Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

ટાટા ૬૭ વર્ષ બાદ એઆઈની બાગડોર સંભાળે એવા સંકેત

ટાટાએ વિમાની સેવા ખરીદવા માટે બોલી લગાવી : એર ઇન્ડિયાના ૨૦૦ કર્મચારીઓના એક ગ્રુપે પણ કંપની ખરીદવા માટે બોલી લગાવવા માટેની ઇચ્છા જાહેર કરી

નવી દિલ્હી, તા. ૧૪ : એર ઇન્ડિયા ખરીદવા માટે રૂચિ પત્ર (ઈઓએલ) જમા કરાવવાની છેલ્લી તારીખ ૧૪ ડિસેમ્બર છે. દરમિયાન જાણવા મળી રહ્યું છે કે, ટાટા સમૂહે માટે ઇઓઆઇ જમા કરાવ્યું છે. જો ટાટાને સફળતા મળશે તો ૬૭ વર્ષ બાદ ફરી એર ઇન્ડિયા ગ્રુપ પાસે આવી શકે છે. નોંધનીય છે કે, ભારતમાં એરલાઇન્સની શરૂઆત ટાટા સમૂહના વડા જેઆરડી ટાટાએ ૧૯૩૨માં ટાટા એરલાઇન્સના રૂપમાં કરી હતી. જે બાદ તેનું નામ એર ઇન્ડિયા કરવામાં આવ્યું હતું અને આઝાદી બાદ તેનું સરકારીકરણ થયું હતું. ૧૯૫૩થી સંપૂર્ણ રીતે ભારત સરકારના નિયંત્રણમાં છે.

ટાટા ગ્રુપે એર એશિયા ઇન્ડિયા દ્વારા ઇઓઆઇ દાખલ કર્યું છે. એર એશિયામાં ટાટા સમૂહની ભાગીદારી છે. ઉપરાંત એર ઇન્ડિયાના ૨૦૦ કર્મચારીઓના એક ગ્રુપે પણ કંપની ખરીદવા માટે બોલી લગાવવાની ઇચ્છા જાહેર કરી છે.

પહેલાં વર્ષ ૨૦૧૮માં સરકાર દ્વારા એર ઇન્ડિયાનો ૭૬ ટકા ભાગ વેચવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. જ્યારે ગયા વર્ષે મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું હતું કે, જો એર ઇન્ડિયાનું ખાનગીકરણ નહીં થઇ શકે તો આને બંધ કરવા સિવાય કોઇ વિકલ્પ નહીં હોય. ઉલ્લેખનીય છે કે, નુકસાનમાં ચાલી રહેલી એર ઇન્ડિયા પર હજારો કરોડ રૂપિયાનું દેવું છે.

(12:00 am IST)