Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

શોખ બડી ચીજ હૈ

બટાકા વેચનાર વ્યકિતએ ૨.૪ લાખ રૂપિયા આપીને ખરીદ્યો BSNL નો VIP નંબર

નવી દિલ્હી, તા.૧૫: આજના ૨૧મી યુગના જમાનામાં VIP નંબર્સનું ચલણ છે. આજે દરેક લોકો એવું ઈચ્છે છે કે તોમનો મોબાઈલ નંબર યુનિક હોય, સાંભળતા જ વટ પડે, જલ્દી કોઈને યાદ રહી જાય. આ તમામ વાતોને ધ્યાનમાં રાખીને અમુક લોકો જરા હટકે નંબર રાખવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરી નાંખે છે. એવામાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે, જેમાં વીઆઈપી નંબરના રસિયા ગ્રાહકે કોટા શહેરમાં BSNLનો એક વીઆઈપી નંબર ખરીદયો હતો, જેમાં આખરી ૬ ડિજીટમાં સળંગ શૂન્ય આવે છે. હરાજીમાં આ વ્યકિતએ વીઆઈપી નંબરના ૨.૪ લાખ રૂપિયા આપીને સૌથી વધુ બોલી બોલી છે.

BSNLની ઓનલાઈન વેબસાઈટ પર વીઆઈપી મોબાઈલ નંબર વેચાણ માટે ઉપલબ્ધ હતો, જયાં લોકો વીઆઈપી નંબરો માટે હરાજીમાં સૌથી વધુ બોલી લગાવી શકે છે. એવું લાગે છે કે VIP નંબર XXX70000 એ ખરેખર ખરીદદારોમાં તોફાન મચાવી દીધું છે અને રાજસ્થાનના કોટાના એક બટાકાના વેપારીએ રૂ.૨.૪ લાખની હરાજી બોલીને બહાર આવ્યા છે. વાસ્તવમાં આટલી કિંમતમાં તો 3 Apple iPhone 13 (ભારતમાં 128GB ની કિંમત રૂ ૭૯,૯૦૦) ડિવાઈસ ખરીદી શકો છો.

આ નંબર એક અઠવાડિયાથી હરાજી માટે હતો. હરાજી ૨૦,૦૦૦ રૂપિયાથી શરૂ કરવામાં આવી હતી અને ૨ લાખ રૂપિયાથી વધુની થઈ ગઈ હતી. હરાજીના વિજેતા અને બીએસએનએલ મોબાઈલ નંબરના નવા માલિક કોટાના તનુજા દુદેજા છે જે એક બટાકાના વેપારી છે.

તનુજા દુદેજાએ ફર્રુખાબાદ ખાતેની BSNL ઓફિસમાંથી વિજેતા બિડ પછી મોબાઇલ નંબર કલેકટ કર્યો છે. બીએસએનએલના કર્મચારીના જણાવ્યા મુજબ, દુદેજાને વીઆઈપી મોબાઈલ નંબર પસંદ છે. રૂ. ૨.૪ લાખનો વીઆઇપી નંબર તેની બીજી ખરીદી છે કારણ કે તેણે અગાઉ રૂ.૧ લાખમાં બીજો નંબર પણ ખરીદ્યો હતો.

(4:55 pm IST)