Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

દેશમાં માત્ર ૬પ૦૦ લોકો પાસે એકથી વધુ મકાન

૧.૧૪ કરોડ લોકો પાસે એક મકાનનો માલિકી હકક છેઃ ટેક્ષ બચાવવા છુપાવે છે લોકો ઘરોની સંખ્યા

નવી દિલ્હી, તા. ૧પઃ અમીર લોકો પાસે પૈસા રોકાણ માટે પસંદગીનો વિકલ્પ છે. બીજુ મકાન ખરીદવું, પણ તેને તેઓ પોતાના આવકવેરામાં દેખાડવા નથી ઇચ્છતા. ટેક્ષ રીટર્નનના આંકડાઓમાં આ વાત બહાર આવી છે કે ભારતનું હાઉસીંગ માર્કેટ કેટલુ અપારદર્શક છે. ફકત ૬પ૩૭ લોકોએ એવી જાહેરાત કરી છે કે તેમની પાસે એકથી વધારે પોતાની માલિકીના ઘર છે જેમાં તેઓ રહે છે.

નાણા મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ નામ ન છાપવાની શરતે કહ્યું કે ટેક્ષ રિસર્ચ યુનિટ (ટીઆરયુ) ના આંકડાઓ દર્શાવે છે કે ર૦૧૭-૧૮ના વર્ષમાં બે અથવા તેનાથી વધારે ઘરોમાં રહેનારા લોકોની સંખ્યા ફકત ૬પ૩૭ છે.

આ અધિકારીનું કહેવું છે કે આકલન વર્ષ ર૦૧૭-૧૮માં ૪.૯૪ કરોડ લોકોએ રિટર્ન ભર્યા હતા. તેના વિશ્લેષણમાં જાણવા મળ્યું કે, ચોથા ભાગના (૧.૧૪ કરોડ) લોકોએ પોતાની આવાસીય સંપતિ દ્વારા તેમને થતી આવકની જાહેરાત કરી છે. કરદાતાઓમાંથી ૯૦ ટકા પાસે ફકત એક મકાન છે. તેમાંથી ૬પ ટકાએ જાહેર કર્યું કે તેમની આવાસીય સંપતિ પર તેમનો પોતાનો કબજો છે એટલે તેઓ પોતે જ તેનો ઉપયોગ કરે છે.

(10:55 am IST)