Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

શિક્ષણ ક્ષેત્રની આ પહેલ યુવાનોને નવી દિશા આપશેઃ સપના પુરા કરવા મદદ મળશેઃ નરેન્દ્રભાઇ

સુરતમાં વડાપ્રધાને સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા નિર્મીત પાટીદાર હોસ્ટેલનું ઇ-ભૂમિપૂજન કર્યુ

સુરત તા. ૧પ :.. સુરતમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા નિર્મિત હોસ્ટેલ-ફેઝ-૧નું ભૂમિ પૂજન કરતા પીએમ નરેન્દ્રભાઇ મોદીએ કહ્યુ કે શિક્ષણ ક્ષેત્રમાં આ પહેલથી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ યુવાઓને એક નવી દિશા આપશે અને તેમના સપનાને પુરા કરવામાં મદદ કરશે.

વધુમાં નરેન્દ્રભાઇએ જણાવેલ કે, મને કહેવામાં આવ્યુ કે બન્ને તબક્કાની હોસ્ટેલનું નિર્માણ ૨૦૨૪ સુધી પૂર્ણ થઇ જશે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યુ કે એક સમય હતો જ્યારે ગુજરાતમાં ગુણવત્તાપૂર્ણ શિક્ષણ અને શિક્ષકોની કમી હતી. વિવિધ કારણોથી યુવતીઓ અભ્યાસ છોડી રહી હતી જેમાંથી એક સ્કૂલમાં યુવતીઓ માટે શૌચાલયની કમી હતી પરંતુ હવે આ સુવિધા મળ્યા બાદ યુવતીઓના ડ્રૉપઆઉટમાં ઘટાડો થયો છે.

આ હોસ્ટેલમાં ૧૫૦૦ વિદ્યાર્થી રહેવાની સુવિધા હશે, સાથે જ એક હોલ અને લાઇબ્રેરી પણ બનાવવામાં આવશે. બીજા તબક્કામાં આવતા વર્ષે અહી ૫૦૦ વિદ્યાર્થીઓના રહેવા માટે એક હોસ્ટેલ બનાવવામાં આવશે. આ ખાસ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ ૧૯૮૩માં સ્થાપિત એક રજિસ્ટર્ડ ટ્રસ્ટ છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના નબળા વર્ગોને શિક્ષણ અને સામાજિક પરિવર્તન છે. આ ટ્રસ્ટ વિદ્યાર્થીઓને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયાર કરવામાં મદદ કરવાનીસાથે સાથે કૌશલ વિકાસ માટે એક સ્ટેજ પ્રદાન કરે છે.

(3:06 pm IST)