Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

સલીમ અલી... બર્ડમેન ઓફ ઇન્ડીયા

પક્ષીવિદ્ સલીમ અલી ભારતભરમાં પક્ષીઓની મોજણી કરનારા પ્રથમ હતાઃ ભરતપુર પક્ષી અભ્યારણ સલીમની દેણઃ પક્ષીઓ વિષે સંખ્યાબંધ પુસ્તકો લખનાર સલીમ અલી પદ્મભુષણ અને પદ્મવિભુષણથી સન્માનીત હતા

સલીમ અલી ભારતીય પક્ષીવિદ અને પ્રકૃતિવિદ હતા. તેઓ બર્ડમેન ઓફ ઇન્ડિયા તરીકે જાણીતા છે. સમગ્ર ભારતનાં પક્ષીઓની મોજણીથી કરનારા સલીમ અલી પહેલા ભારતીય હતા. તેમણે પક્ષીઓ વિષે સંખ્યાબંધ પુસ્તકો પણ લખ્યા છે. ભરતપુર પક્ષી અભ્યારણ્ય એ સલીમ અલીની દેન છે. હાલ સાઈલેન્ટ વેલી નેશનલ પાર્ક તરીકે જાણીતા ઉદ્યાગનું નિકંદન અટકાવવામાં સલીમ અલીનો  સિંહફાળો છે. સિડની ડીલ્લોન રિપ્લેની સાથે મળીને તેમણે હેન્ડબુક ઓફ ધ બર્ડસ ઓફ ઈન્ડિયા એન્ડ પાકિસ્તાનના દસ દળદાર ભાગ તૈયાર કર્યા, જેની બીજી આવૃત્તિ તેમના મૃત્યુ બાદ પ્રકાશિત કરવામા આવી. ૧૯૫૮માં પદ્મભૂષણ અને ૧૯૭૬માં પદ્મવિભૂષણ એમ ભારતના અનુક્રમે ત્રીજા અને બીજા સૌથી ઉચ્ચ નાગરિક સન્માન તેમણે મેળવ્યાં.પક્ષીઓની કેટલીક જાતિઓ, કેટલાંક પક્ષી અભયારણ્યો અને સંસ્થાઓને તેમનું નામ અપાયું છે. સલીમ અલી એ મૂળ ખંભાતના સૂલેમાની વ્હોરા હતા. તેમનો જન્મ મુંબઈ ખાતે ૧ર નવેમ્બર ૧૮૯૬એ થયો હતો. ૧૮૫૭થી તેમનો પરિવાર મુંબઈ ખાતે સ્થાયી થયો હતો. માતાપિતાના  નિધન બાદ તેઓ તેમના નિઃસંતાન મામા અમીરૂદીન તૈયબજી અને મામી  હમીદાની સાથે ખેતવાડી, મુંબઈ ખાતે રહેવા લાગ્યાં. અલી આસપાસના બાળકો સાથે.પક્ષીઓના શિકારની રમત રમતાં. એકવાર એરગનથી રમતાં રમતાં એક પક્ષીને ઢાળી દીધું.  મૃત પક્ષીને જોઈ તેમને બાળસહજ જિજ્ઞાસા થઇ. બાળસહજ જિજ્ઞાસા બાળમનને પક્ષી વિશારદ બનાવી ગઇ. આ બાબતનો ઉલ્લેખ તેમણે તેમની આત્મકથા ધ ફોલ ઓફ સ્પેરોમાં કર્યોછે.

ફકત ૧૦ વર્ષની ઉંમરથી જ તેમણે એક ડાયરી બનાવી હતી જેમાં તેમણે પોતાના પક્ષી અવલોકનો વિશે લખ્યું હતું. સલીમ અલીનું પ્રાથમિક શિક્ષણ ગીરગામ ખાતે ઝેનાના બાઇબલ એન્ડ મેડિકલ મિશન ગર્લ્સ હાઇસ્કૂલમાં તેમની બે પિતરાઇ બહેનો સાથે થયું અને ત્યારબાદનું શિક્ષણ સેન્ટ ઝેવિયર્સ કોલેજ મુંબઈથી લીધું. ૧૩ વર્ષની ઉંમરે તેમણે લાંબા સમયના માથાના દુઃખાવાની ફરિયાદ રહી જેની અસર તેમના શરૂઆતના શિક્ષણ પર પડી. તેમની તબિયતના કારણે તેમને સિંધનું સૂકું વાતાવરણ મદદરૂપ થશે એમ સમજાવી તેમના કાકા જોડે સિંધ મોકલાયા. આમ, શિક્ષણમાં સતત વિક્ષેપ છતાં તેઓ ૧૯૧૩માં બોમ્બે યુનિવર્સિટીમાંથી મેટ્રીકની પરીક્ષા પાસ કરવામાં સફળ રહ્યાં. સલીમ અલીએ તેમના પક્ષી અને પ્રકૃતિના અભ્યાસના સંદર્ભે અનેક એવોર્ડ અને માનદ પદવીઓ પ્રાપ્ત કરી છે. ઘણી બધી સંસ્થાઓને તેમનું નામ આપવામાં આવ્યું છે.

