Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

ઓડ ઇવન સ્થાયી સમાધાન નથી : સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા

પ્રદૂષણને લઇને સુપ્રીમ કોર્ટે જોરદાર લાલઆંખ કરી : દિલ્હી, કેન્દ્ર સરકાર, પંજાબ, હરિયાણા અને ઉત્તરપ્રદેશને સ્પષ્ટ સૂચનાઓ આપી : ઓડ ઇવન પ્રશ્ને સોમવારે નિર્ણય

નવીદિલ્હી, તા. ૧૫ : પાટનગર દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં વધતા પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરીને સાફ શબ્દોમાં કહ્યું છે કે, ઓડ ઇવન સ્કીમ પ્રદૂષણને પહોંચી વળવા માટે સ્થાયી સમાધાન નથી પરંતુ એક વૈકલ્પિક વ્યવસ્થા તરીકે છે. સુપ્રીમે કહ્યું છે કે, કેન્દ્ર સરકાર પ્રદૂષણને પહોંચી વળવા માટે એર પ્યોરિફાયર લગાવવાને લઇને રોડમેપ રજૂ કરે તે જરૂરી છે. પ્રદૂષણને લઇને આક્રમક વલણ અપનાવનાર સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને પણ સીધા પ્રશ્નો કર્યા હતા. ઓડ ઇવનથી દિલ્હીને પ્રદૂષણથી કોઇ રાહત મળી છે કે કેમ તે અંગે પ્રશ્નો કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે ઉત્તરપ્રદેશ, હરિયાણા અને દિલ્હીના મુખ્ય સચિવોને પણ સમન્સ ફટકારી દીધા છે. દિલ્હી સરકારને શ્રેણીબદ્ધ પ્રશ્નો કરવામાં આવ્યા છે. દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરતા કહ્યું હતું કે, ઓડ ઇવનના કારણે દિલ્હીમાં પ્રદૂષણના સ્તરમાં ૫-૧૫ ટકા સુધીનો ઘટાડો થયો છે.

                        સરકારે એમ પણ કહ્યું હતું કે, જો આ સ્કીમમાં કોઇને પણ છુટછાટ ન આપવામાં આવે તો વધારે સારા પરિણામ મળી શકે છે. દિલ્હી સરકારે દોહરાવ્યું હતું કે, પાટનગરમાં પ્રદૂષણનું મુખ્ય કારણ ખેતીના અવશેષોને સળગાવી દેવા માટેનું છે. ગયા વર્ષે ઓડ ઇવનની અસર પર કોઇ અભ્યાસની કામગીરી હાથ ધરાઈ ન હતી. સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને પ્રદૂષણ મુદ્દે વેધક પ્રશ્નો કર્યા હતા. લોકો શ્વાસ કઈ રીતે લે. પ્રદૂષણને રોકવા કયા પગલા લેવાઈ રહ્યા છે તેવા પ્રશ્નો કરાયા હતા. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે, અમે પ્રદૂષણ ઉપર નિયંત્રણ મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે પરંતુ કુદરત અમારી સાથે દેખાઈ રહી નથી. બીજી બાજુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે કહ્યું હતું કે, પાટનગર દિલ્હીમાં હાલમાં ઓડ ઇવનની અવધિને લંબાવવામાં આવશે નહીં. જો કે, સરકાર વેઇટ એન્ડ વોચ મુડમાં છે. ભાવિ ફેંસલો સોમવારના દિવસે કરવામાં આવશે.

                         આ ઉપરાંત કેજરીવાલે અન્ય એક મોટો નિર્ણય પણ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, હવે દિલ્હીમાં સેપ્ટીક ટેંકની સફાઈ ફ્રીમાં કરવામાં આવશે. આગામી બે દિવસમાં કેટલીક બાબતો સ્પષ્ટ થઇ શકે છે. કેજરીવાલે ઓડ ઇવનના મુદ્દા પર પ્રજાને શુભેચ્છા પાઠવી હતી. બે કરોડની વસ્તીમાં દરરોજ ૨૫૦થી ૩૦૦ ચાલાણ કાપવામાં આવ્યા છે. દિલ્હીમાં સામાન્યરીતે ૩૦ લાખ ગાડીઓ માર્ગ ઉપર ઉતરે છે. ઓડ ઇવનમાં ૧૫ લાખ ગાડીઓ ઉતરે છે. આવી સ્થિતિમાં પ્રદૂષણ ઘટે છે. બીજી બાજુ દિલ્હીમાં પ્રદૂષણને લઇને બેઠક બોલાવવામાં આવી હતી પરંતુ બેઠકમાં ગેરહાજર રહેલા ગૌત્તમગંભીર ઇન્દોરમાં જલેબીની મજા માણતા નજરે પડતા ફોટાઓ વાયરલ કરવામાં આવ્યા છે. પૂર્વીય દિલ્હીમાંથી ભાજપના સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌત્તમ ગંભીરના કેટલાક ફોટાઓ વાયરલ થયા છે જેમાં તે વીવીએસ લક્ષ્મણ અને કોમેન્ટેટર સાથે જલેબીની મજા માણતા નજરે પડી રહ્યો છે.

(7:54 pm IST)