Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

આંદોલનમાં એક ટકા ખેડૂતો પણ સામેલ નથી : ભાજપ મહાસચિવ અરૂણ સિંહ

ભાજપના મહાસચિવનું વિવાદાસ્પદ નિવેદન : ટુકડે-ટુકડે ગેંગના લોકો ઘૂસી ગયા હોવાનો નેતાનો દાવો

જયપુર, તા. ૧૪ : કૃષિ કાયદાની વિરૂદ્ધ ખેડૂતોનું આંદોલન ચાલુ છે. બધાની વચ્ચે ભાજપની તરફથી સતત આરોપ લાગતો રહ્યો છે કે ખેડૂતોને ભડકાવાની કોશિષ થઇ રહી છે. હવે ભાજપના નેતા અરૂણ સિંહ નું કહેવું છે કે આખા આંદોલનમાં એક ટકા ખેડૂત પણ સામેલ નથી.

ભાજપ મહાસચિવ અરૂણ સિંહે કહ્યું કે ખેડૂત ભોળા છે પરંતુ તેમાં ટુકડે-ટુકડે ગેંગના લોકો ઘૂસી ગયા છે જેના અંગે વાત કરવી જરૂરી છે. ભાજપ નેતા અરૂણ સિંહે રાજસ્થાનના જયપુરમાં વાત કહી. અરૂણ સિંહ જયપુરમાં યોજાયેલી પાર્ટીની બેઠકમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા.

આપને જણાવી દઇએ કે ભાજપની તરફથી સતત આરોપ મૂકવામાં આવી રહ્યો છે કે કેટલાંક રાજકીય પક્ષ અને લેફ્ટ સંગઠનોએ ખેડૂતોના આંદોલનને હાઇજેક કર્યું છે અને હિંસા કરવા માટે ભડકાવી રહ્યા છે. આપને જણાવી દઇએ કે પાછલા દિવસોમાં ખેડૂત આંદોલનની વચ્ચે એક મંચ પર શરજીલ ઇમામ, ઉમર ખાલિદ સહિત કેટલાક એવા એક્ટિવિસ્ટોરની તસવીર હતી જે હાલ જેલમાં છએ. આંદોલનમાં તેમની મુક્તિની માંગણી કરવામાં આવી હતી, ત્યારબાદ ભાજપે ખેડૂત આંદોલન પર સવાલો ઉઠાવવાનું શરૂ કર્યું.

થોડાંક દિવસ પહેલાં કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે આરોપ મૂકયો હતો કે આંદોલનને ટેકઓવર કરવાની એક ભયાનક ડિઝાઇન છે. વાતના પૂરતા પુરાવા છે કે ટુકડે-ટુકડે ગેંગ એજન્ડાને ટેકઓવર કરવાની કોશિષ કરી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે ખેડૂત સંગઠનોના વિરોધનો ફાયદો ઉઠાવા માટે તેમની તસવીરો પ્રદર્શિત કરી રહ્યા છે. કદાચ આવા તત્વોની ઉપસ્થિતિના લીધે સરકારની સાથે વાતચીત સફળ રહેતી નથી.

કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે પણ પોસ્ટરો પર પ્રશ્ન ઉભા કર્યા હતા અને કહ્યું હતું કે ટેકાના ભાવ-મંડીને લઇ કોઇ આપત્તિ કે વિરોધ થઇ શકે છે, પરંતુ જેવા પોસ્ટર લાગી રહ્યા છે તે કોઇ આંદોલનનો ભાગ નથી. એવામાં ખેડૂતોએ આવા લોકોને મંચ પર જગ્યા આપવી જોઇએ નહીં.

(12:00 am IST)