Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

પ્રદૂષણ મામલે દિલ્હી બીજા સ્થાને, લાહોર પ્રથમ ક્રમાંકે

સુપ્રીમની નારાજગી બાદ દિલ્હીમાં પ્રદૂષણની માત્રામાં ઘટાડો : ગયા અઠવાડિયે દિલ્હીની હવામાં સામાન્ય સુધારો, પરંતુ અહીંની હવા સ્વસ્થ વ્યક્તિને બીમાર કરવા માટે પૂરતી છે

નવી દિલ્હી, તા.૧૫ : સુપ્રીમ કોર્ટની નારાજગી બાદ દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ઓછુ કરવા માટે ઉઠાવવામાં આવેલા પગલાનો થોડો ઘણો ફાયદો થયો છે. સોમવારે સમગ્ર દુનિયાના એર ક્વોલિટી ઈન્ડેક્સ પર નજર રાખનારી સંસ્થા આઈક્યૂ એર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર દિલ્હી વાયુ પ્રદૂષણના મામલે એક સ્થાનેથી ખસીને બીજા સ્થાને આવી ગયુ છે. સૌથી ખરાબ હવા પાકિસ્તાનના લાહોરની નોંધવામાં આવી છે. અહીંનો એક્યુઆઈ ૪૧૯ રહ્યો, તો દિલ્હીમાં એક્યુઆઈ ૨૮૬ રેકોર્ડ કરવામાં આવ્યો.

ગયા અઠવાડિયે દિલ્હીની હવામાં સામાન્ય સુધારો જોવા મળ્યો, પરંતુ અહીંની હવા હજુ પણ એટલી ખરાબ છે કે તે કોઈ પણ સ્વસ્થ વ્યક્તિને બીમાર કરવા માટે પૂરતી છે. આઈક્યુ એર દ્વારા જારી કરવામાં આવેલા દુનિયાના ટોપ-૧૦ શહેરોની યાદીમાં ભારતના બે શહેર સામેલ છે. જેમાં બીજા સ્થાને દિલ્હી છે, જેની વાયુ ગુણવત્તા સૂચકાંક ૨૮૬ છે તો યાદીમાં આઠમાં નંબરે મુંબઈની હવા ઘણી પ્રદૂષિત નોંધવામાં આવી છે. અહીંનો એક્યૂઆઈ ૧૬૩ રહ્યો.

(7:30 pm IST)