Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

IIT મદ્રાસ વિકસાવે છે ભૂકંપની આગાહી કરવાની નવી રીત : ભૂકંપનો સિગ્નલ આપતા પ્રાથમિક તરંગોને શોધી કરશે એલર્ટ

ભૂકંપ સાથે સંકળાયેલા બિન-વિનાશક તરંગોના આગમન વિશે સચોટ માહિતી મળશે તો તેની આગાહી કરી શકાય અને ભૂકંપના થોડા સમય પહેલા માહિતી મળી જશે

નવી દિલ્હી :ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT), મદ્રાસના વૈજ્ઞાનિકોએક નવી પદ્ધતિ વિકસાવી રહ્યા છે જે ભૂકંપ વિશે ચોક્કસ માહિતી પ્રદાન કરશે. તેની મદદથી ખૂબ જ ઓછા સમયમાં લોકોનો જીવ બચાવી શકાય છે.

IIT મદ્રાસના વૈજ્ઞાનિકો ભૂકંપ જેવી મોટી ઘટનાથી કેવી રીતે લોકોને પહેલેથી જ જાણ કરીને બચાવી શકાય અને ઓછુ નુકસાન થઈ શકે તે માટે પ્રયત્નો કરી રહ્યા છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જો આપણને ભૂકંપ સાથે સંકળાયેલા બિન-વિનાશક તરંગોના આગમન વિશે સચોટ માહિતી મળે તો તેની આગાહી કરી શકાય છે. જો કે આ માહિતી ભૂકંપના થોડા સમય પહેલા મળશે. આ સંશોધન IIT મદ્રાસના કેમિકલ એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર અરુણ કે ટંગીરાલા અને પીએચડી સ્કોલર કંચન અગ્રવાલ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે.

 

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ભૂકંપનો પહેલો સંકેત આપતી પ્રાથમિક તરંગોને સચોટ રીતે શોધીને લોકોને સમયસર એલર્ટ કરી શકાય છે. આ પ્રાથમિક તરંગો દ્વારા ભૂકંપની આગાહી કરવામાં આવશે. આ પ્રાથમિક તરંગોને કારણે પૃથ્વી સંકોચાય છે અને ખેંચાય છે. આ તરંગોની માહિતી મળતા જ ભૂકંપની આગાહી કરવામાં આવે છે.

કેટલીકવાર તેમની સચોટ માહિતી સમય સમય પર ઉપલબ્ધ હોતી નથી. આઈઆઈટી મદ્રાસના વૈજ્ઞાનિકોએ આ તરંગોની ચોક્કસ માહિતી મેળવવાનો માર્ગ વિકસાવ્યો છે. હવે વેવ ડિટેક્ટર આવા તરંગોને વાસ્તવિક સમયમાં શોધી કાઢે છે.

પૃથ્વી ચાર પ્રકારના સ્તરોથી બનેલી છે. આમાં આંતરિક કોર, બાહ્ય કોર, આવરણ અને પોપડાનો સમાવેશ થાય છે. પોપડા અને આંતરિક કોર સ્તરને લિથોસ્ફિયર કહેવામાં આવે છે. તે 50 કિમીનું જાડું પડ છે, જે ઘણા ભાગોમાં વહેંચાયેલું છે. આને ટેક્ટોનિક પ્લેટ્સ કહેવામાં આવે છે. જ્યારે પણ આ ટેકટોનિક પ્લેટ્સ તેમની જગ્યાએથી ખસે છે, ત્યારે ભૂકંપના આંચકા અથવા મોટાપાયે ધરતીકંપ આવે છે.

IIT મદ્રાસના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જો ભૂકંપની જાણ 30 સેકન્ડથી 2 મિનિટ પહેલા કરવામાં આવે તો મોટા પ્રમાણમાં નુકસાનથી બચી શકાય છે. દાખલા તરીકે લોકોને એવી જગ્યાઓથી દૂર રહેવા માટે કહી શકાય કે જ્યાં ખતરો વધારે હોય, જેમ કે ન્યુક્લિયર રિએક્ટર, લિફ્ટ, મેટ્રોને માહિતી મળ્યાના થોડા જ સમયમાં બંધ કરી શકાય છે

(12:00 am IST)