Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

સ્કૂલમાં લંચ સમયે ઊકળતા સાંભારના તપેલામાં પડ્યો ૬ વર્ષનો બાળકઃ મોત

કુરનૂલ,તા.૧૫: આંધ્રપ્રદેશના કુરનૂલ માં ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. અહીં બુધવારે એક સ્કૂલમાં ઊકળી રહેલા સાંભારના તપેલામાં છ વર્ષનો બાળક પડી ગયો હતો. તપેલામાં પડતાં બાળકનું મોત થયું હતું. આ દુર્દ્યટના વિજયાનિકેતન સ્કૂલમાં બની હતી. આ બાળક આ જ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. ડી પુરુષોત્ત્।મ નામનો આ વિદ્યાર્થી યૂકેજીમાં ભણતો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે સાંભારના ગરમ તપેલામાં પડી ગયેલા બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. કુરનૂલ જનરલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

દુર્દ્યટના બાદ બાળકના માતાપિતા અને સંબંધીઓએ સ્કૂલ સામે વિરોધ પ્રદર્શન કરવાનું શરૂ કરી દીધું હતું. બાળકના પિતા શ્યામસુંદર રેડ્ડીએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, 'સંચાલકોની બેદરકારીને કારણે આવું થયું છે. અમે સ્કૂલ જયારે કહે ત્યારે હજારો રૂપિયાની ફી જમા કરાવી દઇએ છીએ, હવે મારા બાળકને કોણ પાછો લાવશે? એક બાળક ઊકળતા સાંભારના તપેલામાં કેવી રીતે પડી શકે? લંચ સમયે બાળકોની દેખરેખ રાખવા માટે કોઇ વ્યકિતને કેમ હાજર ન હતો? શું આ ગંભીર બેદરકારી નથી? આ મામલે પોલીસે સ્કૂલના સંચાલકો સામે ગંભીર બેદરકારીનો કેસ નોંધી લીધો છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે આ ગંભીર દુર્દ્યટના લંચ સમયે થઈ હતી. આ બાળક અન્ય બાળકો સાથે સાંભાર લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તે તપેલામાં પડી ગયો હતો. બાળકોની ભીડ વધારે હોવાથી તે સાંભારના વાસણમાં પડી ગયો હતો. આ મામલે સ્કૂલના સંચાલકોની બેદરકારી સ્પષ્ટ જોઈ શકાય છે. અમે સંચાલકો વિરુદ્ઘ કેસ દાખલ કરી દીધો છે.

(11:32 am IST)