Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

કોરોનાની તપાસ રાજકીય જોડતોડથી પ્રેરિત : ચીન

કોરોનાની ઉત્તપત્તીની તપાસની WHOની તૈયારી : ડબલ્યૂએચઓએ ૨૫ વિશેષજ્ઞોની પ્રસ્તાવિત યાદી જારી કરી

બીજિંગ, તા.૧૫ : ચીને કોરોના વાયરસ ઉત્પત્તિની બીજી વાર તપાસની તૈયારી કરી રહેલા ડબલ્યૂએચઓને ધમકી આપી છે. ચીને કહ્યુ છે કે ડબલ્યૂએચઓની તપાસ સંભવિત રાજકીય જોડતોડથી પ્રેરિત છે.

ચીને સ્પષ્ટ રીતે કહ્યુ કે અમેરિકા અને બાકી કેટલાક દેશ ડબલ્યૂએચઓની તપાસ પર રાજનીતિ કરી રહ્યા છે. આ દિવસે કોરોના વાયરસની ઉત્પત્તિને લઈને ડબલ્યૂએચઓ બીજીવાર તપાસ શરૂ કરવાની તૈયારી કરી ચૂક્યુ છે. સમગ્ર દુનિયામાં ૪૮ લાખ લોકોના જીવ લઈ ચૂકેલા કોરોના વાયરસની ઉત્પત્તિ પર હજુ સુધી કોઈ વૈજ્ઞાનિક અભિપ્રાય સ્થાપિત થયો નથી.

ડબલ્યૂએચઓએ ૨૫ વિશેષજ્ઞોની પ્રસ્તાવિત યાદી જારી કરી જે વાયરસની ઉત્પત્તિ વિશે શોધ માટે આગામી પગલા પર સલાહ આપશે. અગાઉના પ્રયાસોને ચીન પ્રત્યે નરમ ગણાવ્યા હતા. ચીનમાં ડિસેમ્બર ૨૦૧૯માં પહેલીવાર મનુષ્યોના કોરોના વાયરસથી સંક્રમિત થવાની જાણ થઈ હતી. ડબલ્યૂએચઓની ટીમે ફેબ્રુઆરીના પ્રવાસમાં બીજિંગ પર આરોપ લગાવ્યો હતો કે તેઓ આંકડા શેર કરી રહ્યા નથી. જે બાદ ચીને આગળની તપાસનો વિરોધ કર્યો હતો.

ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને કહ્યુ કે ચીન વૈશ્વિક સ્તરે વૈજ્ઞાનિક રીતે આની તપાસ કરવામાં સહયોગ કરશે અને આમાં ભાગીદારી નિભાવશે અને કોઈ પણ પ્રકારની રાજકીય જોડતોડનો કડક વિરોધ કરશે. ઝાઓએ એ પણ કહ્યુ કે અમને આશા છે કે ડબલ્યૂએચઓ સચિવાલય સહિત તમામ સંબંધિત પક્ષ અને સલાહકાર જૂથ નિષ્પક્ષ અને જવાબદાર વૈજ્ઞાનિક અભિગમ અપનાવશે.

સંયુક્ત રાષ્ટ્ર સ્વાસ્થ્ય એજન્સી દ્વારા પ્રસ્તાવિત વિશેષજ્ઞોમાં કંઈક એવા લોકો સામેલ છે જે પહેલાની ટીમમાં પણ હતા. આ ટીમ કોવિડ-૧૯ની ઉત્પતિની તપાસ માટે ચીનના વુહાન શહેર ગઈ હતી. ચીને વુહાન પહોંચતા જ ડબલ્યૂએચઓના વૈજ્ઞાનિકોને ૧૪ દિવસ માટે ક્વોરન્ટાઈન કરી દેવાયા હતા. ડબલ્યૂએચઓના જૂની ટીમમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન, બ્રિટન, રશિયા, નેધરલેન્ડ, કતાર અને વિયતનામના વાયરસ અને અન્ય વિશેષજ્ઞ સામેલ હતા.

(7:17 pm IST)