Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

મહારાષ્ટ્રમાં શિવસેના- કોંગ્રેસ- NCP વચ્ચે સમજુતી

શિવસેનાના હશે મુખ્યમંત્રીઃ કોંગ્રેસ-NCPના હશે એક-એક નાયબ મુખ્યમંત્રીઃ ૧૪-૧૪-૧ર ની ફોર્મ્યુલાઃ કોમન મીનીમમ પ્રોગ્રામ ઘડી કઢાયોઃ રવિવારે સોનિયા-પવાર વચ્ચે બેઠકઃ ૧૭ થી ર૦ દરમ્યાન નવી સરકાર

મુંબઇ તા. ૧પ :.. મહારાષ્ટ્રમાં સરકાર રચવાનો માર્ગ મોકળો થઇ ગયો છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે લાંબી કવાયત બાદ શિવસેના  - કોંગ્રેસ એન એનસીપી વચ્ચે સરકાર બનાવવાને લઇને સમજુતી થઇ ગઇ છે. સમજુતી હેઠળ શિવસેનાને પૂર્ણ સમય માટે મુખ્યમંત્રી પદ મળશે કોંગ્રેસ અને એનસીપીના ખાતામાં એક એક નાયબ મુખ્યમંત્રીપદ આવશે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે સરકાર બનાવવાને લઇને ત્રણેય પક્ષો વચ્ચે વાતચીત થઇ રહી છે. ત્રણેય વચ્ચે કોમન મીનીમમ પ્રોગ્રામને લઇને પણ સહમતી બની ગઇ છે. શિવસેનાને મુખ્યમંત્રી પદ ઉપરાંત ૧૪ પ્રધાન મળશે તો એનસીપીને ૧૪ અને કોંગ્રેસને ૧ર પ્રધાન મળશે.

ઘણાં દિવસોથી મહારાષ્ટ્રમાં સરકાર રચવા અંગે અવઢવમાં રહેલી શિવસેના, કોંગ્રેસ અને એનસીપીમાં આખરે સહમતિ બનતી જોવા મળે છે. ત્રણે પાર્ટીઓએ ગુરુવારે સરકાર માટે કોમન મિનિમમ એજન્ડા અંગે મુંબઈમાં ચર્ચા કરી હતી. આખરે આ મીટિંગને લઈને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિધાનસભામાં વિપક્ષના નેતા રહેલા વિજય વડટ્ટીવારે જણાવ્યું કે બેઠકમાં ત્રણે પાર્ટીઓના નેતાઓએ કોમન મિનિમમ એજન્ડા કાર્યક્રમનો ડ્રાફટ તૈયાર કર્યો છે. એક રિપોર્ટ અનુસાર હવે આ ડ્રાફટને સોનિયા ગાંધી, શરદ પવાર અને ઉદ્ઘવ ઠાકરે પાસે મોકલવામાં આવ્યો છે. વડેટ્ટીવારે કહ્યું કે સોનિયા ગાંધીની મંજૂરી મળતા જ રાજયમાં શિવસેનાના નેતૃત્વમાં એનસીપી અને કોંગ્રેસ સરકારમાં સહભાગી થશે.

પહેલી જ બેઠકમાં બની સહમતિ

વડેટ્ટીવારે કહ્યું કે મહારાષ્ટ્રમાં સ્થિર સરકાર આપવા માટે શિવસેના, એનસીપી અને કોંગ્રેસ આ ત્રણ પાર્ટીઓના રાજયસ્તરના નેતાઓની કોમન મિનિમમ કાર્યક્રમ નક્કી કરવા માટેની આ પહેલી બેઠક હતી. વડેટ્ટીવારે કહ્યું કે ત્રણે પાર્ટીઓના નેતાઓએ ખુલ્લા દિલથી બેઠકમાં હાજરી આપી હતી અને આ ડ્રાફટ તૈયાર કરવા માટે કોઈ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નહોતો. તેમણે કહ્યું કે ત્રણે પાર્ટીઓના નેતાઓની આ ભાવના હતી કે રાજયની જનતા અને ખેડૂતોના હિતમાં જલદીથી સરકાર બનવી જોઈએ.

હાઈ કમાન્ડની મંજૂરી પછી ખુલાસો

વડેટ્ટીવારે કહ્યું કે જયાં સુધી આ ડ્રાફટને ત્રણે પાર્ટીઓના વડાઓની મંજૂરી ન મળી જાય, જયાં સુધી ડ્રાફટમાં સમાવેશ તથ્યોનો ખુલાસો કરવો ઠીક નથી. જોકે, તેમણે એ પણ જણાવ્યું કે બેઠકમાં હિંદુત્વ સહિત દરેક મુદ્દા પર ચર્ચા થઈ. જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે ડ્રાફટમાં ત્રણે પાર્ટીઓના ચૂંટણી મેનિફેસ્ટોમાં સમવિષ્ટ મુદ્દાઓને પણ લેવામાં આવ્યા છે. જેમાં ખેડૂતોની દેવામાફી, બેરોજગારી અને મોંઘવારીથી નિપટવા માટેના ઉપાયો, વિદ્યાર્થીઓની મુશ્કેલીને પ્રાથમિકતા આપવામાં આવી છે.

