Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

ફાઈલોની ચકાસણી વગર જ ક્લિનચિટ કઈ રીતે મળી શકે

રાફેલના મામલામાં કપિલ સિબ્બલના વેધક પ્રશ્નો : સુપ્રિમ કોર્ટના ચુકાદાના એક દિન બાદ પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આક્ષેપબાજીનો દોર : એકબીજા ઉપર પ્રહારો

નવી દિલ્હી, તા.૧૫ : રાફેલ કેસમાં સુપ્રિમ કોર્ટના ચુકાદાના ૨૪ કલાક બાદ પણ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ખેંચતાણનો દોર જારી રહ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે કાયદાકીય પાસાઓને લઈને કેન્દ્ર સરકાર ઉપર પ્રહાર કર્યા હતા. આજે તેઓએ ચુકાદાની અનેક બાબતોને લઈને પ્રશ્નો ઉઠાવ્યા હતા. કપિલ સિબ્બલે કહ્યું હતું કે ફાઈલોની ચકાસણી કરવામાં આવી નથી ત્યારે ક્લિનચીટ કઈ રીતે મળી શકે છે. સરકાર દ્વારા ક્લિનચીટના કરવામાં આવી રહેલા દાવા સામે સિબ્બલે પ્રશ્નો ઉઠાવ્યા હતા. સુપ્રિમ કોર્ટે ફાઈલો મંગાવી નથી. નોટીંગ પણ નિહાળી નથી ત્યારે પોતાની રીતે ખુશ થવાની તક ભાજપના લોકો કઈ રીતે ઝડપી રહ્યા છે. બીજી બાજુ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા નરસિમ્હા રાવે કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા. ભાજપના પ્રવક્તાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે રાહુલ ગાંધી સુપ્રિમ કોર્ટની વિશ્વસનિયતા ઉપર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે જે નિંદાજનક બાબત છે. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનની કોર્ટ પર રાહુલ વિશ્વાસ કરી શકે છે પરંતુ સુપ્રિમ કોર્ટ ઉપર તેમને વિશ્વાસ નથી. ઈમરાન ખાન અને હાફિઝ સઈદ પર રાહુલ ગાંધીને વિશ્વાસ છે પરંતુ આઈએએફ અને ભારતીય સેના ઉપર વિશ્વાસ નથી. સિબ્બલે કહ્યું હતું કે સુપ્રિમ કોર્ટે જ્યારે ટેકનિકલ પાસા અને રાફેલ ડીલની પ્રાઈઝીંગની તપાસ કરી નથી ત્યારે ભાજપ સરકાર જીતનો દાવો કઈ રીતે કરી શકે છે.તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી આ મામલામાં ક્યારેય પણ પાર્ટી તરીકે રહી નથી. અમે પહેલા પણ સ્પષ્ટતા કરી ચુક્યા છીએ કે આ મામલા પર નિર્ણય લેવા માટે સુપ્રિમ કોર્ટ યોગ્ય ફોરમ તરીકે નથી. કારણ કે તમામ ફાઈલો ત્યાં ખોલી શકાય નહીં. સુપ્રિમ કોર્ટની પાસે આનો અધિકાર પણ નથી. કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે રાફેલમાં ભ્રષ્ટાચાર, કિંમતો અને ટેકનિકના મામલામાં તપાસ માટે સુપ્રિમ કોર્ટ યોગ્ય ઓથોરિટી નથી. તેમણે ઉમેર્યું હતું કે તેના અધિકાર ક્ષેત્ર મર્યાદિત છે. કોર્ટે ઉમેર્યું હતું કે અમે કિંમતો અને ટેકનિકલ પાસા ઉપર નિર્ણય કરી શકવાની સ્થિતિમાં નથી. કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે સુપ્રિમ કોર્ટના ચુકાદામાં પ્રેસનોટ અને સરકારના એફિડેવિટની વાત કરવામાં આવી છે. ચુકાદામાં એવા કેટલાક તથ્યો છે જે કદાચ સરકારની એફિડેવિટના કારણે સુપ્રિમ કોર્ટના ચુકાદામાં આવ્યા છે. જો સરકાર કોર્ટમાં ખોટા તથ્યો રજુ કરે છે તો આના માટે સરકાર પૂર્ણ રીતે જવાબદાર છે, કોર્ટ જવાબદાર નથી. કોર્ટના ચુકાદામાં કેગના રિપોર્ટના ઉલ્લેખ પર તેમણે કહ્યું હતું કે અમને એટર્ની જનરલને પીએસીમાં બોલાવવાની જરૂર છે અને પ્રશ્ન કરવા જોઈએ કે ખોટા એફિડેવિટ કોર્ટમાં કેમ આપવામાં આવ્યા છે. એવા તથ્ય કોર્ટમાં રજુ કરવામાં આવે છે જે ખોટા છે. જેથી આ મામલો ગંભીર બને છે. એજીને પીએસીમાં બોલાવીને પ્રશ્નો કરવા જોઈએ. ટુજી, કોલસા કૌભાંડને લઈને ભાજપે વળતા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે કલમ ૩૨ હેઠળ સુપ્રિમ કોર્ટના અધિકાર ક્ષેત્રમાં જે ચીજો આવતી નથી તો કોંગ્રેસ પાર્ટીને આ પ્રકારની વાત કરવી જોઈએ નહીં અને આરોપ પણ બનાવટી છે.

(7:54 pm IST)