Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

ભારતથી ડાઇની ઇમ્પોર્ટ બંધ કરતાં પાક.ની હાલત કફોડી

ડાઇ-કેમીકલ બંધ થતાં પાકિસ્તાનના હવાતિયાં : ગુજરાત યુનિ.કન્વેન્શન સેન્ટર ખાતે ઇન્ટરડાઇ એશિયા-૨૦૧૯ આંતરરાષ્ટ્રીય ડાઇ કેમીકલ શોનો પ્રારંભ કરાયો

અમદાવાદ, તા.૧૪ : જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-૩૭૦ નાબૂદી બાદ રોષે ભરાયેલા પાકિસ્તાને ભારત પાસેથી ડાઇ-કેમીકલ, ડાયસ્ટફનું ઇમ્પોર્ટ બંધ કરવામાં આવ્યું છે પરંતુ તેના કારણે પાકિસ્તાનની હાલત ભારે કફોડી બની છે. પાકિસ્તાન પણ ટેક્ષ્ટાઇલમાં  હબ માર્કેટ ધરાવે છે અને તે મુખ્યત્વે ડાઇ-કેમીકલ અને ડાયસ્ટફ માટે ભારત પર જ મુખ્ય આધાર રાખતું હતું પરંતુ હવે તેણે સામેથી જ ઇમ્પોર્ટ બંધ કરતાં તેને ચીન અને અન્ય લોકો પર આધાર રાખવો પડી રહ્યો છે. વળી, ભારત તેને જે કિંમતે ડાઇ, કેમીકલ કે ડાયસ્ટફ પૂરું પાડતું હતું, તેનાથી ચારથી પાંચ ગણી વધુ કિંમતે તેને બીજા માર્કેટમાંથી આ બધુ ખરીદવાની ફરજ પડી રહી છે. તેના કારણે પાકિસ્તાનની હાલત ભારે કફોડી બની છે.

     ભારત પાકિસ્તાનને વર્ષેદહાડે ૫૦૦ મિલિયન ડોલરની ઉપરોકત પ્રોડકટ્સ એક્ષ્પોર્ટ કરતુ હતુ, જેથી ભારતને પણ આર્થિક નુકસાન તો છે જ પરંતુ પાકિસ્તાનની હાલત બહુ કફોડી છે એમ અત્રે ગુજરાત ડાયસ્ટફ મેન્યુફેકચરર્સ એસોસીએશનના પ્રમુખ યોગેશ ડી.પરીખ અને ચીન ડાયસ્ટફ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના પ્રમુખ કંગ બાઓક્સીઆંગ અને  બેઝીક કેમીકલ્સ કોસ્મેટીક્સ એન્ડ ડાઇસ એકસપોર્ટ પ્રમોશન કાઉન્સીલકેમેકિસલ)ના પ્રમુખ અજય કડાકિયાએ જણાવ્યું હતું. ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે આજથી તા.૧૬મી નવેમ્બર સુધી ત્રણ દિવસ સુધી ચાલનારા ઇન્ટરડાઇ એશિયા-૨૦૧૯ આંતરરાષ્ટ્રીય કેમીકલ શોના ઉદ્ઘાટન પ્રસંગે ઉપરોકત ત્રણેય મહાનુભાવોએ વધુમાં જણાવ્યું હતું કે, આ નવમા એશિયા આંતરરાષ્ટ્રીય ડાઇ ઉદ્યોગ, પીગમેન્ટસ અને ટેક્સટાઇલ કેમીકલ્સ એકઝીબીશનમાં ભારત, થાઇલેન્ડ, ચીન અને તાઇવાનના ૧૨૦થી વધુ એકઝીબીટર્સ ભાગ લઇ રહ્યા છે. સમગ્ર વિશ્વમાં ચીન અને ભારત જ ડાયસ્ટફના બે સૌથી મોટા હબ છે. ભારતનું ડાયસ્ટફની કુલ નિકાસમાં ગુજરાત ૭૦ ટકા નિકાસ કરે છે, ગુજરાતમાંથી ૨૫ હજાર કરોડના ડાયસ્ટફની નિકાસ થાય છે. ગુજરાતમાં હાલ કુલ ૧૧૦૦થી વધુ યુનિટ છે. ગુજરાતની ડાયસ્ટફ ઇન્ડ્સ્ટ્રીઝ નોંધનીય રીતે હરણફાળ ભરી રહી છે.

                  ઓવરઓલ વાત કરીએ તો, દેશની ડાયસ્ટફ ઇન્ડસ્ટ્રીઝ વાર્ષિક ૧૯થી ૨૦ ટકાના દરે ગ્રોથ કરી રહી છે.  ગુજરાત ડાયસ્ટફ મેન્યુફેકચરર્સ એસોસીએશનના પ્રમુખ યોગેશ ડી.પરીખ અને ચીન ડાયસ્ટફ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના પ્રમુખ કંગ બાઓક્સીઆંગ અને  બેઝીક કેમીકલ્સ કોસ્મેટીક્સ એન્ડ ડાઇસ એકસપોર્ટ પ્રમોશન કાઉન્સીલકેમેકિસલ)ના પ્રમુખ અજય કડાકિયાએ ઉમેર્યું કે, ડાઇ ઉદ્યોગ, પીગમેન્ટસ અને ટેક્સટાઇલ કેમીકલ્સ તેમ જ ડાયસ્ટફ પ્રોડકટ્સ માટે અમેરિકા સહિતના વિશ્વભરના દેશો ચીન અને ભારત પર મુખ્ય આધાર રાખે છે.

            જો કે, ચીનને પણ ભારત કેટલીક પ્રોડકટ્ નિકાસ કરી રહ્યું છે. યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે ત્રણ દિવસ સુધી ચાલનારા આ આંતરરાષ્ટ્રીય ઇન્ટરાઇ એશિયા-૨૦૧૯ શોમાં ભારત, ચીન સહિતના દેશોના એકઝીબીટર્સને પોતાના વ્યાપાર-ધંધા, બિઝનેસને વિસ્તારવાની, નવી ટેકનોલોજી, સંશોધન અને લેટેસ્ટ ટ્રેન્ડ સહિતની અનેકવિધ બાબતોની ઉપયોગી જાણકારી, માર્ગદર્શન અને દુર્લભ તક પ્રાપ્ય બનશે. ચીન અને ભાત હવે રંગોના ક્ષેત્રમાં વૈશ્વિક લીડર્સ બન્યા છે ત્યારે આગામી વર્ષોમાં બંને દેશોમાં માથા દીઠ વપરાશમાં નોંધીનીય વધારો થવાની પૂરી શકયતા છે.

(12:00 am IST)