Gujarati News

Gujarati News

News of Sunday, 15th December 2019

ઝારખંડમાં સઘન સુરક્ષા વચ્ચે કાલે ૧૫ બેઠક ઉપર મતદાન

૨૩ મહિલા સહિત ૨૨૧ ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે : ચોથા ચરણમાં ડાબેરીની પ્રતિષ્ઠા પણ દાવ ઉપર લાગી :વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપ તમામ સ્ટાર પ્રચારકો ઝંઝાવતી પ્રચારમાં વ્યસ્ત રહ્યા : તમામ મતદાર ઉત્સુક

રાંચી, તા. ૧૫ : ઝારખંડ વિધાનસભાની ચૂંટણી માટે ચાલી રહેલા મતદાનના ભાગરુપે આવતીકાલે ચોથા તબક્કા માટે મતદાન થશે. આ તબક્કામાં ૨૩ મહિલા સહિત ૨૨૧ ઉમેદવારો ભાગ્ય અજમાવી રહ્યા છે. આશરે ૫૦ લાખ જેટલા મતદારો ૧૫ બેઠક માટે ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરવા તૈયાર છે. જે વર્તમાન પ્રધાનો આ તબક્કામાં ચૂંટણી મેદાનમાં છે તેમાં અમરકુમાર, રાજ પાલીવાલનો સમાવેશ થાય છે. બોકારો વિધાનસભા સીટ પર સૌથી વધુ ૨૪ ઉમેદવારો રહેલા છે જ્યારે નિરસા સીટ ઉપર આઠ ઉમેદવાર રહેલા છે. ડાબેરીઓ માટે આ તબક્કાની ચૂંટણી મહત્વપૂર્ણ છે. કારણ કે, ભૂતકાળમાં આ વિસ્તારમાં ડાબેરીઓનું પ્રભુત્વ રહી ચુક્યું છે. ડાબેરી પક્ષો અહીં ચાર સીટ ધરાવે છે જેમાં નિરસા, બાગોદર, સિન્દરી અને તુંડીનો સમાવેશ થાય છે.

                 ઝંઝાવતી પ્રચારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે ભાજપ માટે પ્રચાર કરી ચુક્યા છે. રાજકીયરીતે આ તબક્કાની ચૂંટણી ખુબ મહત્વપૂર્ણ છે. કારણ કે આ તબક્કામાં એક પણ સીટ અનુસૂચિત જનજાતિની નથી. પાર્ટીએ અહીં ૨૦૧૪માં ૧૫ સીટ પૈકી ૧૦ જીતી લીધી હતી. જેએમએમને બે અને એજેએસયુ, જેવીએમ અને એનસીસીને એક સીટ મળી હતી. સવારે સાત વાગે મતદાનની શરૂઆત થશે. ચૂંટણી પ્રક્રિયા પાંચ બેઠકો ઉપર ત્રણ વાગે પૂર્ણ કરાશે જ્યારે બાકીની ૧૦ બેઠકો પર સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન થશે. ચોથા તબક્કાના મતદાન બાદ ૧૫ સીટ પર મતદાન થશે. જ્યારે પાંચમા અને અંતિમ તબક્કામાં ૨૦મી ડિસેમ્બરના દિવસે ૧૬ સીટ પર મતદાન થશે. ૨૩મી ડિસેમ્બરના દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે.

                 પ્રથમ વખત શારીરીક રીતે વિકલાંગ અને સિનિયર સિટીઝન માટે ઘરેથી બેઠા બેઠા પોસ્ટલ બેલેટની સુવિધા ઉભી કરવામાં આવી છે. ૮૧ સભ્યોની ઝારખંડ વિધાનસભામાં  સરકાર બનાવવા માટે કોઈ પાર્ટી અથવા તો ગઠબંધનને ઓછામાં ઓછી ૪૧ સીટો જીતવાની જરૂર રહેશે. શાસક પક્ષ ભાજપ અને ઓલ ઝારખંડ સ્ટુડન્ટ યુનિયન ગઠબંધન સરકારની સામે સરકાર બચાવવાનો પડકાર છે.  છેલ્લી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ૩૭ અને તેના સાથી પાર્ટીએ ૫ સીટો જીતી હતી. ત્યારબાદ રઘુવરદાસના નેતૃત્વમાં સરકારની રચના કરવામાં આવી હતી. જેની પાંચ વર્ષની અવધી પૂર્ણ થઈ ચુકી છે. ૨૦૧૪માં વિધાનસભા ચૂંટણીમાં કુલ ૮૧ સીટોમાંથી ભાજપે ૩૭ ઉપર જીત મેળવી હતી. એજેએસયુ દ્વારા પાંચ સીટો જીતવામાં આવી હતી. ઝારખંડ મુક્તિ મોરચાની ૧૯ સીટો હતી. બાબુલાલ મારન્ડીના ઝારખંડ વિકાસ મોરચાએ આઠ સીટો જીતી હતી. મોડેથી તેના છ સભ્યો ભાજપામાં સામેલ થઈ ગયા હતા.

