Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

રાજસ્થાન-ગુજરાતનું શિરમોરસમું હિલ સ્ટેશન માઉન્ટ આબુ વિકાસ ઝંખી રહયું છે

દર વખતે ૧૫ લાખ પર્યટકોની આવન-જાવનઃ પાકિંર્ગ-રસ્તાની તાતી જરૂરીયાતઃ આબુ રોડથી ૧૯ કિલોમીટરનો એક માત્ર રસ્તોઃ વાવાઝોડા-કુદરતી આફતના સંજોગોમાં માર્ગ બંધ થાય ત્યારે રહેવાસીઓ-મુસાફરોને ભોગવવી પડતી હાલાકીનો ઉકેલ કયારે?

માઉન્ટ આબુ, તા., ૧૩:  રાજસ્થાન-ગુજરાત રાજયનું શિરમોરસમું હિલ સ્ટેશન એટલે માઉન્ટ આબુ. ગુજરાતીઓનું પ્રથમ પસંદગીનુ પર્યટન સ્થળ એટલે માઉન્ટ આબુ.  જન્માષ્ટમી, ઉનાળુ વેકેશન, દિવાળીની રજાઓ હોય કે વિક એન્ડ હોલીડે હોય સૌરાષ્ટ્ર-ગુજરાતના લોકોના રસ્તા માઉન્ટ આબુ તરફ ફંટાઇ જાય છે. ભવ્ય ઐતિહાસિક વારસો ધરાવતું આ હિલ સ્ટેશન વિકાસ ઝંખી રહયંુ છે. રોડ-રસ્તા-ગટરના નામે મીંડુ છે. અહીં દર વર્ષે આવતા ૧પ લાખ પર્યટકોને પાર્કિંગ મેળવવા હવાતીયા મારવા પડે છે. હિલ સ્ટેશનનો તાકીદે વિકાસ થાય તે અત્યંત જરૂરી બની ગયું છે.

 ભારે વરસાદ અને વાવાઝોડાના સંજોગોમાં અનેક દિવસો સુધી અહિંયાનો વાહન વ્યવહાર ઠપ્પ થઇ જાય છે. આબુ રોડથી માઉન્ટ આબુ સુધીનો ૧૯ કિલોમીટરનો એક માત્ર રસ્તો બ્રિટીશર સમયનો છે. આઝાદ થયા બાદ વૈકલ્પીક રસ્તાની તાતી જરૂર હોવા છતાં રાજસ્થાન કે કેન્દ્ર સરકારે આ દિશામાં કાંઇ જ ઉકાળ્યું નથી.

બ્રિટીશ શાસનમાં  વસેલા માઉન્ટ આબુ  ઉપર રાજયપાલથી લઇને મંત્રીઓ અને અફસરો અવાર-નવાર ફરવા પહોંચી જાય છે પરંતુ અહિંના વિકાસ માટે કંઇક કરવાની કોઇને ખેવના નથી. દર વર્ષે ૧પ લાખ મુસાફરો અહીંયા આવે છે. નક્કી લેક, સનસેટ પોઇન્ટ, ટ્રાવેલ ટ્રેક અને અર્બુદાચલ જેવા પર્યટન સ્થળો મુસાફરો માટે આકર્ષણનું કેન્દ્ર છે.  હિલ સ્ટેશન ઉપર પુરતુ પાણી પુરૂ પાડવા માટે બનાવવામાં આવેલી સાલગાવ પરીયોજના છેલ્લા દસકાથી ધૂળ ખાય છે.  આ અંતર્ગત  ડેમનું નિર્માણ કરવાની યોજના છે. વર્તમાનમાં કોઘરા ડેમમાંથી પાણી લાવવામાં આવે છે.

હિલ સ્ટેશન ઉપર પાર્કીંૅગનો  પ્રશ્ન અત્યંત વિકટ બની ચુકયો છે. હરવા-ફરવાની સીઝનમાં પોલોગ્રાઉન્ડને પાર્કીંગમાં તબદીલ કરી નાખવામાં આવે છે તેમ છતા કિલોમીટરો સુધી ટ્રાફીક જામના દ્રશ્યો સામાન્ય બની જાય છે. હિલ સ્ટેશન ઉપર ર૩ જુલાઇ ર૦૦૭ના ૩૪.૩૭ કરોડની સીવરેજ યોજનાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં પ૪ કિલોમીટર વિસ્તારમાં ભુગર્ભ લાઇન બીછાવવાની યોજના છે. રર જુલાઇ ર૦૧૦ સુધીમાં આ કામ પુરૂ કરવાનું હતું હજુ સુધીમાં ૪ કંપનીઓ બદલી ચુકી છે છતાં આ યોજના પુરી થઇ શકી નથી. ર૦૧૮માં ૬૦ કરોડનું બજેટ આ યોજના માટે ફાળવી ફરીથી કામ શરૂ કરવામાં આવ્યું છે.

વર્તમાનમાં માઉન્ટ આબુ જવા માટેનો એક માત્ર રસ્તો આબુ રોડથી માઉન્ટ સુધી ૧૯ કિલોમીટરનો છે. જયારે જયારે પ્રાકૃતિક આપત્તિ આવે છે ત્યારે કે કોઇ અકસ્માત સર્જાય ત્યારે દિવસો સુધી આ માર્ગ બંધ થવાના કારણે માઉન્ટ આબુનો સંપર્ક દેશ-દુનિયાથી તૂટી જાય છે. અતિવૃષ્ટિને કારણે ર૦૧૭માં માઉન્ટ આબુ ૧૬ દિવસ સુધી દેશના અન્ય ભાગોથી કપાયેલું રહયું હતું. આ વખતે પણ બે દિવસ રસ્તો બંધ રહયો હતો. પાંચ વર્ષ પહેલા વૈકલ્પીક રસ્તાની યોજના  બનાવવામાં આવી છે પરંતુ માત્ર કાગળ પર ! ગુલાબગંજથી માઉન્ટ સુધી વૈકલ્પીક રસ્તો વર્ષો પહેલા બનાવી દેવાયો છે. ૬ કિલોમીટર ડામર માર્ગ બની ચુકયો છે. કેટલાક પુલ બનાવાયા છે પરંતુ હવે કામ ઠપ્પ પડયું છે. માઉન્ટ આબુ ઝડપી વિકાસ ઝંખી રહયું છે.

(10:36 am IST)