Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

રાજસ્થાનમાં મુખ્ય પ્રધાન તરીકે ગહેલોતની ૧૭મીએ તાજપોશી

સચિન પાયલોટ નાયબ મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કરશે :શપથવિધિ કાર્યક્રમમાં રાહુલ ગાંધી ઉપરાંત શરદ પવાર, શરદ યાદવ, તેજસ્વી યાદવ, અખિલેશ અને માયાવતી પણ ઉપસ્થિત રહેશે : શપથવિધિની તૈયારી

જયપુર, તા.૧૫ : રાજસ્થાનના નિયુક્ત મુખ્યમંત્રી અશોક ગહેલોતની ૧૭મી ડિસેમ્બરના દિવસે તાજપોશી કરવામાં આવશે. ૧૭મીએ તેમના શપથવિધિને લઈને તૈયારી કરી લેવામાં આવી છે. એક જ દિવસે રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે અશોક ગહેલોત અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે કમલનાથ શપથ લેશે. બંને રાજ્યોમાં તૈયારીઓ કરી લેવામાં આવી છે. રાજસ્થાનમાં નાયબ મુખ્યમંત્રી તરીકે સચિન પાયલોટ પણ શપથ લેશે. બીજી બાજુ જ્યોતિરાદિત્યને પણ નાયબ મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. અશોક ગહેલોતે આજે આ મુજબની માહિતી આપી હતી. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પણ શપથવિધિ કાર્યક્રમમાં સામેલ થશે. ધારાસભ્યોની બેઠક અહીં એક હોટલમાં યોજવામાં આવી હતી. બેઠક બાદ કોંગ્રેસના નેતા રાજ્યપાલ કલ્યાણસિંહને મળવા માટે રાજભવન પહોંચ્યા હતા. તે પહેલા કોંગ્રેસ નેતા અશોક ગહેલોત અને સચિન પાયલોટ પણ શુક્રવારના દિવસે પહોંચ્યા હતા. વિમાની મથક પર કાર્યકરો અને સમર્થકોએ તેમનું જોરદાર સ્વાગત કર્યું હતું. કોંગ્રેસે ગહેલોતને રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે અને પાયલોટને નાયબ મુખ્યમંત્રી તરીકે બનાવવાનો નિર્ણય કર્યો છે. ગહેલોત ત્રણ વખત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તરીકે રહી ચુક્યા છે. અનેક દેશોની યાત્રા કરી ચુક્યા છે. ગેલોત ૧૯૭૧માં બાંગ્લાદેશના મુક્તિ સંગ્રામના ગાળા દરમિયાન બંગાળમાં બાંગ્લાદેશી શરણાર્થીઓની શિબિરમાં પહોંચ્યા હતા અને સામાજિક ગતિવિધિમાં સામેલ રહ્યા હતા. અશોક ગહેલોત ત્રીજી વખત રાજ્યના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. ગહેલોતથી પહેલા ભૈરોસિંહ શેખાવત અને હરીદેવ જોશી ત્રણ ત્રણ વખત મુખ્યમંત્રી તરીકે રહી ચુક્યા છે. મોહનલાલ સુખડીયા સૌથી વધુ ચાર વખત મુખ્યમંત્રીના હોદ્દા ઉપર રહ્યા છે. રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે જવાબદારી સંભાળવા જઈ રહેલા ગહેલોત ૧૯૯૮માં પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા હતા. એમ માનવામાં આવે છે કે શપથવિધિ કાર્યક્રમમાં શરદ પવાર, શરદ યાદવ, એમકે સ્ટાલીન, તેજસ્વી યાદવ, અખિલેશ યાદવ, માયાવતી, અરવિંદ કેજરીવાલ અને અન્ય વિપક્ષી નેતાઓ ઉપસ્થિત રહેશે. મમતા બેનર્જી પોતે પણ ઉપસ્થિત રહેનાર હતા પરંતુ કોઈ સંબંધીની તબિયત ખરાબ હોવાથી તેઓ હાજર રહી શકશે નહીં. બીજી બાજુ કમલનાથ પણ ૧૭મીના દિવસે શપથ લે તેવી જાહેરાત પહેલાથી જ થઈ ચુકી છે.

(7:56 pm IST)