                 કોંગ્રેસે સાત સીટો જીતી હતી. જ્યારે અન્યોના ખાતામાં છ સીટો ગઈ હતી. ઝારખંડમાં પ્રથમ તબક્કામાં ૩૦મી નવેમ્બરના દિવસે ૧૩ સીટો ઉપર સઘન સુરક્ષા વ્યવસ્તા વચ્ચે ૬૨થી ૬૪ ટકા મતદાન થયું હતું જ્યારે બીજા તબક્કામાં સાતમી ડિસેમ્બરના દિવસે હિંસાના છુટાછવાયા બનાવો વચ્ચે ૬૩.૩૬ ટકા સુધી ઉંચુ મતદાન થયું હતું. આની સાથે જ ૨૯ મહિલા અને ૭૩ અપક્ષ ઉમેદવાર સહિત ૨૬૦ ઉમેદવારના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં ૧૨મી ડિસેમ્બરના દિવસે એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ૬૨ ટકાની આસપાસ મતદાન થયું હતું. સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આઠ જિલ્લાઓને આવરી લેતી ૧૭ સીટોમાં ૫૬૧૮૨૬૭ મતદારો પૈકી ૬૧.૧૯ ટકા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ૪૦૦૦૦થી પણ વધુ સુરક્ષા જવાનો તૈનાત રાખવામાં આવ્યા હતા. ઝારખંડમાં મતદાર યાદીમાં કુલ ૨.૨૬૫ કરોડ મતદારો છે.

ત્રીજા ચરણનું ચિત્ર.....

રાંચી, તા. ૧૫ : ઝારખંડમાં  આવતીકાલે તબક્કામાં મતદાન યોજાનાર છે. મતદાનને લઇ ચિત્ર નીચે મુજબ છે.

ચોથા તબક્કામાં સીટો...................................... ૧૫

ચોથા તબક્કામાં જિલ્લા.................................... ૦૪

વેબ કાસ્ટિંગ સુવિધા.................................... ૧૬૬૨

મહિલા ઉમેદવારોની સંખ્યા.............................. ૨૩

કુલ ઉમેદવારોની સંખ્યા................................ ૨૨૩

સૌથી વધુ ઉમેદવાર.......................... બોકારો (૨૪)

સૌથી ઓછા ઉમેદવાર........................ નિરસા (૦૮)

પુરુષ મતદારો.................................... ૨૫૪૦૭૯૪

મહિલા મતદારો.................................. ૨૨૪૪૧૩૪

સુરક્ષા જવાનો હતા.................................. ૪૦૦૦૦

પ્રથમ વખત મતદારો............................... ૯૫૭૯૫

કુલ મતદારો....................................... ૪૭૮૫૦૦૯

૨૦૧૪માં સૌથી વધુ સીટ................... ભાજપ (૧૦)

ઝારખંડમાં મતદાન.....

રાંચી, તા. ૧૫ : ઝારખંડ વિધાનસભાની ચૂંટણી માટે ચાલી રહેલા મતદાનના ભાગરુપે આવતીકાલે ચોથા તબક્કા માટે મતદાન થશે. આ તબક્કામાં ૨૩ મહિલા સહિત ૨૨૧ ઉમેદવારો ભાગ્ય અજમાવી રહ્યા છે. આશરે ૫૦ લાખ જેટલા મતદારો ૧૫ બેઠક માટે ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરવા તૈયાર છે. ઝારખંડમાં હજુ સુધી ત્રણ તબક્કામાં મતદાન થયું છે. મતદાનની ટકાવારી નીચે મુજબ રહી છે.

પ્રથમ તબક્કામાં મતદાન........................... ૬૨-૬૪

બીજા તબક્કાનું મતદાન............................. ૬૩.૩૬

ત્રીજા તબક્કામાં મતદાન        ૬૨-૬૩

(7:58 pm IST)