Gujarati News

Gujarati News

News of Sunday, 15th December 2019

ડુંગળીની આયાતના નિયમોમાં છુટછાટની સમયસીમા 31મી જાન્યુઆરી સુધી લંબાવાઇ

આયાત કરાયેલી ડુંગળીનો જથ્થો ચાલુ મહિનાના અંત સુધી દેશના બંદરે આવી પહોંચશે

 

મુંબઇઃ કૃષિ મંત્રાલયે ફરી એકવાર ડુંગળીના આયાતના નિયમોમાં છુટછાટની સમય સીમા લંબાવવાનો નિર્ણય લીધો છે. મંત્રાલયે ડુંગળીના ફ્યુમિગેશનના માપદંડમાં આપેલી છુટછાટ સમયસીમાને ફરી એકવાર વધારીને 31મી જાન્યુઆરી સુધી લંબાવી છે. આયાત કરાયેલી ડુંગળીનો જથ્થો ચાલુ મહિનાના અંત સુધી દેશના બંદરે આવી પહોંચવાની અપેક્ષા છે.

  જાહેર ક્ષેત્રની એજન્સી એમએમટીસી સરકાર તરફથી ડુંગળીની આયાત કરી રહી છે. સરકારે વિદેશથી 1.2 લાખ ટન ડુંગળીની આયાત કરવાનો નિર્ણય લીધો છે. તે ઉપરાંત ખાનગી આયાતકારોને ડુંગળીની આયાતમાં મુશ્કેલી ન પડે તો માટે પણ સરકાર ધ્યાન આપી રહી છે. એમએમટીસીએ અત્યાર સુધી લગભગ 30 હજાર ટન ડુંગળીના આયાત કરાર કર્યા છે. જેમાંથી 12600 ટન જથ્થો ચાલુ મહિનાને અંતે ભારત આવી પહોંચશે.

  એમએમટીસીને 15,000 ટન વધારાની ડુંગળી આયાત કરવા માટે નવેસરથી ટેન્ડર ઇશ્યૂ કરવા નિર્દેશ અપાયો છે. 6 નવેમ્બરે, મંત્રાલયે પ્લાન્ટ ક્યારેન્ટેઇન (PQ) ઓર્ડર-2003 હેઠળ ફ્યુમિગેશન અને વધારાની તપાસને 30 નવેમ્બર સુધી લાગુ ન કરવાનો નિર્ણય લીધો હતો ત્યારબાદ પાછળથી આ સમયસીમા 31 ડિસેમ્બર સુધી લંબાવી હતી. છેલ્લા એક મહિનામાં ડુંગળીના ભાવ 81 ટકા વધી ગયા છે અને સળંગ બીજા મહિને તેના ભાવ 100 રૂપિયા કિગ્રાની ઉપર રહ્યા છે. સરકારે ડુંગળીના ભાવ ઘટાડવામાં અપેક્ષા કરતા વધારે વિલંબ કરી રહી છે.

(1:00 am IST)