Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

ચીનમાં ડેલ્ટા વેરીએન્ટએ કહેર વર્તાવ્યો:દલિયાન શહેરમાં 1,500 વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં કેદ કરાયા

હજારો વિદ્યાર્થીઓને દેખરેખ માટે હોટલોમાં સ્થળાંતર કરવામાં આવ્યા

ચીનમાં અત્યાર સુધીનું સૌથી મોટું કોરોના સંકટ જોવા મળ્યું છે. પહેલા ચીને મહામારીની શરૂઆતમાં સંક્રમણને જલ્દી જ નિયંત્રિત કરી લીધું હતું, પરંતુ આ વખતે એવું કરવામાં તે નિષ્ફળ રહ્યું છે. અહીંના ઉત્તર પૂર્વ શહેર દલિયાનમાં ડેલ્ટા વેરિએન્ટના કેસ મોટી સંખ્યામાં સામે આવી રહ્યા છે.

જે બાદ શહેરની યુનિવર્સિટીમાં ભણતા લગભગ 1,500 વિદ્યાર્થીઓને તેમના હોસ્ટેલમાં કેદ કરવામાં આવ્યા છે. આ આદેશ શહેરની ઝુઆંગો યૂનિવર્સિટીમાં અનેક ડઝન કેસ સામે આવ્યા બાદ રવિવારે આપવામાં આવ્યો છે. હજારો વિદ્યાર્થીઓને દેખરેખ માટે હોટલોમાં સ્થળાંતર કરવામાં આવ્યા છે. હવે વિદ્યાર્થીઓ ડિજિટલ રીતે પોતાના વર્ગો ભરી રહ્યા છે. તેમના રૂમ સુધી ખાવાનું પણ પહોંચાડવામાં આવી રહ્યું છે.

અનેક વિસ્તારોમાં આ શહેરથી આવનાર લોકોને પ્રવેશ મળી રહ્યો નથી. ગત એક અઠવાડીયાથી દેશના કોઈ પણ ભાગની સરખામણીએ સૌથી વધુ કેસ દલિયાનમાંથી સામે આવ્યા છે. એક અહેવાલ મુજબ 17 ઓક્ટોબર અને 14 નવેમ્બર વચ્ચે અહીં કુલ 1,308 કેસની પુષ્ટિ થઈ છે. આ સંખ્યા ઉનાળામાં મળેલા 1,280 સ્થાનિક કેસને પણ પાર કરી ચૂક્યા છે. ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે સોમવારે ગત 24 કલાકમાં સ્થાનીય સંક્રમણના 32 નવા કેસ મળવાની જાણકારી આપી છે. જેમાં 25થી વધુ કેસ દલિયાનથી સામે આવ્યા છે.

આ દર્શાવે છે કે ચીન અત્યાર સુધીના સૌથી મોટા ડેલ્ટા વેરિઅન્ટના વિનાશનો સામનો કરી રહ્યું છે. આ પ્રકારે દેશના 21 પ્રાંતમાં ફેલાયો છે. ચીનની સરકાર કોવિડ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહી છે. અહેવાલો સૂચવે છે કે ઘણા પ્રાંતોમાં ચેપને નિયંત્રિત કરવામાં આવ્યો છે.

ચીનની સરકાર સંરક્ષણ તરીકે ઘણા ઉપાયો અપનાવી રહી છે. જેમાં લોકડાઉન, કોન્ટેક્ટ ટ્રેસિંગ, જોખમી વિસ્તારોમાં ટેસ્ટિંગના અનેક રાઉન્ડ, મનોરંજન સંબંધિત સ્થળોને બંધ કરવા, જાહેર વાહનો પર પ્રતિબંધ અને પ્રવાસન પર પ્રતિબંધનો સમાવેશ થાય છે.

સ્થિતિ એવા સમયે બગડી રહી છે જ્યારે દેશની અડધાથી વધુ વસ્તીનું કોવિડ રસીકરણ પૂર્ણ થઈ ગયું છે. સરકાર બૂસ્ટર ડોઝ લાગુ કરવાનું પણ વિચારી રહી છે. એવા પણ અહેવાલ છે કે સરકાર કોરોના સંક્રમિત લોકોના પાલતુ પ્રાણીઓને મારી નાખવામાં આવી રહ્યા છે. ઘણા લોકો આ અંગે ઓનલાઈન ફરિયાદ કરી રહ્યા છે.

(8:46 pm IST)