Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

સિંધુ સરહદ પર યુવકની હત્યા મામલે રાજકારણ ગરમાયું

ટિકૈતે લખીમપુર મોબ લિન્ચિંગને યોગ્ય ન ગણાવ્યો હોત તો સિંધુ બોર્ડર પર હત્યા ન થાત : ભાજપ

નવી દિલ્હી, તા.૧૫ : દિલ્હી બોર્ડર પર ખેડૂત આંદોલનની વચ્ચે એક યુવકની થયેલી બર્બર હત્યા બાદ ભાજપે ખેડૂત નેતા રાકેશ ટિકૈત પર નિશાન સાધ્યુ છે. ભાજપના આઈટી સેલના પ્રભારી અમિત માલવિયે આરોપ લગાવ્યો છે કે, જો રાકેશ ટિકૈતે લખીમપુરમાં થયેલા મોબ લિન્ચિંગને યોગ્ય ના ગણાવ્યુ હોત તો આજે સિંધુ બોર્ડર પર યુવકની આ રીતે હત્યા ના થતી. તેમણે કહ્યુ હતુ કે, ખેડૂત આંદોલનના નામે થઈ રહેલા વિરોધ પ્રદર્શનોના નામે જે રીતે અરાજકતા ફેલાવવામાં આવી રહી છે તેને બેનકાબ કરવાની જરૂર છે.

ઉલ્લેખનીય છે કે, લખીમપુરમાં ખેડૂતો પર ગાડી ચઢાવી દેવાની ઘટના બન્યા બાદ આક્રોશમાં આવેલા ટોળાએ ભાજપના કાર્યકરોની પણ માર મારીને હત્યા કરી નાંખી હતી. જેના પર રાકેશ ટિકૈતે કહ્યુ હતુ કે, આ મોબ લિન્ચિંગ નહોતુ પણ ખેડૂતોની હત્યા બાદ ટોળાની પ્રતિક્રિયા હતી.

(7:25 pm IST)