Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

દરેક ડોક્ટર્સ વેક્સિન લેવા તૈયાર નથી, ઈંતેજાર કરશે

કોરોનાને મહાત આપવા રસીના આગમનનો ઈંતેજાર : થોડા મહિના કેટલાક સુરક્ષિત ડેટા ના આવી જાય, લોકો પર તેની અસર વિશે વધુ વિગત આવે ત્યાં સુધી રાહ જોવાશે

મુંબઈ, તા. ૧૪ : આગામી એક અઠવાડિયાથી મહિનામાં કોરોના વાયરસની રસી આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ ઘણાં ઘણાં ડૉક્ટર્સ શરુઆતમાં કોરોના વાયરસની રસી લેવા અંગે ગભરામણ અનુભવી રહ્યા છે. ઘણાં ડૉક્ટર્સ છે કે જેમણે જણાવ્યું કે, તેઓ થોડા મહિના કેટલાક સુરક્ષિત ડેટા ના આવી જાય અને લોકો પર તેની અસર વિશે વધુ વિગતો આવે ત્યાં સુધી રાહ જોવા માગે છે.

ઈન્ફેક્શન ડિસિસ કન્સલ્ટન્ટ ડૉ. ઓમ શ્રીવાસ્ત કે જેઓ મહારાષ્ટ્ર કોવિડ ટાસ્કફોર્સના સભ્ય છે, તેઓ કહે છે કે કેટલીક વેક્સીન ટેક્નોલોજી નવી છે જેમ કે મેસેન્જર આરએનએ ટેક્નોલોજી (જેનો ઉપયોગ મોડેર્ના અને ફાઈઝરની રસીમાં કરાયો છે.) ઘણી વેક્સીન અસરકારક હશે પરંતુ હું કેટલાક પરિણામો આવ્યા પછી નિર્ણય લઈશ. તેમણે ઉમેર્યું કે, ખરેખર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ ઘણુ મદદરુપ થાય છે. ફિઝિશિયન ડૉ. ગૌતમ ભણસાલીએ પણ જણાવ્યું કે, ક્યારે અને કઈ વેક્સીન લેવી છે તેનો નિર્ણય કરતા પહેલા થોડા મહિના રાહ જોવા માગે છે. બીએમસીના એક ઉચ્ચ પદસ્થ અધિકારી કહે છે કે, જો મારે પસંદગી કરવાની હશે તો, હું રાહ જોવાનું પસંદ કરીશ. મુંબઈના . લાખ હેલ્થકેર વર્કર્સને પહેલા તબક્કામાં રસી આપવાનો પ્લાન છે, જે સ્વૈચ્છિક રહેશે તેવું પણ અધિકારીઓએ જણાવ્યું.

કેઈએમ હોસ્પિટલના ડીન ડૉક્ટર હેમંત દેશમુખ જણાવે છે કે, હું કોરોનાની રસી લેવા અંગે જરાય ઉતાવળ કરવા નથી માગતો. આપણે કોરોના વાયરસ અને તેના કારણે આગામી મહિનાઓમાં આવનારા આફત વિશે બહુ ઓછું જાણીએ છીએ. આપણે નથી જાણતા કે હજુ ત્યાં કેટલા પગથિયા છે અથવા વેક્સીન કેટલી અસરકારક સાબિત થઈ શકશે. ૭૨ વર્ષના સિનિયર જનરલ સર્જને જણાવ્યું કે, રસી તૈયાર કરનાર કંપનીઓએ જાહેર ક્ષેત્રમાં તેની સલામતી અંગેના ડેટા રજૂ કર્યા વગર કટોકટીના સમયમાં તાત્કાલિક તેના ઉપયોગ માટેની મંજૂરી માગી છે તે શંકા પેદા કરે છે. વેક્સીન બનાવનાર ભારત બાયોટેક, સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ) અને ફાઈઝરે તાત્કાલિક મંજૂરી માટે રજૂઆત કરી છે. બીજી તરફ મહારાષ્ટ્ર કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ. શષાંક જોશી કહે છે કે, ઘણો ડર રસીની અસર અને તેની સુરક્ષાને લગતા ડેટા રજૂ નથી કરાયા તેના કારણે થઈ રહ્યો છે. જ્યારે ડૉક્ટરને અધિકૃત ડેટા મળશે ત્યારે તેમને સંતોષ થશે. ડૉક્ટરે વધુમાં એવું કહ્યું કે, ઓક્સફર્ડ, એસ્ટ્રાજેનેકા, ભારત બાયોટેકની વેક્સિન પહેલી આવનારી રસીઓમાં હશે તેવી શક્યતા છે. પલ્મોનોલોજીસ્ટ ડૉ. જલીલ પાર્કર જણાવે છે કે, રસી સખત અધ્યયન અને ડૉક્ટરોના ઘણાં તબક્કામાંથી પસાર થયા બાદ તૈયાર થાય છે તેનો આપણે વિચાર કરવો જોઈએ.

(12:00 am IST)