Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

ISIS સાથે હિંદુત્વની સરખામણી કરવા બદલ દિગ્ગજ કોંગ્રેસી નેતા સલમાન ખૂર્શીદ ના ઘરમાં તોડફોડ : નૈનીતાલ ખાતે આવેલા ઘરમાં બારીઓ તોડી નાખી સૂત્રોચ્ચાર કર્યા અને આગ લગાવી

ન્યુદિલ્હી : ISIS સાથે હિંદુત્વની સરખામણી કરવા બદલ સલમાન ખુર્શીદના ઘરમાં તોડફોડ કરવામાં આવી છે. જમણેરી જૂથના કેટલાક સભ્યો નૈનીતાલના એક દૂરના ગામમાં સ્થિત ખુર્શીદના ઘરે પહોંચ્યા અને તેમના ઘરમાં આગ લગાવી, બારીઓ તોડી નાખી અને સૂત્રોચ્ચાર કર્યા હતા.

જમણેરી જૂથનાકેટલાક સભ્યોએ નૈનીતાલના રામગઢમાં કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય કાયદા પ્રધાન સલમાન ખુર્શીદના ઘરની તોડફોડ કરી અને આગ લગાડવાનો પ્રયાસ કર્યો. જ્યારે પોલીસ હજુ સુધી આરોપીઓની ઓળખ કરી શકી નથી, અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનામાં લગભગ 15-20 લોકો સામેલ હતા.

પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના લગભગ બપોરે 2 વાગ્યે બની હતી જ્યારે કેટલાક જમણેરી જૂથના કેટલાક સભ્યો પ્યુડા નામના દૂરના ગામમાં સ્થિત ખુર્શીદના ઘરે પહોંચ્યા હતા. વિરોધીઓ ખુર્શીદ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા અને તેમના પૂતળાને આગ લગાડી તેમજ તેમના ઘરના એક ભાગને નુકસાન પહોંચાડ્યું હતું. ઘરના રખેવાળોએ આખરે આગને કાબુમાં લીધી હતી.

નૈનીતાલના પોલીસ અધિક્ષક (એસપી) જગદીશ ચંદ્રાએ ઘટનાની પુષ્ટિ કરી અને કહ્યું કે પોલીસ ખુરશીદના ઘરે તૈનાત છે અને તે એફઆઈઆર નોંધવાની પ્રક્રિયામાં પણ છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું આ ઘટનામાં ભાજપના કોઈ સભ્યો સામેલ હતા, ત્યારે ચંદ્રાએ કહ્યું કે તેમણે હજુ સુધી તેમની ઓળખની પુષ્ટિ કરી નથી.

ઉલ્લેખનીય છે કે જમણેરી સંગઠનો ખુર્શીદના પુસ્તક ‘સનરાઈઝ ઓવર અયોધ્યાઃ નેશનહુડ ઇન અવર ટાઈમ્સ’ સામે હિન્દુત્વની કથિત રીતે ISIS અને બોકો હરામ સાથે સરખામણી કરવા બદલ વિરોધ કરી રહ્યાં છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(9:17 pm IST)