Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

સરકાર રચવાની પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે : શરદ પવારે કરેલો દાવો

મધ્યસત્ર ચૂંટણીની કોઇપણ શક્યતા હોવાનો સાફ ઇન્કાર કર્યો : શિવસેના, એનસીપી તેમજ કોંગ્રેસની સરકાર પાંચ વર્ષની અવધિ પૂર્ણ કરશે સીએમપી આધાર પર કામ થશે : કોંગ્રેસ-એનસીપી હંમેશા રચનાત્મક રહેશે

નાગપુર, તા. ૧૫ : એનસીપીના વડા શરદ પવારે આજે કહ્યું હતું કે, શિવસેના, એનસીપી અને કોંગ્રેસની સરકાર રચવામાં આવી રહી છે. આ રચના કરવાની પ્રક્રિયા પણ શરૂ થઇ ચુકી છે. તેમણે કહ્યું હતું કે, મધ્ય સત્ર ચૂંટણીને લઇને કોઇપણ શક્યતા અને પ્રશ્ન રહેતો નથી. આ ગઠબંધન સરકાર પાંચ વર્ષ પૂર્ણ કરશે. મહારાષ્ટ્રમાં મધ્યસત્ર ચૂંટણીની ચાલી રહેલી અટકળોનો તેઓએ અંત આણી દીધો હતો. મહારાષ્ટ્રમાં હાલ રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવામાં આવેલું છે. તેમણે કહ્યું હતું કે, ત્રણ પક્ષો સ્થિર સરકારની રચના કરવા માટે ઇચ્છુક છે. આ સરકાર વિકાસલક્ષી રહેશે. મધ્યસત્ર ચૂંટણીની કોઇપણ સંભાવના નથી. સરકાર રચવામાં આવશે અને પાંચ વર્ષ પુરા કરશે. પવારે પત્રકારો સાથે વાતચીત કરતા કહયું હતું કે, સરકારની રચનાને લઇને તમામ બાબતો નક્કી થઇ ચુકી છે. હવે માત્ર ઔપચારિકતા બાકી રહી છે. જો કે, મુખ્યમંત્રી પદને લઇને હજુ પણ ભારે સસ્પેન્સની સ્થિતિ બનેલી છે.

                             ભાજપે રાજ્યમાં સરકારની રચના કરવા માટે એનસીપી સાથે કોઇ ચર્ચા કરી હતી કે કેમ તે અંગે પૂછવામાં આવતા પૂર્વ કેન્દ્રીયમંત્રીએ કહ્યું હતું કે, તેમની પાર્ટીએ શિવસેના સાથે જ વાતચીત કરી હતી. કોંગ્રેસ અને તેના સાથી પક્ષો સાથે કોઇ લેવા-દેવા ન હતા. બીજી બાજુ તેમણે કહ્યું હતું કે, હાલમાં ત્રણ પક્ષો સીએમપી ઉપર કામ કરી ચુક્યા છે. આ સીએમપી રાજ્યમાં ઉચિત સરકારના પગલા માટે માર્ગદર્શન કરશે. ત્રણેય પક્ષોના પ્રતિનિધિઓએ ગુરુવારના દિવસે મુંબઈમાં બેઠક યોજી હતી અને ત્યારબાદ ડ્રાફ્ટ સીએમપીને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસની ઝાટકણી કાઢતા પવારે કહ્યું હતું કે, સરકાર તેની અવધિ પૂર્ણ કરશે. ફડનવીસે કહ્યું હતું કે, શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની સરકાર છ મહિના પણ ટકી શકશે નહીં. પવારે કહ્યું હતું કે, તેઓ છેલ્લા કેટલાક વર્ષથી ફડનવીસને ઓળખે છે પરંતુ તેઓ જ્યોતિષના પણ વિદ્યાર્થી છે તે અંગે તેમની પાસે માહિતી ન હતી. ફડનવીસના મામલામાં પવારે આક્રમક પ્રતિક્રિયા આપી હતી. પવારે ઉમેર્યું હતુંકે, આ બાબત યોગ્ય છે કે, તેઓ હંમેશા અન્યોને લઇને વિચારતા રહે છે. તેમની પાર્ટી હિન્દુત્વના મુદ્દાને ટેકો આપશે કે કેમજ્યારે શિવસેના દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવશે. આ અંગે પવારે કહ્યું હતું કે, કોંગ્રેસ અને એનસીપીએ સીએમપી ઉપર ચર્ચા કરવા ગુરુવારના દિવસે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં પાર્ટીના નેતાઓ સાથે બેઠક યોજી હતી. ૭૮ વર્ષીય મરાઠા નેતાએ કહ્યું હતું કે, કોંગ્રેસ અને એનસીપીએ હંમેશા બિનસાંપ્રદાયિકતાને લઇને વાત કરી છે.

(7:44 pm IST)