Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

ચીની ઓટો કંપનીઓ ભારતમાં ઇલેકટ્રીક વાહનો માટે ૩૫ હજાર કરોડનું રોકાણ કરશે

મુંબઇ  :   દેશની મોટી કાર કંપનીઓ જયારે રોકાણ કરવામાં ખચકાટ અનુભવી રહી છે ત્યારે ચીનની કંપનીઓને ભારતીય ઓટો બજારમાં મોટી તક દેખાઇ રહી છે. અત્યારસુધી ભારતીય ઓટો ઇન્ડસ્ટ્રીને દુનિયામાં સોૈથી ઝડપથી વધતુ બજાર ગણવામાં આવ્યું હતું પણ છેલ્લા થોડા સમયથી ગાડીઓનું સતત ઘટી રહેલુ વેચાણ કંપનીઓ માટે ચિંતાનો વિષય બની ગયું છે.

ઓછામાં ઓછી અડધો ડઝન ચીની ઓટો કંપનીઓ આગામી ૩ થી ૫ વર્ષમાં ભારતમાં ૫ અબજ ડોલર (૩૫૦૦૦ કરોડ રૂપિયા) થી પણ વધારે રોકાણ કરવા જઇ રહી છે. તેઓ પોતાના વિક્રેતા સાથે મળીને ભારતમાં આ રોકાણ કરશે. એમ.જી.મોટર્સ અને બીવાયડીએ તો પહેલાથી રોકાણ કરેલું છે. ગ્રેટ વોલ મોટર્સ, એગેન અને બેઇકી ફોટોન ટુંક સમયમાં ભારતમાં ફેકટરી લગાવવાની છે.

ગિલી અને ચૈરી જેવી મોટી કંપનીઓ પણ પોતાના વૈશ્વિક આયોજનમાં ભારતને સામેલ કરી રહી છે. એમ.જી. મોટરે ભારતમાં બીજા તબક્કાના રોકાણની યોજના બનાવી લીધી છે. બીવાયડી બસો ઉપરાંત ઇલેકટ્રીક વાહનો પર દાવ લગાવવા તૈયાર છે. ગ્રેટવોલ અને ચેગેંન જેવી કંપનીઓ છેલ્લા ૨ થી ૩ વર્ષોથી ભારતીય બજારનો અભ્યાસ કરી રહી હતી, હવે તે અહીં પોતાની ઓફીસ ખોલ્યા પછી મેન્યુફેકચરીંગ યુનિટ શરૂ કરવાની છે.

ઉલ્લેખનીય વાત એ છે કે ચીનની ઓટો કંપનીઓ ભારતીય ઓટો બજારમાં આટલુ રોકાણ કરવા આગળ વધી રહી છે, ત્યારે ભારતીય ઓટો કંપનીઓ નવા રોકાણ કરવામાં ખચકાટ અનુભવી રહી છે.

(3:32 pm IST)