Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

ઝાંસીમાં ટ્રેકટર ટ્રોલી પલટતાં ૪ બાળક સહિત ૧૧નાં મોત

ઉત્તર પ્રદેશમાં ગાય બચાવવા જતાં અકસ્માત : ટ્રેક્ટર ટ્રોલીમાં કુલ ૩૦થી ૩૨ લોકો બેઠા હતા, ભાંડેર રોડ પર સામેથી ગાય આવતા ટ્રેક્ટર પલટી મારી ગયું

ઝાંસી , તા.૧૫ : ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લામાં શુક્રવારે ગમખ્વાર અકસ્માત થયો છે. અહીં ટ્રેક્ટર ટ્રોલી બેકાબૂ થઈને પલટી મારી છે. આ અકસ્માતમાં ૧૧ લોકોના મોત થયા છે. મૃત્યુ પામનારમાં ૭ મહિલાઓ સહિત ચાર બાળકો સામેલ છે. દુર્ઘટનામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટના સ્થળ પર રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. બધા ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી રહ્યાં છે. જાણકારી પ્રમાણે આ દુર્ઘટના ચિરગાંવ ક્ષેત્રના ભાંડેર રોડ પર થઈ છે. જાણવા મળી રહ્યું છે કે ટ્રેક્ટર ટ્રોલીમાં કુલ ૩૦થી ૩૨ લોકો બેઠા હતા. ભાંડેર રોડ પર સામેથી અચાનક ગાય આવવા પર ટ્રેક્ટર બેકાબૂ થઈ ગયું. ત્યારબાદ ખેતરમાં પલટી મારી ગયું હતું. આ ટ્રેક્ટરમાં બેઠેલી સાત મહિલા અને ચાર બાળકો સહિત કુલ ૧૧ લોકોના મોત થયા છે. જ્યારે ૬ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે મેડિકલ કોલેજ મોકલવામાં આવ્યા છે.

પોલીસ અનુસાર ટ્રેક્ટર ટ્રોલીમાં સવાર લોકો પંડોખરથી ઝાંસીના ચિરગાંવ તરફ જઈ રહ્યાં હતા. ત્યારે રસ્તામાં ભયાનક દુર્ઘટના સર્જાય. માહિતી મળતા પોલીસની ટીમે સ્થળ પર પહોંચીને ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે ખસેડ્યા છે. તો મૃત્યુ પામનાર લોકોનું પંચનામુ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે અકસ્માત સ્થળ પર અવરજવરને સામાન્ય કરી દેવામાં આવી છે.

(7:20 pm IST)