Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

ડ્રગ્સ કેસ : આરોપીઓ અવારનવાર દુબઈ જતા, પાકિસ્તાનના ડ્રગ માફિયા સાથે સંપર્કો ?

૬૦૦ કરોડની કિમતનો જથ્થો ગુજરાત એટીએસ ટીમે ઝડપ્યો ગુજરાતના દરિયાકાંઠાનો ડ્રગ્સ કેસઃ આરોપીઓ અવારનવાર દુબઈ જતા, પાકિસ્તાનના ડ્રગ માફિયા સાથે સંપર્કો ?

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૧૫, પાડોશી દેશ પાકિસ્તાન દેશના યુવા ધનને બરબાદ કરવા નશીલા દ્રવ્યો ગુજરાતના દરિયાકાંઠા મારફત ઘુસાડવાની કાયમી પેરવી કરતુ રહે છે તો છેલ્લા દિવસોથી ગુજરાત પોલીસ અને એટીએસ ટીમો પણ સતર્ક બનીને નાપાક ઈરાદાઓને નાકામ બનાવી રહી છે જેમાં મોરબીના ઝીંઝુડા ગામમાંથી ૧૨૦ કિલો ડ્રગ્સના જથ્થા સાથે એટીએસ ટીમે ત્રણ ઇસમોને દબોચી લીધા છે

ગુજરાતના દરિયાકાંઠેથી હેરોઈનની દાણચોરીના બનાવો વધતા હોય જેમાં અગાઉ પાકિસ્તાન અને ઈરાનથી મોકલેલ હેરોઈનનો મોટો જથ્થો ઝડપી લેવાયો હતો તે ઉપરાંત તાજેતરમાં દ્વારકા જીલ્લામાંથી પણ ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો હતો જેને પગલે એટીએસ ટીમે સતર્કતા દાખવી હતી અને સઘન તપાસ ચલાવતા મોરબી જીલ્લાના ઝીંઝુડા ગામમાં ડ્રગ્સના જથ્થા વિષે બાતમી મળી હતી

જેથી ગુજરાત એટીએસ ટીમના નાયબ પોલીસ અધિક્ષક કે કે પટેલની ટીમ દ્વારા જામનગર અને ખંભાળિયાના જબ્બાર જોડિયા તથા ગુલામ ભગાડ દ્વારા માદક પદાર્થનો જથ્થો પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે લાવી મોરબી જીલ્લાના ઝીંઝુડા ગામમાં કોઠાવાળા પીર દરગાહ પાસે આવેલ સમસુદિન હુશેનમિયા સૈયદ ઉર્ફે પીરજાદા બાપુના નવીન બની રહેલ મકાનમાં જથ્થો રાખ્યો હોય જે બાતમીને પગલે એટીએસ ટીમ ત્રાટકી હતી જેમાં આરોપીના નવા બની રહેલ મકાનમાંથી ૧૨૦ કિલો હેરોઈનનો જથ્થો મળી આતા જપ્ત કરાયો છે જેની બજાર કીમત અંદાજીત ૬૦૦ કરોડ હોવાનું જાણવા મળ્યું છે તો રેડ દરમિયાન આરોપી મુખ્તાર હુશેન ઉર્ફે જબ્બાર હાજી નુરમોહમ્મદ રાવ રહે જોડિયા જી જામનગર, સમસુદિન હુશેનમિયા સૈયદ રહે ઝીંઝુડા તા. મોરબી અને ગુલામ હુશેન ઉમર ભગાડ રહે સલાયા દેવભૂમિ દ્વારકા એમ ત્રણ ઇસમોને ઝડપી લેવાયા છે

ઝડપાયેલ આરોપીની પૂછપરછમાં જપ્ત કરેલ હેરોઈન જથ્થો ગુલામ જબ્બાર અને ઈસા રાવ રહે જોડિયા વાળાએ પાકિસ્તાનના ઝાહીદ બશીર બ્લોચ પાસેથી પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે મંગાવ્યો હતો જેની ડીલીવરી ઓકટોબર ૨૦૨૧ ના છેલ્લા અઠવાડિયામાં દરિયામાં લીધી હતી અને દેવભૂમિ દ્વારકાના દરિયા કિનારે સંતાડ્યો હતો અને બાદમાં મોરબીના ઝીંઝુડા ગામ પહોંચાડ્યો હતો

ડ્રગ માફિયા ગેંગ સાથે આરોપીઓનો સંપર્ક હોવાની આશંકા

ઝડપાયેલ આરોપી ગુલામ અને જબ્બાર અવારનવાર દુબઈ જતા હોય જેથી પાકિસ્તાની ડ્રગ માફિયા ગેંગ સાથે સંપર્કમાં હોવાની આશંકા ગુજરાત એટીએસ ટીમે વ્યકત કરી છે અને પાકિસ્તાની ઝાહીદ બ્લોચ ડીપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ દ્વારા વર્ષ ૨૦૧૮ માં ૨૨૭ કિલો હેરોઈન ગુન્હામાં વોન્ટેડ હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.

(1:07 pm IST)