Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

દાયચી સાંકિયો કેસમાં સિંહ બંધુઓ અપરાધી જાહેર થયા

૩૫૦૦ કરોડ રૂપિયા ન ચુકવવાનો મામલો : જાપાનની કંપનીના કેસમાં દોષિત ઠેરવીને સુપ્રીમકોર્ટે કઠોર આદેશ જારી કર્યો : માલવિન્દર-શિવિન્દરની મુશ્કેલી વધી

નવીદિલ્હી, તા. ૧૫ : સુપ્રીમ કોર્ટે દેશની દિગ્ગજ દવા કંપની રેનબેક્સીના પૂર્વ પ્રમોટર બંધુ માલવિંદર અને સિવિન્દરસિંહને જાપાની કંપની દાયચી સાંકિયો કેસમાં તિરસ્કારના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. દવા બનાવનાર દાયચી સાંકિયોએ ૩૫૦૦ કરોડ રૂપિયા ન ચુકવવાના મામલે સિંહ બંધુઓની સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. દાયચીએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરીને માંગ કરી હતી કે, સિંહ બંધુઓને ટ્રીબ્યુનલના આદેશને પાળવા માટે ફરજ પાડવામાં આવે તે જરૂરી છે. સ્વતંત્રતાથી પહેલા રણજીત અને ગુરબક્ષ નામના બે ભાઈઓએ મળીને દવાની એક ડિસ્ટ્રીબ્યુશન કંપનીની શરૂઆત કરી હતી. રણજીતના નામની શરૂઆતના અક્ષર અને ગુરબક્ષના છેલ્લા અક્ષર રનબેક્ષ મળીને રેનબેક્સીની શરૂઆત કરી હતી પરંતુ આ કંપનીને વર્ષ ૧૯૪૭માં આ લોકોએ મોહનસિંહને વેચી દીધી હતી. ત્યારબાદ તેમના પુત્ર પરવિન્દરસિંહે કંપનીની જવાબદારી સંભાળી હતી અને આ કંપનીએ ખુબ પ્રગતિ કરી હતી. ૨૦૦૦માં પરવિન્દરસિંહના આવસાન બાદ તેમના પુત્રો માલવિન્દર અને શિવિન્દરે કંપનીની જવાબદારી સંભાળી હતી.

                   બંને ભાઈઓની બરબાદીની પટકથા ૨૦૦૮માં શરૂ થઇ હતી જ્યારે રેનબેક્ષીમાં પોતાની હિસ્સેદારી જાપાનની કંપની દાયચી સાંકિયોને વેચી દેવામાં આવી હતી. ૯૫૭૬ કરોડ રૂપિયામાં હિસ્સેદારી વેચી દેવામાં આવી હતી. આ પૈસા પૈકી તેઓએ ૨૦૦૯ અને ૨૦૧૦માં ૨૦૦૦ કરોડ રૂપિયા દેવા અને ટેક્સરૂપે ચુકવી દીધા હતા અને ત્યારબાદ ૧૭૦૦ કરોડ રૂપિયા રેલીગેરમાં અને ૨૨૩૦ કરોડ રૂપિયા હોસ્પિટલ ચેઇન ફોર્ટીઝમાં રોકાણ કરાયા હતા. રેલીગર અને ફોર્ટિઝે પણ ૨૦૧૦-૨૦૧૪માં વિસ્તરણ કર્યું હતું પરંતુ મંદી આવવાથી દેવું થઇ ગયું હતું જેથી બંને ભાઈઓને બોર્ડમાંથી કાઢી મુકાયા હતા.

(7:53 pm IST)