Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

પાકિસ્તાનથી દરિયાઇ માર્ગે ડ્રગ્સનો જથ્થો લવાયો હોવાનું ખુલ્યુ

જોડિયાનો મુખ્તાર હુશૈન ઉર્ફે જબાર હાજી નૂર મોહમ્મદ રાવ, ઝીંઝુડાનો સમસુદીન હુસૈનમીયા સૈયદ અને સલાયાનાં ગુલામ હુસૈન ઉંમર ભગાડની એટીએસ ટીમ દ્વારા પુછપરછ

(કેતન ખત્રી દ્વારા) અમદાવાદ, તા. ૧પ :  મોરબી જીલ્લાનાં ઝીંઝુડામાંથી પોલીસે ૧ર૦ કિલો ડ્રગ્સ કિ. રૂ. પ૦૦ કરોડનો જથ્થો ગુજરાત એટીએસ ટીમે ઝડપી પાડીને અમદાવાદ ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં આ જથ્થો પાકિસ્તાનથી દરિયાઇ માર્ગે ઘુસાડાયો હોવાનું ખુલ્યું છે.

ગુજરાતના દરિયાકાંઠેથી ભારતમાં હેરોઈનની દાણચોરી કરવાનો પાકિસ્તાનના હેરોઈન કાર્ટેલ્સ(સંગઠનો)નો સતત પ્રયાસ રહેલ છે. પાકિસ્તાનની નજીક હોવાને કારણે છેલ્લા કેટલાક વર્ષોથી આ કાર્ટેલો દ્વારા હેરોઈનના લેન્ડિંગ પોઈન્ટ તરીકે ગુજરાતના દરિયાકાંઠાનો ઉપયોગ કરવા સતત પ્રયાસો થઈ રહેલ છે. પાકિસ્તાની અને ઈરાની હેરોઈન દાણચોરોની સૌથી સામાન્ય મોડસ-ઓપરેન્ડી અનુમાનિત ઈન્ડો-પાક ઈન્ટરનેશનલ મેરીટાઇમ બાઉન્ડ્રી લાઈન (IMBL) પર હેરોઈનને ભારતીય મળતીયાઓ સુધી પહોંચાડવાની છે અને તે માટે આ મળતીયાઓ દ્વારા હેરોઇન કિનારે લાવવાનું હોય છે અને આગળ અંતિમ નક્કી કરેલ સ્થાન પર લઈ જવાનું હોય છે. જો કે, ગુજરાત પોલીસ આવા તમામ પ્રયાસોને વ્યર્થ કરવામાં સફળ રહી છે, અને આ કાર્ટેલો દ્વારા મોકલવામાં આવેલ તમામ કન્સાઈનમેન્ટ સફળતાપૂર્વક જપ્ત કરવામાં આવેલ છે અને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. આરોપીઓની પૂછપરછ અને તપાસમાં જાણવા મળેલ છે કે ગુજરાતના દરિયાકાંઠે થઈ રહેલા ઉપરોકત પ્રયાસોની સંખ્યામાં વધારા માટે વિવિધ ભૌગોલિક તથા રાજકીય કારણો જવાબદાર છે. ગુજરાત પોલીસ ભવિષ્યમાં પણ આવા પ્રયાસોનો સામનો કરવા કટિબદ્ઘ છે અને તેથી જ આ તમામ કન્સાઈનમેન્ટની સતત જપ્તી અને આરોપીઓની ધરપકડ દ્વારા અસરકારક રીતે આ પ્રકારના પ્રયાસો નેસ્તોનાબૂદ કરી આ કાર્ટેલોની કમર તોડી નખાશે.

તા. ૧૪.૧૧.ર૦ર૧ ના રોજ,  કે.કે. પટેલ, નાયબ પોલીસ અધિક્ષક, ગુજરાત એ.ટી.એસ. નાઓને બાતમી હકીકત મળેલ કે, જામનગર તથા ખંભાળીયાના જબ્બાર જોડીયા તથા ગુલામ ભગાડ નાઓ માદક પદાર્થનો જથ્થો પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે લાવી મોરબી જીલ્લાના ઝીંઝુડા ગામમાં કોઠાવાળા પીરની દરગાહ પાસે આવેલ સમસુદ્દીન હુસૈનમીયાં સૈયદ ઉર્ફે પીરજાદા બાપુના નવીન બની રહેલ મકાનમાં માદક પદાર્થનો જથ્થો સંતાડેલ છે અને આજ રોજ રાત્રીના સમયે સગે-વગે (હેર-ફેર) કરવા ભેગા થનાર છે, જે બાતમી આધારે ગુજરાત એ.ટી.એસ, ની ટીમે મોરબી જીલ્લાના ઝીંઝુડા ગામે રહેતા સમસુદ્દીન હુસૈનમીયાં સૈયદ ઉર્ફે પીરજાદા બાપુ ના નવીન બની રહેલ મકાનમાં દરોડો પાડી ૧૨૦ કિલો હેરોઈનનો જથ્થો જપ્ત કરેલ છે. આ કન્સાઈનમેન્ટની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજિત રૂ. ૬૦૦ કરોડની છે. આ કામે આરોપીઓ નામે (૧) મુખ્તાર હુશૈન ઉર્ફે જબ્બાર હાજી નૂરમોહમ્મદ રાવ, ઉં.વ. ૩૯ રહે. બસ સ્ટેન્ડ રોડ,મેઇન બજાર, જોડીયા, જી. જામનગર, (ર) સમસુદ્દીન હુસૈનમીયાં સૈયદ, ઉ.વ. ૩૭ રહે. ઝીંઝુડા, તા. મોરબી, જી. મોરબી (૩) ગુલામ હુસૈન ઉમર ભગાડ રહે સલાયા દેવભૂમી દ્વારકા નાઓની ધરપકડ કરવામા આવેલ છે.

