Gujarati News

Gujarati News

News of Sunday, 15th December 2019

૨૦૧૯માં આવાસ વેચાણ માત્ર ચાર ટકા સુધી જ વધ્યું

કેલેન્ડર વર્ષમાં સાત મોટા શહેરોમાં નજીવો ઉછાળો : આર્થિક મંદી-લિક્વિટીડીની કટોકટીના કારણે આવાસના વેચાણમાં ધીમીગતિએ વધારો કરાયો : બિલ્ડરોમાં નિરાશા

નવીદિલ્હી, તા. ૧૫ : દેશમાં આવાસ સેક્ટરમાં હાલમાં ધીમીગતિએ વધારો થઇ રહ્યો છે. આંકડા ઉપર નજર કરવામાં આવે તો આ કેલેન્ડર વર્ષમાં મોટા શહેરોમાં માત્ર ૪ ટકા સુધીનો વધારો આવાસ વેચાણમાં નોંધાયો છે. એટલે કે હાઉસિંગ વેચાણનો આંકડો ચાર ટકા વધીને ૨.૫૮ લાખ યુનિટનો રહ્યો છે. લિક્વીડીટી કટોકટી અને એકંદરે આર્થિક મંદીની સ્થિતિ વચ્ચે મકાનમાં વેચાણમાં ઉલ્લેખનીય વધારો થયો નથી. આ કેલેન્ડર વર્ષમાં આવાસના વેચાણમાં માત્ર ચાર ટકાનો વધારો થયો છે. પ્રોપર્ટી બ્રોકરેજ કંપની અનારોક દ્વારા આ મુજબની માહિતી આપવામાં આવી છે. અનારોક પ્રોપર્ટી સાથે જોડાયેલા અધિકારી અનુજ પુરીએ કહ્યું છે કે, ભારતીય રિયલ એસ્ટેટ સેક્ટરમાં ૨૦૧૯માં અપેક્ષા કરતા ઓછી તેજી દેખાઈ રહી છે. નિર્માણમાં ઘટાડો થયો છે. ઉદાસીન રોકાણ ચિત્ર દેખાઈ રહ્યું છે. ગ્રોથ માટે જવાબદાર તમામ પરિબળો વૈશ્વિક મંદી વચ્ચે નબળા દેખાઈ રહ્યા છે.

            ભારતમાં જીડીપી ગ્રોથરેટ નાણાંકીય વર્ષ ૨૦૨૦માં ઘટીને ૬ વર્ષની નીચી સપાટીએ પહોંચ્યો છે. જીડીપી ગ્રોથરેટનો આંકડો ૪.૫ ટકાનો રહ્યો છે. રિયલ એસ્ટેટ સેક્ટર માટે વાર્ષિક આધાર પર એકંદરે ઓછો વધારો થયો છે. તમામ ચાર ત્રિમાસિક ગાળામાં ૨૦૧૯માં આવાસ વેચાણનો આંકડો ૨૫૮૪૧૦ યુનિટનો રહ્યો છે જ્યારે સમગ્ર ૨૦૧૮માં આ આંકડો ૨૪૮૩૦૦ યુનિટનો રહ્યો હતો. આ નાણાંકીય વર્ષમાં પ્રથમ છ મહિનાના ગાળા દરમિયાન સ્થિતિ મજબૂત રહી હતી પરંતુ હવે મંદી દેખાઈ રહી છે. ત્રીજા ત્રિમાસિક ગાળામાં માંગમાં ઘટાડો થયો છે. રિયલ એસ્ટેટ સેક્ટરમાં પરફોર્મન્સની સ્થિતિ સારી દેખાઈ રહી નથી. લિક્વીડીટીની કટોકટી પણ દેખાઈ રહી છે. હાઉસિંગ સેક્ટર માટે ૨૦૧૯ રોકાણકારોના હિતો અને વેચાણના ગ્રોથની દ્રષ્ટિએ કોઇ વધારે સારો કહી શકાય તેવો રહ્યો નથી. હાઉસિંગ સેક્ટર માટે અનેક નબળા પરિબળો જવાબદાર દેખાઈ રહ્યા છે. પોષાય તેવા આવાસ ૨૦૧૯માં મોટાપાયે બન્યા છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા વિવિધ પગલાના પરિણામ સ્વરુપે આ પ્રકારની સ્થિતિ રહી છે. પ્રથમ વખત આવાસ ખરીદનાર લોકોને હોમ લોનની વ્યાજની રકમ પર ટેક્સ કપાતની સુવિધા આપવામાં આવી છે જે એક વર્ષમાં ૩.૫ લાખ સુધીની રહી છે. બીજી બાજુ લકઝરી અને અલ્ટ્રા લકઝરી સેગ્મેન્ટમાં મર્યાદિત સ્થિતિ રહી છે. આ વર્ષ દરમિયાન સાથે રહેવાની બાબત અને સ્ટુડન્ટ હાઉસિંગને વધારે વેગ મળ્યો છે.

ડિવિડંડ ટેક્સને દૂર કરવા બ્રોકરની જોરદાર માંગણી

એસટીટી ઉપર રાહતની માંગણી

નવીદિલ્હી, તા. ૧૫ : ભારતીય સ્ટોક બ્રોકરો દ્વારા સિક્યુરિટી ટ્રાન્ઝિક્શન ટેક્સ (એસટીટી)ની પેમેન્ટ ઉપર રાહત આપવાની માંગ કરી છે. રિબેટની ફરી શરૂઆત કરવાની માંગ કરવામાં આવી છે. ડિવિડંડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સને પરત ખેંચી લેવા તથા લિસ્ટેડ શેરોમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ પર મુક્તિને ફરી રજૂ કરવાની માંગ કરવામાં આવી છે. નાણામંત્રાલયને કરવામાં આવેલી પોતાની બજેટ ભલામણમાં આ તમામ બાબતોનો સમાવેશ કરવા માટે કહેવામાં આવ્યું છે. એસોસિએશન ઓફ નેશનલ એક્સચેંજ મેમ્બર્સ ઓફ ઇન્ડિયા દ્વારા એસટીટીના રેટમાં ઘટાડાની માંગ કરવામાં આવી છે. સીબીડીટીને સંબોધીને લખવામાં આવેલા પત્રમાં ચાર મુખ્ય માંગ કરવામાં આવી છે. ઇન્કમ ટેક્સ એક્ટ હેઠળ કલમ ૮૮ઇની ફરી શરૂઆત કરવાની માંગ પણ કરવામાં આવી છે.

(8:09 pm IST)