Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

ગુજરાતને ફરતે કોંગ્રેસની રાજકીય ઘેરાબંધી : રાજસ્થાન,મધ્યપ્રદેશ અને હવે મહારાષ્ટ્ર ?

છેલ્લા એક વર્ષમાં ત્રણ હિન્દી પટ્ટાના મહત્વના રાજ્યો ભાજપને ગુમાવવાનો વારો આવ્યો

નવી દિલ્હી : મોદી મેજીક પર વિશ્વાસ રાખી 2019માં પ્રચંડ બહુમતી સાથે ભાજપની સરકાર બની ગઈ છે જોકે હાલમાં ભાજપ માટે આયારામ-ગયારામ જેવી સ્થિતિનું સર્જન થયું છે. ભાજપે 2018થી લઈને અત્યાર સુધીમાં ત્રણ મોટા રાજ્યો ગુમાવવાનો વારો આવ્યો છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં એક સાથે ચૂંટણી હતી. જેમાં નજીવી સરસાઈ મેળવી કોંગ્રેસ પાર્ટીએ બાજી અમારી લીધી છે  મહારાષ્ટ્રની ચૂંટણીમાં શિવસેનાએ ભાજપને મુખ્યપ્રધાન રૂપી ફૂંફાડો મારી તમામ સંબંધો કિનારે કરી નાંખ્યા. જેથી ગુજરાતના ત્રણ પાડોશી રાજ્યોમાં હવે કોંગ્રેસની સરકાર બની જશે તેવી પૂરી સંભાવના છે.

  આ સ્થિતિ એવી જ છે કે જ્યારે નરેન્દ્રભાઈ  મોદી તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા ત્યારે ગુજરાતના પાડોશી રાજ્યોમાં કોંગ્રેસનો દબદબો હતો જે ધીમે ધીમે ઘટ્યો અને હવે ફરી એક વખત વધી રહ્યો છે. જેમાંથી ગુજરાતે પણ વહેલી તકે બોધપાઠ લેવાની જરૂર છે. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની નજર હવે ગુજરાત પર છે. ગુજરાતમાં કોંગ્રેસની મજબૂત સ્થિતિ નથી પણ સરકાર સામે એન્ટિઇન્કમ્બસીનો માહોલ છે. ગુજરાતની પ્રજા પાસે મજબૂત વિકલ્પનો અભાવ છે. કોંગ્રેસ પ્રજાની નારાજગીનો ફાયદો ઉઠાવવા નવી રણનીતિ ઘડી રહ્યું છે. કોંગ્રેસ કોઈ પણ ભોગે ગુજરાતમાં મજબૂત થવા માટે પ્રયાસો કરી રહ્યું છે. મહારાષ્ટ્રમાં શિવસેના સરકાર બની તો ગુજરાતને 3 બાજુથી ઘેરવાની રણનીતી બનશે એ હવે ફાયનલ થઈ ગયું છે.

(1:33 pm IST)