Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

ખેડૂતોએ પાટનગરની સરહદ બંધ કરી, પ્રતિક ઉપવાસ કર્યા

ખેડૂત આંદોલન સમેટવાના કોઈ સંકેત નહીં : આંદોલનકારીએ સામાન્ય લોકોને પડી રહેલી મુશ્કેલી મુદ્દે માફી માગી, જરુરિયાતમંદો માટે તમામ સહકારની ખાતરી

નવી દિલ્હી, તા. ૧૪ : કૃષિ કાયદાઓની વિરુદ્ધ દિલ્હીની સરહદો પર ધરણા આપી રહેલા ખેડૂતોને હવે અઠવાડિયાથી વધારે સમય થઈ ગયો છે. ઠંડીમાં પણ ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે, પરંતુ ધરણાથી સામાન્ય લોકોને મુશ્કેલીઓ પડી રહી છે. હવે મુશ્કેલીઓની જોતા સંયુક્ત કિસાન મોરચાએ માફી માગી છે. તેમણે સામાન્ય લોકોને પડી રહેલી મુશ્કેલીઓ માટે દુઃખ વ્યક્ત કર્યું છે. જો કે ભરોસો પણ આપ્યો છે કે જો કોઈ દર્દી અથવા જરૂરિયાતમંદને કોઈ મુશ્કેલી થશે, તો તરત અમારો સંપર્ક કરો.

ઉલ્લેખનીય છે કે સંયુક્ત કિસાન મોરચા દ્વારા દેશના અનેક ખેડૂત સંગઠન નવા ખેડૂત બિલને લઇને ધરણા આપી રહ્યા છે. દિલ્હીની સિંધુ બૉર્ડર, ગાઝીપુર બૉર્ડરસ ટિકરી બૉર્ડર અને હવે રાજસ્થાનથી હરિયાણાને જોડતી બૉર્ડર બંધ કરવામાં આવી રહી છે. ખેડૂતો દ્વારા નીકાળવામાં આવેલા પેમ્ફલેટમાં લખવામાં આવ્યું છે કે, 'અમે ખેડૂતો છીએ, લોકો અમને અન્નદાતા કહે છે. વડાપ્રધાન કહે છે તેઓ અમારા માટે કાયદાની ભેટ લઇને આવ્યા છીએ, અમે કહીએ છીએ કે ભેટ નહીં પરંતુ સજા છે. અમને ભેટ આપવી છે તો પાકની યોગ્ય કિંમત આપવાની કાયદાકીય ગેરંટી આપો.લ્લ

આમાં આગળ લખવામાં આવ્યું છે કે, 'રોડ બંધ કરવા, જનતાને તકલીફ આપવી અમારો ઉદ્દેશ્ય નથી. અમે તો મજબૂરીમાં અહીં બેઠા છીએ. તેમ છતા અમારા આંદોલનથી તમને જે તકલીફ થઈ રહી છે તેના માટે અમે હાથ જોડીને માફી માંગીએ છીએ. સાથે ખેડૂતોએ ભરોસો આપ્યો કે, જો કોઈ પણ બીમાર અથવા વૃદ્ધને મુશ્કેલી હોય, એમ્બ્યુલન્સ રોકાઈ હોય અથવા બીજી કોઈ ઇમરજન્સી હોય તો કૃપા કરીને અમારા વૉલિયન્ટર સાથે સંપર્ક કરો તેઓ તમારી મદદ કરશે. હું એક ખેડૂત.

ઉલ્લેખનીય છે કે ખેડૂતોના આંદોલનના કારણે અનેક રસ્તાઓ બંધ છે. અનેક જગ્યાએ ડાયવર્ઝન છે. જો કે એવું અનેક વાર જોવા મળ્યું છે કે ખેડૂતો એમ્બ્યુલન્સ માટે ખુદ રસ્તો બનાવી રહ્યા છે. ઉપરાંત ખેડૂતો દ્વારા જે લંગર તૈયાર કરવામાં આવી રહ્યા છે, તેમાં ફક્ત પ્રદર્શનકારીઓને નહીં પરંતુ અન્ય સામાન્ય લોકોને પણ પ્રસાદ આપવામાં આવી રહ્યો છે.

કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલાં ખેડૂતો સોમવારે ભૂખ હડતાળ પર હતા. આંદોલનને લઇને સરકાર અને ખેડૂતો વચ્ચે કોઇ માર્ગ નીકળતા, ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બની રહ્યું છે. દિલ્હીની બોર્ડરો પર આજે ખેડૂતો ઉપવાસ પર છે. દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ તેમનો સાથ આપવાની વાત કરી છે અને તે પણ ઉપવાસ કરશે. ખેડૂતો દ્વારા એનએચ- જામ કરવામાં આવ્યો છે. જ્યારે ગૃહમંત્રી અમિત શાહ અને કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર વચ્ચે બેઠક યોજાઇ હતી. જ્યારે ખેડૂતોના સમર્થનમાં આપ દ્વારા પણ ધરણા કરવામાં આવ્યા હતા.

કેજરીવાલે જણાવ્યું હતું કે, તે વ્યસ્તતા છતાં ખેડૂતોનું સમર્થન કરશે. દરેક સામાન્ય વ્યક્તિ પણ બિલથી ખુશ નથી. કાયદાથી સંગ્રહખોરી વધશે અને કાયદામાં આવા લોકો વિરુદ્ધ જોગવાઈ નથી. કેજરીવાલે આમ આદમી પાર્ટીના કાર્યકરોને પણ ખેડૂતોના સમર્થનમાં જોડાવા અપીલ કરી હતી.

બીજી તરફ રવિવારે રાજસ્થાનથી દિલ્હી કૂચ કરી રહેલા ખેડૂતોને હરિયાણા બોર્ડર પર રોકવામાં આવ્યા, તો ખેડૂતો ત્યાં ધરણાં કરવા બેસી ગયા. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરની સાથે ઉત્તરાખંડના કેટલાક ખેડૂત નેતાઓ મુલાકાત કર્યાં બાદ તેઓએ નવા કૃષિ કાયદાનું સમર્થન કર્યું.

રવિવારે દિલ્હીની સિંઘુ બોર્ડર પર આયોજિત પત્રકાર પરિષદમાં ખેડૂત નેતાઓએ જણાવ્યું કે, આંદોલનની આગળની રૂપરેખાને લઈને તેમની વચ્ચે ચર્ચા થઈ છે.

(12:00 am IST)