Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

કાશી વિશ્વનાથ ધામમાં ૧૦૮ વર્ષ બાદ માતા અન્નપૂર્ણાની પ્રાચીન-દુર્લભ પ્રતિમા પહોંચીઃ યોગી દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા

બલુઆ પથ્થરમાંથી બનેલી માતાજીની પ્રતિમા ૧૮મી સદીની છેઃ માતાજીના એક હાથમાં ખીરની વાટકી અને બીજા હાથમાં ચમચી : લોકોના કહેવા મુજબ દુર્લભ અને ઐતિહાસિક સામગ્રીઓની તસ્કરી કરનારાઓએ પ્રતિમાને કેનેડામાં વેચી દીધેલ

વારાણસી,તા.૧૫: ૧૦૮ વર્ષ જેટલા લાંબા સમયગાળા બાદ આખરે સવારે માતા અન્નપૂર્ણાની દુર્લભ પ્રતિમા શ્રીકાશી વિશ્વનાથ ધામ પહોંચી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પ્રતિમા યાત્રાની આગેવાની કરી હતી. આ સાથે જ સમગ્ર મંદિર પરિસર માતાના જયજયકાર અને હર-હર મહાદેવના ઉદ્ઘોષથી ગુંજી ઉઠ્યું હતું.

ભવ્ય સ્વાગત બાદ પ્રાણ પ્રતિષ્ઠાના અનુષ્ઠાનનો આરંભ થયો હતો અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ યજમાન બન્યા હતા. તેમના દ્વારા પ્રતિમાની પુનઃસ્થાપના અને પ્રાણ પ્રતિષ્ઠા કરાવવામાં આવી હતી. કાશી વિશ્વનાથ મંદિરના અર્ચક દળે કાશી વિદ્વત પરિષદના મોનિટરીંગમાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરાવી હતી. મંગળા આરતી બાદથી જ મંદિર પરિસરમાં આયોજન શરૂ થઈ ગયા હતા.

બલુઆ પથ્થરમાંથી બનેલી માતા અન્નપૂર્ણાની પ્રતિમા ૧૮મી સદીની હોવાનું કહેવામાં આવે છે. માતાના એક હાથમાં ખીરની વાટકી અને બીજા હાથમાં ચમચી છે. આ પ્રાચીન પ્રતિમા કેનેડા કઈ રીતે પહોંચી તે આજે પણ રહસ્ય જ છે. લોકોના કહેવા પ્રમાણે દુર્લભ અને ઐતિહાસિક સામગ્રીઓની તસ્કરી કરનારાઓએ પ્રતિમાને કેનેડા લઈ જઈને વેચી દીધી હતી. કાશીના વડીલ વિદ્વાનોને પણ માતા અન્નપૂર્ણાની પ્રતિમા ગાયબ થઈ ગઈ હોવા અંગે કોઈ જાણકારી નહોતી.

(4:16 pm IST)