Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

સાવધાન... તહેવારોમાં કોરોના ફરી ફુંફાડા મારે તેવી શકયતા : અત્યાર સુધી ૯૭ કરોડને રસી

કોરોનાને હરાવનારા દર્દીઓનો દર વધીને ૯૮.૦૭ ટકા

નવી દિલ્હી તા. ૧૫ : કોરોના રસીકરણ કાર્યક્રમ હવે પોતાના શતક એટલે કે ૧૦૦ કરોડના લક્ષ્યથી ફકત ત્રણ ડગલા (ત્રણ કરોડ) દુર છે. આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ કહ્યું કે, રસીકરણ અભિયાનનો ૧૦૦ કરોડ ડોઝ પુરો થશે એટલે રેલવે સ્ટેશનો, વિમાનો, મેટ્રો અને જહાજો પર તેની જાહેરાત થશે. દેશમાં કુલ રસીકરણનો આંકડો ૯૭ કરોડથી ઉપર પહોંચી ગયો છે.

તો બીજી તરફ દેશમાં તહેવારોની સીઝન વચ્ચે ફરી એકવાર કોરોના ગતિ પકડતો દેખાઇ રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા ગુરૂવારે અપાયેલ આંકડા અનુસાર દેશમાં છેલ્લા બે દિવસથી નવા કેસની સંખ્યામાં વધારો દેખાઇ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૮૯૮૭ નવા કેસ આવ્યા છે અને ૨૪૬ દર્દીઓના મોત થયા છે.

આરોગ્ય મંત્રાલય અનુસાર, દેશમાં કોરોનાને હરાવનારા દર્દીઓનો દર વધીને ૯૮.૦૭ ટકા થઇ ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૧૩.૦૧ લાખ સેમ્પલોનું ટેસ્ટીંગ થયું. તેમાંથી ૧.૪૬ ટકા સેમ્પલ પોઝીટીવ મળ્યા હતા. દૈનિક સંક્રમણ દર ૧.૧૯ ટકા થયો છે. જેમાં વધારો જોવા મળ્યો છે. સપ્તાહિક સંક્રમણ દર ૧.૪૪ ટકા છે.

આરોગ્ય મંત્રાલય અનુસાર મંગળવાર અને બુધવારે નવા કેસો ઘટયા હતા પણ હવે સંક્રમણ વધી રહ્યું છે. છેલ્લા એક દિવસમાં મુંબઇમાં ૪૮૧ નવા કેસ આવ્યા છે અને ૩ દર્દીઓના મોત થયા છે. જ્યારે ૪૬૧ દર્દીઓ સાજા થયા છે. આંધ્રપ્રદેશમાં કર્ફયુ ૩૦ ઓકટોબર સુધી લંબાવાયો છે.

(10:09 am IST)