Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

શિવસેના આગામી ૨૫ વર્ષ સુધી મહારાષ્ટ્રમાં સરકાર ચલાવશે

સંજય રાઉતનું નિવેદન : કોંગ્રેસ ભરપેટ કર્યા વખાણ

મુંબઈ,તા.૧૫: મહારાષ્ટ્રમાં આગામી સરકાર શિવસેનાના નેતૃત્વમાં જ બનશે અને કોંગ્રેસ તેમજ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) સાથે કોમન મિનિમમ પ્રોગ્રામ નક્કી કરવામાં આવી રહ્યો છે જે રાજયના હિતમાં જ હશે તેમ શિવસેનાના પ્રવકતા અને રાજયસભાના સાંસદ રંજય રાવતે જણાવ્યું હતું. રાવતે દાવો કર્યો હતો કે, ઉદ્ઘવ ઠાકરેના નેતૃત્વ હેઠળ જ મહારાષ્ટ્રમાં શિવસેના ફકત પાંચ વર્ષ જ નહીં પણ આગામી ૨૫ વર્ષ સુધી સરકાર ચલાવશે.

રાવતનો આજે ૫૮મા જન્મદિવસ છે અને તેમણે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન વચ્ચે કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાના ગઠબંધનમાં સરકાર રચવાના મુદ્દે કેટલાક પ્રશ્નોના જવાબ આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, એનસીપી તેમજ કોંગ્રેસ સાથે કોમન મિનિમમ પ્રોગ્રામને લઈને વાતચીત ચાલુ છે. કોઈ એક પક્ષની સરકાર હોય કે ગઠબંધનની સરકાર હોય પરંતુ ગર્વનન્સનો એજન્ડા મહત્વનો રહે છે. કેટલાક માળખાકીય પ્રોજેકટ્સને આગળ ધપાવવાની જરૂર છે. દુકાળ તેમજ માવઠા જેવી ગંભીર સ્થિતિનો પડકાર છે જેને સરકારે ઉકેલવાનો છે. અમારી સાથે ગઠબંધન કરવા આગળ આવ્યા છે તેઓ વહીવટમાં બહોળો અનુભવ ધરાવે છે. અમને તેમના અનુભવનો લાભ થશે.

કોંગ્રેસ લાંબા સમયથી કટ્ટર રાજકીય હરિફ હોવાના મુદ્દે રાવતે જણાવ્યું કે, તે દેશની સૌથી જૂની પાર્ટી છે અને દેશની સ્વતંત્રતા ચળવળ તેમજ મહારાષ્ટ્રના વિકાસમાં તેમને ફાળો રહેલો છે. શું શિવસેના અઢી-અઢી વર્ષ માટે સીએમ પદ ફેરવવા માટે સહમત થશે તેવા સવાલના જવાબમાં રાવતે જણાવ્યું કે, આગામી ૨૫ વર્ષ સુધી મહારાષ્ટ્રમાં શિવસેનાનો જ સીએમ રહેશે. શિવસેનાના જનક બાલાસાહેબ ઠાકરે છે અને ૧૯૬૬માં  પાર્ટી અસ્તિત્વમાં આવી હતી જે ૫૦ વર્ષથી વધુ સમયથી સક્રિય રાજકારણમાં છે. જો કે તેમણે ગઠબંધન માટે કયા મુદ્દા પર વિચારણા થઈ રહી છે તે અંગે સ્પષ્ટતા કરી નહતી.

(3:48 pm IST)