Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

તાજમહલ પરિસરમાં પ્રતિબંધ હોવા છતા નમાઝ અદા કરાઇ

આગરા : ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા આગરાના તાજમહલમાં નમાઝ પઢવા પર લગાવાયેલા વિવાદિત બેનને નજરઅંદાજ કરતા તાજમહલ ઈંતજામિયા કમિટી (TMIC)ના સભ્યોએ મંગળવારે તાજમહલ પરિસરમાં નમાઝ અદા કરી. જોકે, ‘વજૂ ટેંક’ (જ્યાં નમાઝ પઢતા પહેલા નમાઝી પોતાનું શરીર સાફ કરે છે)માં રોજની જેમ તાળું જ લાગેલું રહ્યું અને નમાઝીઓએ નમાઝ અદા કરતા પહેલા પીવાના પાણીથી પોતાને સાફ કર્યા.

TMICના અધ્યક્ષ સૈયદ ઈબ્રાહિમ હુસૈન ઝૈદીએ કહ્યું કે, ASIના લોકોએ તેમને રોકવાનો પ્રયત્ન કર્યો પણ તે લોકોએ વિરોધ પ્રદર્શન કરતા સીનિયર અધિકારીઓને બોલાવવાની માગણી કરી. ઘણા દાયકાઓથી ઈમામ સૈયદ સાદિક અલીનો પરિવાર તાજમહલની અંદર સ્થિત મસ્જિદમાં નમાઝ અદા કરાવે છે. આના માટે તે માત્ર 15 રૂપિયા પ્રતિ માસનું મહેનતાણું લે છે. ઈમામ સૈયદ સાદિક અલીએ કહ્યું કે, ‘અમે 400 વર્ષથી ચાલી આવતી પરંપરાને આગળ વધારીશું. કોઈપણ વિભાગ કે કાયદો અમને નમાઝ અદા કરવાથી રોકી શકે નહીં, કેમ કે આ અમારો બંધારણીય અધિકાર છે.

બીજી તરફ આ મુદ્દે ASIના આગરા સર્કલના સુપ્રિટેડન્ડેટે આ મુદ્દે કોઈપણ કૉમેન્ટ કરવાની ના પાડી દીધી છે. તેમણે કહ્યું કે, આ મુદ્દે તેમને કોઈ જાણકારી નથી. તમને જણાવી દઈએ કે, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે તાજમહલ પરિસરની અંદર આવેલી મસ્જિદમાં મુસ્લિમોના નમાઝ પઢવા પર શુક્રવાર સિવાયના બાકી દિવસોમાં બેન લગાવ્યો હતો. ASIના અધિકારીઓનું કહેવું હતું કે, તેઓ જુલાઈમાં આવેલા સુપ્રીમ કોર્ટના એક આદેશનું પાલન કરી રહ્યાં છે.

(4:40 pm IST)