Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

હંગર ઈન્‍ડેક્‍સની ૧૧૬ દેશોની યાદીમાં ભારત ૧૦૧મા ક્રમેઃ દેશમાં ભૂખમરાની સ્‍થિતિ ‘ચેતવણીજનક' હોવાનો દાવો

પાકિસ્‍તાન, બાંગ્‍લાદેશ કરતાં ભારતમાં ભૂખમરો વધારે છેઃ ગ્‍લોબલ હંગર ઈન્‍ડેક્‍સમાં સતત બીજા વર્ષે ભારતની પીછેહઠ

નવી દિલ્‍હી, તા.૧૫ ભારતમાં ભૂખમરા અથવા કુપોષણની સ્‍થિતિ ‘ચેતવણીજનક' સ્‍તરે પહોંચી ગઈ છે. ભારતે ગ્‍લોબલ હંગર ઈન્‍ડેક્‍સ (જીએચઆઈ) ૨૦૨૧માં સતત બીજા વર્ષે પીછેહઠ કરી છે અને તે ૧૧૬ દેશોની યાદીમાં ૯૪મા ક્રમેથી પાછળ ધકેલાઈને ૧૦૧મા ક્રમે પહોંચી ગયું છે. આમ, ભારતમાં ભૂખમરાની સ્‍થિતિ તેના પડોશી દેશો પાકિસ્‍તાન, બાંગ્‍લાદેશ અને નેપાળ કરતાં પણ વધુ ખરાબ છે. ૨૦૨૦માં જીએચઆઈ ઈન્‍ડેક્‍સમાં ભારતની સ્‍થિતિ ૧૦૨મા ક્રમેથી સુધરીને ૯૪મા ક્રમે આવી હતી.
સમગ્ર વિશ્વમાં ભૂખમરા અને કુપોષણની સ્‍થિતિ પર નજર રાખતી વેબસાઈટ ગ્‍લોબલ હંગર ઈન્‍ડેક્‍સે ગુરુવારે ૧૧૬ દેશોની યાદી જાહેર કરી હતી, જેમાં ચીન, બ્રાઝિલ અને કુવૈત સહિત ૧૮ દેશોનો પાંચથી ઓછા સ્‍કોર સાથે ટોચની રેન્‍કમાં સમાવેશ કરાયો હતો. આઈરિશ સંસ્‍થા કન્‍સર્ન વર્લ્‍ડવાઈડ અને જર્મન સંસ્‍થા વેલ્‍ટ હંગર હિલ્‍ફ દ્વારા તૈયાર કરાયેલા અહેવાલમાં ભારતમાં ભૂખમરાની સ્‍થિતિને ‘ચેતવણીજનક' ગણાવવામાં આવી છે.
વર્ષ ૨૦૨૦માં ભારત ૧૦૭ દેશોમાં ૯૪મા ક્રમે હતો. હવે તે ૧૧૬ દેશોની યાદીમાં ૧૦૧મા ક્રમે આવી ગયો છે. ભારતના જીએચઆઈ સ્‍કોરમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. વર્ષ ૨૦૦૦માં આ સ્‍કોર ૩૮.૮ ટકા હતો, જે ૨૦૧૨થી ૨૦૨૧ વચ્‍ચે ઘટીને ૨૮.૮ - ૨૭.૫ની રેન્‍જમાં આવી ગયો છે.
જીએચઆઈના સ્‍કોરની ગણતરી ચાર પરીબળોના આધારે કરવામાં આવે છે. જેમાં કુપોષણ, પાંચ વર્ષથી નાના બાળકોમાં તેમની ઊંચાઈના પ્રમાણમાં ઓછું વજન, જે તીવ્ર કુપોષણ દર્શાવે છે, પાંચ વર્ષથી નાના બાળકોમાં તેમની વયના પ્રમાણમાં ઓછી ઉંચાઈ, જે ગંભીર કુપોષણ દર્શાવે છે અને બાળ મૃત્‍યુદર (પાંચ વર્ષથી ઓછા બાળકોનો મૃત્‍યુદર)નો સમાવેશ થાય છે.
આ અહેવાલ મુજબ ભારતમાં બાળકોમાં તેમની ઊંચાઈના પ્રમાણમાં વજનનું પ્રમાણ ૧૯૯૮-૨૦૦૨માં ૧૭.૧ ટકાથી વધીને ૨૦૧૬-૨૦૨૦ વચ્‍ચે ૧૭.૩ ટકા થઈ ગયું છે. ભારતમાં કોરોના મહામારી અને મહામારીને પગલે લાઙ્ઘકડાઉન જેવા પગલાઓના કારણે લોકોની આવક અને સ્‍વાસ્‍થ્‍ય પર ગંભીર અસર પડી છે. ખાસ કરીને સમગ્ર વિશ્વમાં બાળકોમાં તેમની ઊંચાઈના પ્રમાણમાં વજનનો દર વર્તમાન સમયમાં સૌથી વધુ છે.
જીએચઆઈ ઈન્‍ડેક્‍સની આ યાદીમાં ભારતના પડોશી દેશો નેપાળ (૭૬), બાંગ્‍લાદેશ (૭૬), મ્‍યાંમાર (૭૧) અને પાકિસ્‍તાન (૯૨) ‘ચેતવણીજનક' સ્‍થિતિમાં હોવા છતાં ભારત કરતાં આ દેશોની સ્‍થિતિ દ્યણી સારી છે તેમ અહેવાલમાં જણાવાયું છે. જોકે, ભારતમાં પાંચ વર્ષથી નાની વયના બાળકોના મૃત્‍યુદર, બાળકોમાં તેમની ઊંચાઈના પ્રમાણમાં વજન અને અપૂરતા ભોજનના કારણે કુપોષણની સ્‍થિતિમાં સુધારો થયો હોવાનું જણાયું છે.
આ રિપોર્ટ મુજબ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી દરમિયાન ભૂખમરા સામેની લડાઈ ભયાનક રીતે બાજુ પર ધકેલાઈ ગઈ છે. જીએચઆઈના વર્તમાન અંદાજોના આધારે સમગ્ર વિશ્વ અને ખાસ કરીને ૪૭ દેશો વર્ષ ૨૦૩૦ સુધીમાં ભૂખમરાનું પ્રમાણ ઘટાડવાનો લક્ષ્યાંક હાંસલ કરવામાં નિષ્‍ફળ જશે તેમ અહેવાલમાં જણાવાયું છે.

 

(10:24 am IST)