Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

ગાજા ચક્રવાતી તોફાનની અસર : ધોધમાર વરસાદ

તમિળનાડુના અનેક વિસ્તારો જળબંબાકારઃ ગાજા તીવ્ર વાવાઝોડામાં ફેરવાઈને ત્રાટકતા હાલત કફોડી અનેક વૃક્ષો ધરાશાયી થયા : જનજીવન સંપૂર્ણ ખોરવાયું

ચેન્નાઈ, તા. ૧૫: ચક્રવાતી તોફાન ગાજાએ આજે તીવ્ર તોફાનમાં ફેરવાઈ જઇને ચિંતા વધારી દીધી હતી.  તમિળનાડુના અનેક ભાગોમાં ભારે વરસાદથી હાલત કફોડી બની ગઈ છે. તમિળનાડુના કુડ્ડાલોર, પંબા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અનેક કાચા મકાનોના છાપરા ઉડી ગયા છે. ભારે વરસાદ બાદ તંત્ર સાબદુ બન્યું છે. ગાજા વાવાઝોડુ હવે નાગાપટ્ટીનમથી ૩૦૦ કિલોમીટરના અંતરે સ્થિત છે અને આની અસરની શરૃઆત થઇ ચુકી છે. આજે મોડી સાંજે ભારે વરસાદનો દોર શરૃ થઇ ગયો હતો. ઘમી જગ્યાએ તીવ્ર પવન પણ ફુંકાઈ રહ્યા છે. આની અસર તમિળનાડુ અને કેરળમાં જોવા મળી શકે છે. ૧૦૦થી ૧૫૦ મીમીથી વધુ વરસાદ આવતીકાલે પડે તેવી શક્યતા દેખાઈ રહી છે. કેટલીક જગ્યાએ ૨૦૦ મીમી સુધી વરસાદ પણ થઇ શકે છે. નાગાપટ્ટીનમમાં છેલ્લા દશકમાં નવેમ્બર મહિના દરમિયાન ક્યારે પણ ૨૦૦મીમીથી વધુ વરસાદ થયો નથી. નવેમ્બર ૨૦૦૮માં અહીં સૌથી વધુ વરસાદ ૧૯૭ મીમી થયો હતો. તમિળનાડુના જુદા જુદા વિસ્તારમાં ભારે નુકસાન થઇ શકે છે. આને લઇને એલર્ટની જાહેરાત પણ કરવામાં આવી છે. પુડ્ડુચેરીના કરાઈકાલ જિલ્લામાં પણ નુકસાનની વકી છે. તમિળનાડુના પાટનગર ચેન્નાઈ દરિયા કાંઠેથી આશરે ૭૩૦ કિલોમીટરના અંતરે સ્થિત ચક્રવાતી વાવાઝોડુ ગાજા પહોંચ્યું છે અને ઝડપથી આગળ વધે તેવી શક્યતા છે. આવતીકાલથી તમિળનાડુના ઉત્તરીય વિસ્તારો અને ચેન્નાઈમાં ભારે વરસાદની શરૃઆત થાય તેવી શક્યતા છે. ગુરુવારના દિવસે નાગાપટ્ટનમ અને ચેન્નાઈ વચ્ચે જોરદાર વરસાદ પડવાની શરૃઆત થઇ હતી જ્યારે આવતીકાલથી જ તમિળનાડુના ઉત્તરીય વિસ્તારોમાં હળવો વરસાદ શરૃ થઇ જશે.

શુક્રવારે વરસાદી માહોલ અકબંધ રહેશે. ચક્રવાતી વાવાઝોડાના પરિણામ સ્વરુપે ૩૫થી ૫૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાશે. આગામી ૧૨ કલાકમાં આંદામાન દરિયામાં ન જવા માછીમારોને કહેવામાં આવ્યું છે. ચેતવણીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, માછીમારોને સાવચેતી રહેવા કહેવામાં આવ્યું છે. વાવાઝોડાની અસરને ટાળવા તમિળનાડુ, પોંડીચેરી અને આંધ્રપ્રદેશમાં જુદા જુદા પગલા લેવાઈ રહ્યા છે.

(10:21 pm IST)