Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

RBI રેપો રેટમાં હજુ ૪૦ બેસિસ પોઇન્ટનો ઘટાડો કરશે

મેરિલ લિન્ચના રિપોર્ટ અનુસાર RBI ડિસેમ્બરમાં રપ અને ફેબ્રુ.માં ૧પ bps ઘટાડશે

નવી દિલ્હી તા. ૧પઃ અર્થતંત્રમાં છવાયેલી મંદી વચ્ચે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા આગામી સમયમાં રેપો રેટમાં હજુ વધુ કાપ મુકી શકે છે. એક અહેવાલ અનુસાર આરબીઆઇ ફેબ્રુઆરી ર૦ર૦ સુધી રેપો રેટમાં ૪૦ બેસિસ પોઇન્ટનો કાપ મુકશે. હાલ રેપો રેટ પ.૧પ ટકા છે. જે વર્ષે ર૦૧૦ બાદ સૌથી નીચા સ્તરે છે.

રિવર્સ રેપો રેટ પણ અત્યારે ૪.૯૦ ટકા છે. વિદેશી બ્રોકરેજ ફર્મ બેન્ક ઓફ અમેરિકા મેરિલ લિન્ચના રિપોર્ટ અનુસાર રિઝર્વ બેન્ક ડિસેમ્બરમાં રેપો રેટમાં રપ બેસિસ પોઇન્ટ અને ફેબ્રુઆરીમાં ૧પ બેસિસ પોઇન્ટનો ઘટાડો કરશે, જોકે ફુગાવાનો દર સતત વધી રહ્યો છે. જેને લઇને કેટલાક આર્થિક નિષ્ણાતોનું માનવું છે કે રિઝર્વ બેન્ક હવે રેપો રેટમાં મોટી રાહત આપશે નહીં.

કેટલાક આર્થિક નિષ્ણાતોનું એવું પણ કહેવું છે કે નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦ના પ્રથમ છ માસમાં ઓછા ફુગાવાના કારણે આરબીઆઇ સતત ઘટાડી રહી હતી, પરંતુ હવે બીજા છ માસમાં સ્થિતિ સુધરતાં ઓકટોબરમાં ફુગાવાનો દર રિઝર્વ બેન્કની અપેક્ષા કરતા વધી ગયો છે. એસબીઆઇના રિસર્ચ રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ ર૦ર૦માં રિટેલ ફુગાવાનો દર ચાર ટકાની આસપાસ હશે. આ સંજોગોમાં હવે આગામી મહિને યોજાનાર આરબીઆઇની મોનેટરી પોલિસીની બેઠકના નિર્ણય પર સૌની મીટ રહેશે.

(3:33 pm IST)