Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

દિવાળીના દિવસે વડાપ્રધાન મોદી દેશવાસીઓ સાથે 'મન કી બાત'કરશે

આયુષ્માન ભારત યોજનાથી એક વર્ષમાં ૫૦ લાખ લાભાર્થીઓની મફત સારવાર થઈ

નવી દિલ્હી, તા.૧પઃ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પોતાના ઓફિશ્યલ ટ્વિટર હેન્ડલથી જાહેરાત કરી હતી કે તેઓ આગામી ૨૭ ઓકટોબરના રોજ એટલે કે દિવાળીના પર્વ નિમિત્તે દેશવાસીઓ સાથે મન કી બાત કરશે. પીએમે દેશવાસીઓને રેડિયો કાર્યક્રમ મન કી બાત માટે પોતાના વિચારો મોકલવા માટે પણ અપીલ કરી હતી. આગામી ૨૭ ઓકટોબરના રોજ દિવાળીનો પર્વ હોવાથી પીએમ દેશવાસીઓને દિવાળી અને હિન્દુ નવાવરસની શુભેચ્છાઓ પણ પાઠવશે.

ભારત સરકારની મહત્વકાંક્ષી સ્વાસ્થ્ય યોજના આયુષ્માન ભારત વિશે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ અન્ય એક ટ્વીટમાં જણાવ્યું કે અત્યાર સુધીમાં આ યોજના અંતર્ગત ૫૦ લાખ લાભાર્થીઓની મફતમાં સારવાર કરવામાં આવી છે. સ્વસ્થ ભારતના સંકલ્પમાં આ એક મહત્વનો પડાવ હોવાનું પીએમ મોદીએ જણાવ્યું હતું. મંગળવારે વડાપ્રધાન મોદીએ આયુષ્માન ભારતની કેટલીક ખુબીઓને જણાવી હતી.

'દરેક ભારતીયને જાણીને ગર્વ થશે કે એક વર્ષમાં જ ૫૦ લાખથી વધુ લાભાર્થીઓને મફત સારવાર મળી છે. આનો બધો જ શ્રેય આયુષ્માન ભારતને જાય છે,' તેમ મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સપ્ટેમ્બર ૨૦૧૮માં ૦ ૧૦ કરોડ ગરીબ અને ઓછી આવક ધરાવતા મધ્યમ વર્ગના પરિવાર માટે આ યોજનાનું ઉદઘાટન કર્યું હતું. આ યોજના અંતર્ગત પરિવારદીઠ પાંચ લાખનું સ્વાસ્થ્ય વીમા કવચ પુરું પાડવામાં આવ્યું હતું. આ યોજનાથી લોકો સ્વસ્થ બન્યા એટલું જ નહીં પરંતુ તેઓ સશકત પણ બન્યા છે તેમ વડાપ્રધાને જણાવ્યું હતું.

(4:07 pm IST)