બેઠકમાં આ  નેતાઓની હતી હાજરી

બેઠકમાં શિવસેના તરફથી પાર્ટીના વરિષ્ઠ નેતા સુભાષ દેસાઈ અને એકનાથ શિંદે, એનસીપી તરફથી પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલ ઉપરાંત છગન ભુજબળ અને નવાબ મલિક તથા કોંગ્રેસ તરફથી પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ, વિજય વડેટ્ટીવાર અને માણિકરાવ દેશમુખ હાજર હતાં.

એનસીપી સૂત્રોનું કહેવું છે કે પાર્ટી ચીફ શરદ પવાર ૧૬ નવેમ્બરના રોજ દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી શકે છે. સૂત્રોનું કહેવું છે કે ૧૭  થી ૨૦ નવેમ્બર વચ્ચે મહારાષ્ટ્રમાં નવી સરકાર રચવાની જાહેરાત થઈ શકે છે

કોમન મીનીમમ પ્રોગ્રામ ઘડાયો

મુસ્લિમોને પ ટકા અનામત આપવા તથા સાવરકરને  ભારત રત્નની માંગ છોડવા શિવસેના તૈયાર

મુંબઇ તા. ૧પઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે હાલમાં જ પોતાના એક બયાનમાં શિવસેના પર ગઠબંધન તોડવાનો આક્ષેપ કર્યો હતો. શાહના બયાનના એક દિવસ પછી એટલે કે ગઇકાલે શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપી સાથે સરકાર બનાવવાની દિશામાં એક મોટું પગલું ભર્યું છે.

શિવસેના, એનસીપી અને કોંગ્રેસના નેતાઓની ગઇકાલે એક સંયુકત મિટીંગ થઇ હતી જેમાં એક કોમન મીનીમમ પ્રોગ્રામ અંગે ચર્ચાઓ થઇ. શિવસેનાના સીનીયર નેતા એકનાથ સિંહેએ તેમાં ભાગ લીધો હતો. મીટીંગ પછી જણાવવામાં આવ્યું કે એક મીનીમમ કોમન પ્રોગ્રામ તૈયાર કરાયો છે જેને હવે પક્ષના ઉચ્ચ નેતૃત્વ પાસે મોકલવામાં આવશે અને જો ત્યાંથી મંજૂરી મળશે તો ટુંક સમયમાં રાજયમાં શિવસેના-કોંગ્રેસ-એનસીપીની ગઠબંધન સરકાર બનશે.

સુત્રો અનુસાર, કોંગ્રેસ અને એનસીપીએ મીટીંગ દરમ્યાન, મુસ્લીમોને શિક્ષણ ક્ષેત્રમાં પ ટકા અનામત આપવા માટે શિવસેનાને રાજી કરી લીધી છે. આ યોજના છેલ્લી કોંગ્રેસ અને એનસીપી સરકારના કાર્યકાળમાં નકકી કરાઇ હતી પણ સરકાર બદલી જતા તેનો અમલ નહોતો થઇ શકયો. એટલે જો શિવસેના-કોંગ્રેસ-એનસીપીની સરકાર બનશે તો આ યોજના અમલી બનાવાશે. આ સાથે જ કોમન મીનીમમ પ્રોગ્રામ હેઠળ, વીરસાવરકરને ભારત રત્ન આપવાની માંગણી અંગે પણ શિવસેના પીછેહઠ કરી શકે છે.

(10:53 am IST)
  • અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓનો પોલીસ પર હુમલો : એક અધિકારી અને ત્રણ જવાનના મોત : અફઘાનિસ્તાનના ઉતરી વિસ્તારમાં તાલિબાનોએ હુમલો કર્યો : હજુ સુધી હુમલાની કોઈએ જવાબદારી લીધી નથી access_time 1:00 am IST

  • રાફેલ મુદ્દે રાહુલ ગાંધીના જુઠ્ઠાણાંના વિરોધમાં ગુજરાત ભાજપ પ્રત્યેક જિલ્લામાં વિરોધ પ્રદર્શન કરશે access_time 10:03 pm IST

  • કર્ણાટકમાં યોજાઈ ગયેલી સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપ કરતા કોંગ્રેસ આગળ : 9 જિલ્લાના 418 વોર્ડમાંથી 151 બેઠકો ઉપર કોંગ્રેસ તથા 125 બેઠકો ઉપર ભાજપ વિજેતા access_time 7:57 pm IST