટરમાં બરફ છે, તેને માઇનિંગ કર્યા બાદ શ્વાસ લેવા માટે ઓક્સિજન અને ફ્યૂલ માટે હાઇડ્રોજન અને ઓક્સિજનનો ઉપયોગ કરી શખાય છે.

(10:56 am IST)