Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

યુપીમાં ચાલી રહેલા ગોરખધંધાનો પર્દાફાશ

૧૫૦૦થી ૩૦૦૦માં માંગો તેવો કોરોના રિપોર્ટ મળે !

જિલ્લા હોસ્પિટલો - લેબના કર્મચારીઓ થોડા પૈસા માટે લોકોની જિંદગી સાથે ખીલવાડ કરી રહ્યા છે : ન ટેસ્ટ કે ન વેરીફીકેશન : જોઇએ તેવો પોઝિટિવ કે નેગેટીવ રિપોર્ટ મળે : સ્ટીંગમાં ખુલાસો

નવી દિલ્હી તા. ૧૫ : કોરોનાએ સમગ્ર વિશ્વમાં કોહરામ મચાવ્યો છે. ભારતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ઝડપથી ૧ કરોડ તરફ આગળ વધી રહી છે તો બીજી તરફ ૧ લાખ ૪૩ હજારથી વધુ લોકોને આ મહામારી ભરખી ગઇ છે છતાં વિશ્વની આ સૌથી મોટી મહામારીના નામે ગોરખધંધા થઇ રહ્યા છે. ટીવી ચેનલ 'આજતક' એ અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો કર્યો છે. જ્યાં જિલ્લા હોસ્પિટલો અને લેબના કર્મચારીઓ થોડા પૈસા માટે લોકોની જિંદગી સાથે ખીલવાડ કરી રહ્યા છે. આ લોકો રૂ. ૧૫૦૦ થી ૩૦૦૦માં ઇચ્છીત કોરોનાનો રિપોર્ટ આવી રહ્યા હોવાનું સ્ટીંગ ઓપરેશનમાં ખુલ્યું છે. આજતકની ટીમે સ્ટીંગ માટે લેબ ટેકનીશીયનનો સંપર્ક કર્યો અને તેઓએ રૂ. ૧૫૦૦થી લઇને ૩૦૦૦ રૂપિયા સુધીમાં નકલી રિપોર્ટ આપવાની ગેરન્ટી આપી છે. મહત્વની વાત તો એ હતી કે બે હોસ્પિટલોમાં તો ટેસ્ટ લેવા સુધીની જરૂરીયાત જણાઇ ન્હોતી અને ત્રીજી હોસ્પિટલમાં કોઇ બીજી વ્યકિતના રિપોર્ટ માટે પત્રકારના ટેસ્ટથી જ કામ ચલાવી લેવાયું હતું.

'આજતક'ની ટીમે યુપીના ૩ શહેરોમાં તપાસ - સ્ટીંગ ઓપરેશન કર્યું હતું. યુપીમાં કોરોના ટેસ્ટ રિપોર્ટને લઇને અલગ પ્રકારનો ગોરખધંધો ચાલી રહ્યો છે જ્યાં કેટલીક લેબનો સ્ટાફ આ ગોરખધંધામાં સામેલ છે અને તેઓ જોઇએ તેવો રિપોર્ટ આપી દયો છે. એટલે કે જો તમારે કોરોના નેગેટીવ રિપોર્ટ જોઇતો હોય તો તે પણ મળે અને જો કોરોના પોઝિટિવ રિપોર્ટ જોઇએ તો પણ મળી શકે બસ તમારે થોડા રૂપિયા આપવાના રહે.

'આજતક'ની તપાસમાં અનેક એવા ચોંકાવનારા ખુલાસા થયા જેનાથી કોરોના સામેના જંગના અભિયાન સામે અનેક સવાલો ઉભા થયા છે. એવા સવાલ ઉભા થયા છે કે હોસ્પિટલનો સ્ટાફ જ પૈસાના બદલામાં કોરોના રિપોર્ટ આપવાના કામમાં સંડોવાયા છે. 'આજતક'ની ટીમે કાનપુરની UHM જિલ્લા હોસ્પિટલમાં લેબ સ્ટાફ અમિત સાથે વાત કરી કે આ રિપોર્ટથી તે ઓફિસમાં રજા લઇ શકે. અમિતે તરત જ ખોટો રિપોર્ટ આપવા તૈયારી દર્શાવી અને રૂ. ૧૫૦૦ માંગ્યા. નહિ તપાસ, નહિ સેમ્પલ અને કોરોના રિપોર્ટ તૈયાર થઇ ગયો. લેબના કર્મચારીએ એવો પણ દાવો કર્યો કે તેણે આવા અનેક બોગસ રિપોર્ટ બનાવ્યા છતાં કશું થયું નથી.

આ જ રીતે ટીમે ઉન્નાવમાં જિલ્લા હોસ્પિટલમાં નેગેટીવ રિપોર્ટ રૂ. ૧૫૦૦માં તૈયાર કરાવ્યો હતો. કોઇ ડોકયુમેન્ટ નહિ અને એવા વ્યકિત માટે રિપોર્ટ બન્યો જે દુર દિલ્હીમાં બેઠો હતો. તેનો રિપોર્ટ કાનપુરથી પૈસાથી નીકળી ગયો.

તે પછી લખનૌના બલરામપુર હોસ્પિટલમાં લેબ સ્ટાફ રઇસ ૩૦૦૦ રૂપિયાના બદલામાં બોગસ પોઝિટિવ રિપોર્ટ આપવા તૈયાર થઇ ગયો હતો. ટીમની તપાસમાં ખુલ્યું કે થોડા પૈસાની લાલચમાં કઇ રીતે યુપીની અલગ અલગ જિલ્લા હોસ્પિટલોમાં લેબ સ્ટાફ બોગસ કોરોના રિપોર્ટ તૈયાર કરવામાં સામેલ છે અને કોરોનાનો ખાત્મો બોલાવવાના કામમાં લાગેલા લોકોના પ્રયાસો પર પાણી ફેરવી રહ્યા છે.

(10:54 am IST)