પ્રાથમીક પૂછપરછ દરમ્યાન જાણવા મળેલ છે કે આ જપ્ત કરેલ માલ, ગુલામ, જબ્બાર તથા ઇસા રાવ રહે. જોડીયા નાઓએ પાકિસ્તાનના ઝાહિદ બશીર બલોચ પાસેથી પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે મંગાવેલ હતો જેની ડીલીવરી તેઓએ ઓકટોબર ૨૦૨૧ના છેલ્લા અઠવાડિયામાં

દરિયામાં 23*28’100”N and 67*40’100”E ઉપર લીધેલ હતી, જે તેઓએ દેવભૂમી દ્વારકાના દરિયા કિનારે કોઇ જગ્યાએ સંતાડેલ હતો જે બાદમાં તેઓએ મોરબી જીલ્લાના ઝીંઝુડા ગામમાં કોઠાવાળા પીરની દરગાહ પાસે આવેલ સમસુદ્દીન હુસૈનમીયાં સૈયદના નવીન બની રહેલ મકાનમાં સંતાડેલ હતો. ઇસા હુસૈન રાવ રહે. જોડીયા ઉપરોકત પકડાયેલ આરોપી મુખ્તાર હુશૈન ઉર્ફે જબ્બાર જોડીયા નાઓના કાકા થાય છે તથા હાલ વોન્ટેડ છે. આ સંદર્ભે એ.ટી.એસ. ખાતે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરેલ છે. ર્ં

ઉપરોકત આરોપી ગુલામ તથા જબ્બાર અવાર-નવાર દુબઈ ખાતે જતા હોઈ ત્યાં પાકિસ્તાની ડ્રગ માફિયા ગેંગ સાથે સંપર્કમાં આવેલ હોવાની સંભાવના છે. તથા ઉપરોકત પાકિસ્તાની ઝાહીદ બલોય, ડિપાર્ટમેન્ટ ઓફ રેવેન્યુ ઇન્ટેલીજન્સના સને ૨૦૧૯ના રર૭ કિલો હેરોઇનના ગુનામાં વોન્ટેડ છે.

જેમા મોટાભાગના ગુનાઓમાં જોવામાં આવેલ છે કે આવા ષડ્યંત્રો મધ્ય-પૂર્વી દેશોમાં રચવામાં આવે છે તેમ આ ગુનાહિત ષડ્યંત્ર પણ સંયુકત આરબ અમીરાતના સોમાલી કેન્ટીન ખાતે રચવામાં આવેલ. આ કન્સાઇનમેન્ટ ભારતીય દાણચોરોને આપવામાં આવવાનું હતુ જે બાદમાં તેઓ દ્વારા આફ્રીકન દેશોમાં મોકલાવવાનું હતુ. પાકિસ્તાન અને ઈરાનના માદક પદાર્થોના દાણચોરોની સામાન્ય મોડસ ઓપરેન્ડી તેમના ભારતીય મળતીયાઓનો ઉપયોગ કરીને ડ્રગ્સને તેમના વાહકો દ્વારા લઈ જવામાં આવે છે, જો કે આ કિસ્સામાં એવું બહાર આવેલ છે કે ગુજરાત એ.ટી.એસ. દ્વારા પકડાયેલા આરોપીઓએ આફ્રિકા જતા આ કન્સાઈનમેન્ટને પોતે મેળવી લેવાની લાલચના કારણે ભારતમાં ડાયવર્ટ કરવાનો નિર્ણય લીધો હતો અને ભારતમાં વિવિધ ખરીદદારોને આ નશીલો પદાર્થ હેરોઇન વેચવાનો તેમનો હેતુ હતો. આંતરરાષ્ટ્રીય જળસીમામાં ડ્રગ્સના પરિવહન માટે ભારતીય ઢોવનો ઉપયોગ કરવાનું કારણ એ છે કે તે ઉપર અન્ય દેશોના કોસ્ટ ગાર્ડ અને નૌકાદળને જલ્દી શંકા જતી નથી.

વધુમાં જાણવા મળેલ છે કે ઉપરોકત આરોપી ગુલામ ભગાડ તાજેતરમાં સલાયા ખાતે મહોર્રમ તાજીયાના વખતે થયેલ રાયોટીંગના ગુનામાં પકડાયેલ છે. તથા મુખ્તાર હુશૈન ઉર્ફે જબ્બાર જોડીયા પણ નામચીન દાણચોર હોઇ વિદેશના કેટલાય કાર્ટેલ્સ સાથે સંપર્કમાં હતો તથા સને ર૦૨૦માં જયારે જબ્બારે તેની બોટ કરાચી, પાકિસ્તાન ખાતે 'એન્જીનની ખરાબી ના કારણોસર' ડોક કરેલ હતી ત્યારે પાકિસ્તાન મેરીટાઇમ સીકયુરીટી એજન્સી દ્વારા અટકાયત કરવામાં આવેલ તથા તેની ત્રણ દિવસ સુધી પાકિસ્તાની ખુફીયા એજન્સી આઇ.એસ.આઇ તથા પાકિસ્તાન મેરીટાઇમ સીકયુરીટી એજન્સી દ્વારા પૂછપરછ કરવામાં આવેલ છે.

(3:19 pm IST)