Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

બેંકોને વધુ ૩.૮ લાખ કરોડનો ચુનો લાગશે

ડિફોલ્ટર કંપનીઓ સાથે સમાધાનની મુદત ૬ ડિસેમ્બરે પુરી થાય છે

મુંબઇ તા ૧૫  :  ભારતીય રીઝર્વબેંકે લોનનું પેમેન્ટ ન કરનારી કંપનીઓ સાથે સમાધાન કરવા માટે બેંકોને ૬ મહિનાની મુદત આપી હતી, જે ૬ ડિસેમ્બરે પુરી થવાની છે, પણ એ વાતની આશા ઓછી છે કે આટલા ઓછા સમયમાં તે કોઇ સમાધાન લાવી શકે, એટલે ૩.૮ લાખ કરોડ રૂપિયાની વધારાની લોનો અટવાવાનું જોખમ ઉભુ થયું છે. આર.બી.આઇ. એ ૭ જુલાઇના પોતાના પરિપત્રમાં લોનમાં ચુક કરનાર કંપનીઓ સાથે લોન સમાધાન યોજનાને મંજુર કરવા માટે ૧૮૦ દિવસની સમય મર્યાદા અને સમીક્ષા માટે ૧ મહિનાની મુદત નક્કી કરી હતી. સુત્રો અનુસાર, ૬૦ થી ૮૦ કંપનીઓ અપાયેલ મુદ્દતમાં આવવાનું ચુકી શકે છે કેમ કે લોન સમાધાનની કોઇ યોજના જ નથી બની. સુત્રોએ કહયું કે બેંકોએ માર્ચ ત્રિમાસીકમાં આની જોગવાઇ કરવી પડશે કેમ કે ઘણી કંપનીઓની મુદ્દત જાન્યુઆરીમાં પુરી થઇ જશે. આમાંથી મોટાભાગની લોન દશ બેંકોએ વીજળી, ખાંડ અને ખાતર ક્ષેત્રની કંપનીઓને આપી છે. વીજ કંપનીઓ પર જ લગભગ ૧.૮ લાખ કરોડની લોન છે

આર.બી.આઇ. એ  પોતાના પરિપત્રમાં કેટલાક સખત નિયમો બનાવ્યા છે, જેમાં કહેવાયું છે કે લોન લેનારા માટે સમાધાન યોજના ત્યારે જ લાગુ માનવામાં આવશે, જો તેણે આ ૧૮૦ દિવસમાં એક વાર પણ હપ્તો ભરવામાં ચુક નહીં કરી હોય. ૧૮૦ દિવસ પછી હપ્તો ચુકી જાય તો તેને નવી ચુક ગણવામાં આવશે. આ સાથેજ કંપનીની નવરચના અથવા માલીકો બદલાવાની સ્થિતીમાં સમાધાન યોજના ત્યારે જ લાગુ માનવામાં આવશે, જયારે તે અંગેના બધા દસ્તાવેજો ઉપલબ્ધ કરાવવામાં આવશે.

(11:31 am IST)