૧૯૬૭માં બ્રિટિશ ઓર્નિથોલોજીસ્ટ્સ યુનિયનનો ગોલ્ડ મેડલ મેળવનારા પ્રથમ બિનબ્રિટિશ નાગરિક બન્યાં. ૧૯૬૭માં જ પોલ ગેટ્ટી વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન પ્રાઇઝ મેળવ્યું, ભારત સરકાર તરફથી ૧૯૫૮માં પદ્મભૂષણ તથા ૧૯૭૬માં પદ્મવિભૂષણથી સન્માનિત કરાયાં. ૧૯૮૫માં રાજ્યસભાના સભ્ય બન્યા. ૧૯૯૦માં ભારત સરકાર દ્વારા કોઈમ્બતૂર ખાતે સલીમ અલી સેન્ટર ફોર ઓર્નિથોલોજી એન્ડ નેચરલ હિસ્ટરીની સ્થાપના કરવામાં આવી. ગોવા સરકારે સલીમ અલી બર્ડ સેંચ્યૂરીની સ્થાપના કરી. કેરાલા સરકારે વેમ્બનાદ પાસે થટ્ટકલ પક્ષી અભયારણ્યને સલીમ અલીનું નામ આપ્યું. બોમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટીના મુંબઈ ખાતેના મુખ્ય મથકને ડો. સલીમ અલી ચોક નામ અપાયું. ૧૯૭૨માં, કીટ્ટી થોન્ગ્લોગ્યા એ વણઓળખાયેલી પક્ષીની જાતિ સાથે સલીમ અલીનું નામ જોડયું. ચામાચીડિયાની જવલ્લે જ જોવા મળતી જાતિ લેટીન્ડન્સ ત્યારથી લેટીન્ડન્સ સલીમ અલી તરીકે ઓળખાય છે. આ જ રીતે લાવરી અને સુગરીની એક એક પ્રજાતિ સાથે પણ સલીમ અલીનું નામ જોડાયું છે. લક્કડડખોદની એક પ્રજાતિને તેમની પત્ની તેહમીનાનું નામ અપાયું છે. ૧૨ નવેમ્બર ૧૯૯૬ના રોજ ભારતીય ડાક વિભાગ દ્વારા સલીમ અલીની જન્મ શતાબ્દી પ્રસંગે ટપાલ  ટિકિટ બહાર પાડવામાં આવી. બે ટિકિટના આ સેટમાં એક ટિકિટ પર ભરતપુર પક્ષી અભયારણ્યમાં સારસ અને બીજી ટિકિટ પર સલીમ અલી જોવા મળે છે. ૧૯૮૫માં તેમની આત્મકથા 'ધ ફોલ ઓફ સ્પેરો' (ચકલીનું પતન) લખી જેમાં તેમણે બોમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટીના સ્વપ્નિલ ભવિષ્ય અને પક્ષી સંરક્ષણના મહત્ત્વ વિષે વિશદતાથી લખ્યુ છે.  ર૦૦૭માં તેમના વિદ્યાર્થી તારા ગાંધી દ્વારા તેમના ટૂંકા પત્રો અને અન્ય લખાણોનું સંપાદન પ્રકાશિત કરાયું. ૯૦ વર્ષની ઉંમરે ૨૦મી જૂન ૧૯૮૭ના રોજ પ્રોસ્ટેટ કેન્સરના કારણે તેમનું મુંબઈ ખાતે અવસાન થયું.

(11:21 am IST)