Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

મહારાષ્ટમાં કેબિનેટમાં શિવ સેનાના કુલ ૧૬ સભ્ય રહેશે

મુસદ્દા સીએમપીને આખરી ઓપ આપી દેવાયો : કેબિનેટમાં એનસીપીના ૧૪ તેમજ કોંગ્રેસના ૧૨ સભ્યો

નવીદિલ્હી, તા. ૧૫ : મહારાષ્ટ્રમાં સરકાર રચવાને લઇને ૪૦ મુદ્દાના કોમન મિનિમમ પ્રોગ્રામને આખરીઓપ આપી દેવામાં આવ્યા બાદ સરકાર રચવાની શક્યતા ઉજળી બની છે. ખાતાઓની ફાળવણીને લઇને વાતચીત થઇ ચુકી છે. મહારાષ્ટ્રમાં સરકારની રચના કરવાને લઇને શિવ સેના, એનસીપી અઆને કોંગ્રેસ વચ્ચે આખરે મોટા ભાગના વિષય પર સહમતિ થઇ ગઇ હોવાના હેવાલ મળ્યા છે. નવી સરકારમાં કોની પાસે કેટલા ખાતા રહેશે તે બાબત પણ નક્કી કરી લેવામાં આવી છે. સાથે સાથે ૪૦ મુદ્દાના કોમન મિનિમમ પ્રોગ્રામ (સીએમપી)ને આખરી ઓપ આપી દેવામા આવ્યા બાદ હવે સરકાર રચવા આડે વધારે કોણ ગુંચ દેખાઇ રહી નથી. શિવ સેના, એનસીપી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની બેઠક ગઇકાલે રાત્રે મળી હતી. જેમાં તમામ બાબતો પ સહમતિ થઇ હતી. સરકાર રચવાની દિશામાં પ્રથમ નક્કર પહેલ થઇ ચુકી છે. તમામ બાબતો હવે ત્રણેય પાર્ટીના વડા સમક્ષ રજૂ કરવામાં આવ્યા બાદ તેને અંતિમ ઓપ અપાશે. ત્યારબાદ તેમાં અભ્યાસ કરવામાં આવ્યા બાદ ૧૯મી નવેમ્બર સુધીમાં ફાઇનલ બ્લુ પ્રિન્ટ જારી કરવામાં આવી શકે છે.  સીએમપીના મુસદ્દાને આખરી આપ આપી દેવામાં આવ્યા બાદ હવે સત્તા વહેંચણી પર કામ શરૂ કરી દેવામાં આવ્યુ છે. જાણવા મળેલી માહિતી મુજબ વ્યાપક સર્વસમતિ પણ આમાં થઇ છે. જેમાં શિવ સેનાને ૧૬ કેબિનેટ સભ્યો મળશે.

                             એનસીપીના ૧૪ અને કોંગ્રેસના ૧૨ ખાતા રહેશે. સ્પીકર કોંગ્રેસ પાર્ટી તરફથી રહી શકે છે. શિવ સેના તરફથી ડેપ્યુટી સ્પીકર રહેશે. વિધાન પરિષદના અધ્યક્ષનો હોદ્દો એનસીપીની પાસે રહેશે. ડેપ્યુટી શિવ સેનાના રહેશે. મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાનના મામલે હજુ સુધી કોઇ નિર્ણય કરી શકાયો નથી.આ મુસદ્દાને સોનિયા ગાંધી, શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેની પાસે મોકલી દેવામાં આવ્યો છે. સોનિયા ગાંધીની મંજુરી મળતા રાજ્યમાં શિવસેનાના નેતૃત્વમાં એનસીપી અને કોંગ્રેસની સરકારનો હિસ્સો બનશે.મહારાષ્ટ્રને સ્થિર સરકાર આપવા માટે શિવસેના, એનસીપી અને કોંગ્રેસ દ્વારા રાજ્યસ્તરીય નેતાઓની એક કાર્યક્રમ નક્કી કરવા બેઠખ યોજી હતી. ત્રણેય પાર્ટીઓના નેતાઓએ ખુલ્લા દિલથી બેઠકમાં હાજરી આપી હતી. મુસદ્દાને આખરી ઓપ આપવા માટે કોઇપણ પ્રકારની તકલીફ નડી ન હતી. રાજ્યની પ્રજા અને ખેડૂતોના હિતમાં વહેલીતકે નિર્ણય લેવામાં આવે તેવા સંકેત મળી રહ્યા છે. ૧૭મી અને ૨૦મી નવેમ્બરની વચ્ચે મહારાષ્ટ્રમાં નવી સરકારની રચના થઇ શકે છે. એનસીપીના સુત્રોનું કહેવું છે કે, પાર્ટી વડા શરદ પવાર ૧૬મી નવેમ્બરના દિવસે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળી શકે છે જેના આધાર પર અંતિમ નિર્ણય લેવામાં આવશે.

(7:45 pm IST)