Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

રાજકોટમાં ભાજપના સ્નેહમિલનમાં આંતરિક જૂથવાદ ઝળક્યો ! વજુભાઇ વાળા ગેરહાજર : કોરોનાની ગાઈડલાઈન ભૂલાઇ

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ વચ્ચેની વાતમાં સાંસદ રામભાઈ મોકરિયા વચ્ચે પડતા રૂપાણીએ બેસી જવા ઈશારો કર્યો : શિસ્ત અને શાલીનતા વિસરાઈ

રાજકોટ : રાજકોટમાં આજે ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં ભાજપના આંતરિક જુથવાદે દેખા દીધી હોય તેવા દ્રશ્યો જોવાયા હતા શહેરના 150 ફૂટ રિંગ રોડ પર ખુલ્લા પાર્ટી પ્લોટમાં ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પાસે ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ  પટેલ પહોંચ્યા હતા. બંને વચ્ચે વાત થઇ રહી હતી ત્યારે રાજ્યસભાના સાંસદ રામભાઈ  મોકરિયા વચ્ચે પડ્તા વિજયભાઈ રૂપાણીએ ઈશારો કરીને રામભાઈ મોકરિયાને બેસી જવા કહેતા મામલો નોંધનીય બન્યો હતો, સ્નેહમિલનમાં ભાજપના સિનિયર નેતા વજુભાઈ વાળાની ગેરહાજરી જોવા મળતા અનેક તર્કવિતર્ક થઇ રહ્યા છે.જોકે વજુભાઈ બહારગામ હોવાની વાત પણ કહેવાય રહી છે

 ભાજપના આ સ્નેહમિલનમાં વિવિધ મોરચાના કાર્યકરો, મહિલા આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ  વાઘાણી, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજ્યસભાના સાંસદ રામભાઈ  મોકરિયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, કશ્યપભાઈ  શુક્લ, જીતુભાઈ  મહેતા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ  મિરાણી, ધનસુખભાઈ  ભંડેરી, મેયર ડો.પ્રદીપ ડવ સહિતના આગેવાનો હાજર રહ્યા છે.

 ભાજપના આ સ્નેહમિલનના કાર્યક્રમમાં કોરોના ગાઈડલાઈનનો ઉલાળિયો થતો જોવા મળ્યો હતો સ્નેહમિલનમાં વિજયભાઈ  રૂપાણી, મોહનભાઈ  કુંડારિયા, ડો.પ્રદીપ ડવ, જૈમનભાઈ  ઉપાધ્યાય સિવાયના તમામનેતાઓ માસ્ક વિહોણા જોવા મળ્યા હતા. રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય લાખાભાઈ  સાગઠિયા, ધારાસભ્ય ગોવિંદભાઈ  પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ પણ માસ્ક વગર જોવા મળ્યા હતા. ખુદ રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ  વાઘાણી પણ માસ્ક વગર જોવા મળ્યા હતા.

(9:20 pm IST)