Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

ચોંકાવનારા આંકડા સામે આવ્યા

ખાનગી હોસ્પિટલોમાં સિઝેરિયનથી ડિલિવરીનું પ્રમાણ વધ્યું

ખાનગી હોસ્પિટલોમાં હવે સી-સેકશનથી ડિલિવરી સામાન્ય થઈ ગઈ છેઃ નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના ડેટામાં આ વિગત સામે આવી છે

નવી દિલ્હી, તા.૧૫: નોર્મલ ડિલિવરી હવે ખાનગી હોસ્પિટલોમાં નોર્મલ રહી નથી. ૧૮માંથી ૧૦ રાજયોમાં (જમ્મુ-કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશ સહિત) જેના માટે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે ૨૦૧૯-૨૦ના ડેટા જાહેર કરવામાં આવ્યો છે, તેમાં ખાનગી સુવિધામાં મોટાભાગની ડિલિવરી સી-સેકશનથી થઈ હોવાનું સામે આવ્યું છે. ડેટા દર્શાવે છે કે, અગાઉના સર્વે અને આ સર્વે વચ્ચેના ચાર વર્ષના સમયગાળામાં મોટાભાગના દરેક રાજયોમાં સ્થિતિ વણસી છે.

પશ્ચિમ બંગાળ અને જમ્મુમાં ખાનગી ક્ષેત્રમાં સી-સેકશનનો દર અનુક્રમે ૮૩% અને ૮૨% ટકા હોવા છતાં, બંને રાજયોમાં સી-સેકશનનો એકંદર હિસ્સો ૩૨.૬% અને ૪૧.૭% હતો, કારણ કે મોટાભાગની ડિલિવરી જાહેર સુવિધામાં થઈ હતી જયાં દર ઘણા ઓછા હતા.

તેલંગાણામાં એકંદરે સી-સેકશનનો દર ૬૦% થી વધુ હતો, જેનાથી રાજયમાં ડિલિવરી માટે સી-સેકશન ન્યૂ નોર્મલ થઈ ગયું છે. તેલંગાણામાં લગભગ મોટાભાગની ડિલિવરી ખાનગી ક્ષેત્રમાં થઈ છે, જયાં સી-સેકશનનો દર ૮૧.૫% હતો. રાજયમાં સરકારી હોસ્પિટલોમાં પણ સી-સેકશનનો દર સૌથી વધુ (૪૫%) હતો.

કેટલાક રાજયોને બાદ કરતાં, વર્ષ ૨૦૧૫-૧૬માં થયેલા છેલ્લા સર્વે બાદથી ખાનગી અને જાહેર બંને સુવિધાઓમાં સી-સેકશનથી ડિલિવરીનું પ્રમાણ વધ્યું છે. સૌથી મોટો ઉછાળો આસામની ખાનગી સુવિધાઓમાં હતો, જયાં સી-સેકશનનો દર ૫૩%થી વધીને ૭૧% થયો હતો. ગુજરાતની ખાનગી હોસ્પિટલોમાં સૌથી ઓછા સિઝેરિયનનો દર ૩૧% છે.

જાહેર સુવિધાઓમાં ખાનગી સુવિધાઓની સરખામણીમાં સિઝેરિયન સેકશનના દર હંમેશા ઓછા હોય છે. પરંતુ નાગાલેન્ડ, મિઝોરમ અને મેઘાલય સિવાય તમામ રાજયોમાં જાહેર ક્ષેત્રમાં પણ દરો વધ્યા છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પોતાના એક નિવેદનમાં જણાવ્યું છે કે, ધ ઈન્ટરનેશનલ હેલ્થકેર કોમ્યુનિટીએ વર્ષ ૧૯૮૫થી ૧૦થી ૧૫ ટકા સિઝેરિયન દરને આદર્શ માન્યો છે.

નોર્ડિક દેશો, જે સૌથી સારી આરોગ્ય સુવિધા માટે જાણીતા છે, ત્યાં સિઝેરિયન ડિલિવરીનો દર તમામ ડિલિવરીના ૧૭્રુ હોય છે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સી-સેકશનથી ત્યારે જ ડિલિવરી કરવી જોઈએ જયારે અત્યંત જરૂરી હોય, નહીં તો નોર્મલ ડિલિવરી જ આદર્શ છે. નિવેદનમાં તેમ પણ જણાવવામાં આવ્યું છે કે, મેડિકલ રીતે જરૂરી હોય ત્યારે સી-સેકશનથી ડિલિવરી કરવી જોઈએ.

કેટલાક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, સી-સેકશનથી મૃત્યુ અને ગૂંચવણની શકયતા વધી જાય છે.

(10:03 am IST)