Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

મહારાષ્‍ટ્રમાં મરાઠા અનામતનો માર્ગ મોકળો

મહારાષ્‍ટ્ર રાજ્‍ય પછાત આયોગે પોતાના રીપોર્ટમાં મરાઠાઓને રાજ્‍યમાં પછાત ગણ્‍યાઃ હવે સરકાર વિધાનસભામાં બીલ લાવશે : મુખ્‍યમંત્રી ફડણવીશની સૌથી મોટી રાજકીય મુશ્‍કેલીનો અંત આવ્‍યો

મુંબઈ, તા. ૧૫ : મહારાષ્‍ટ્રના બ્રાહ્મણ મુખ્‍યમંત્રી દેવેન્‍દ્ર ફડણવીશની સૌથી મોટી રાજકીય મુશ્‍કેલીનો ઉકેલ આવી ગયો છે. મહારાષ્‍ટ્ર રાજ્‍ય પછાત પંચે પોતાના રીપોર્ટમાં મરાઠાઓને રાજ્‍યમાં પછાત ગણ્‍યા છે. આ રીપોર્ટથી મરાઠાને અનામત મળવાનો માર્ગ મોકળો થઈ ગયો છે.

પછાત આયોગના રીપોર્ટમાં મરાઠા સમુદાયને સામાજિક, આર્થિક અને શૈક્ષણિક આધાર પર પછાત માનેલ છે. આયોગના સૂત્રોએ જણાવ્‍યુ છે કે, રીપોર્ટ બાદ મરાઠાઓને રાજ્‍યમાં શૈક્ષણિક સંસ્‍થાઓ અને સરકારી નોકરીઓમાં અનામત મળવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. આયોગના સચિવ આ રીપોર્ટને આજે રાજ્‍યના મુખ્‍ય સચિવને સોંપી રહ્યા છે.

આ રીપોર્ટની બાદમાં કેબીનેટમાં ચર્ચા થશે. સરકાર બાદમાં બીલ લાવશે અને વિધાનસભામાં કાયદો પસાર કરાવશે. અત્રે એ નોંધનીય છે કે મરાઠાઓને અનામત આપવાની માંગણી ૧૯૮૦ના દાયકાથી પેન્‍ડીંગ છે. સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે ૨૫ વિવિધ માપદંડ પર મરાઠાઓને સામાજિક, શૈક્ષણિક અને આર્થિક આધાર પર પછાત હોવાની તપાસ કરી હતી. જેમાં તમામ માપદંડ પર મરાઠાઓની સ્‍થિતિ દયાજનક જોવા મળી હતી. આ દરમિયાન સર્વેમાં ૪૩૦૦૦ મરાઠા પરિવારોની સ્‍થિતિ જાણવામા આવી હતી.

સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે રીપોર્ટની સૌથી મહત્‍વની ભલામણ છે કે મરાઠાઓને વર્તમાન અન્‍ય પછાત જ્ઞાતિઓના ૨૭ ટકાના કવોટાને વધારી અનામત આપી શકાય છે. તેમા સરકારનું ધ્‍યાન નાગરાજ કેસ તરફ ખેંચવામાં આવ્‍યુ છે. જેના હવાલાથી કહેવાયુ છે કે રાજ્‍ય સરકાર અનામતના કવોટાના વધારી ૫૦ ટકાથી વધુ પણ કરી શકે છે. જે સુપ્રીમ કોર્ટની નક્કી કરેલી સીમા છે. આયોગના સૂત્રોનું કહેવુ છે કે અમે સુત્રોને એવુ નથી કહ્યુ કે મરાઠાને કેટલુ અનામત આપવુ જોઈએ. કવોટા ફીકસ કરવાનું કામ સરકારનું છે. મરાઠા ૧૬ ટકા અનામતની માંગ કરે છે પરંતુ સરકારી સૂત્રો કહે છે કે ૮ થી ૧૦ ટકા કવોટા નક્કી થઈ શકે છે.

(10:52 am IST)